ડૉ. બાબાસાહેબ આંબેડકર ૧૩૦ જન્મ જયંતી નિમિત્તે ધ હાર્ટ દ્વારા ડોક્યુમેન્ટરી રજુ કરવામાં આવી.

ટ્વીંકલ પરમાર – જયભીમ સાથે ‘રાષ્ટ્રનાયક’ ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ આપ સહુ ને હાર્દિક શુભેચ્છાઓ. ડૉ. બાબા સાહેબ આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્ય પ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.

બાબાસાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને ‘બંધારણના ઘડવૈયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

જીવન સંઘર્ષનું પ્રતિક એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરને નાનપણથી જ અસ્પૃશ્યતાનાં અનુભવો થયેલા. ભારતની જાતિપ્રથા અને ઊંચ નીચનાં ભેદનાં એમને પોતાના અનેક કડવા અનુભવો રહ્યા હતા. એટલે જ ઉચ્ચ હોદ્દાવાળી સરકારી નોકરી અવગણીને જાતિ મુક્ત, સમાનતા, સ્વતંત્રતા, પીડિત-શોષિત ન્યાય માટેનો અઘરો ને કાંટાવાળો માર્ગ પસંદ કર્યો. એકબાજુ જ્યારે દાંડીકૂચ- મીઠાનો સત્યાગ્રહ ચાલી રહ્યો હતો ત્યારે એ જ સમયે ‘મહાડ સત્યાગ્રહ’ બાબાસાહેબે કરેલો જે માણસ સાથે માણસ જેમ વર્તવા માટે થયેલો હતો.

દેશની સ્વતંત્રતા જેટલું જ જરૂરી હતું જાતિમુક્ત દેશનું નિર્માણ કરવું. જે દેશમાં પાણી માટે, મંદિર પ્રવેશ માટે સત્યાગ્રહો કરવા પડે એ દેશનાં લોકોને સમાનતા અપાવવાનાં અસંખ્ય પ્રયત્નો ડૉ.આંબેડકરે કરેલાં છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન મુંબઈનાં મજૂર વિસ્તારમાંની ચાલીઓમાં પણ વીતેલું હતું આથી તેઓ મજૂરોની વેદના અને તેમની કરુણ સ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હતા. સામાજિક, આર્થિક સમાનતા લાવી પરિવર્તન લાવવાની બાબાસાહેબની પધ્ધતિ હતી. મજૂરોના કલ્યાણ માટે કામનાં કલાકોમાં ઘટાડો, હક્કરજા, અકસ્માત વળતર, મજૂર સ્ત્રીઓ માટે હળવું કામ, પ્રસુતિ પહેલા-બાદની રજાઓ, કારખાનામાં સ્ત્રી મજૂરના બાળકો માટે ધોડિયાઘર, આરોગ્ય-શિક્ષણની સેવાઓ વિગેરે અસંખ્ય કાયદા યોજનાઓનો શ્રેય ડૉ. આંબેડકર સાહેબને જાય છે.

જ્યારે કોઈ વ્યક્તિ પીડા, અન્યાય, આભડછેટ, હડધૂતતાની બધી અનુભૂતિ પોતાનામાં કરતી થાય છે ત્યારે તે સમગ્ર પ્રકારના દુષણો સામે માથું ઉંચકવાની શક્તિ મેળવે છે. લોકો જ્યાં સુધી અન્યાય, અત્યાચારો સહન કરતાં રહે છે ત્યાં સુધી તે આવા વ્યવહારને સામાન્ય જ માને છે. આવા લોકોને ખરી લડાઈનું ભાન કરાવવા અન્યાય સામે ઝઝૂમવાનું તેમજ સમાજ જાગૃતિ લાવવાનું ભારે જહેમત વાળું કામ બાબાસાહેબે ઉઠાવ્યું. સરકાર બહાર તેમજ સરકારમાં રહીને પણ એકમાત્ર શોષિતવર્ગ કેમ આગળ વધે અને લેવા લાભ મળે એ માટે હંમેશા પ્રયત્નશીલ રહયા હતાં.

ડૉ. આંબેકકરની પ્રાથમિકતા સમાજ પરિવર્તન માટેની જ હતી તેઓ રાજકીય પરિવર્તનમાં પણ સુધારાવાદી ખરા! પરંતુ, સમાજ પરિવર્તનમાં ક્રાંતિકારી જ હતા. ‘સ્વ’ ની નહિ સમાજની ચિંતા હતી. સમાજને તોડવા નહિ જોડવા માંગતા હતાં. જીવનનો એકમાત્ર ધ્યેય દલિતોધ્ધાર દ્વારા જાતિમુક્ત દેશ હતો. ડૉ. આંબેડકર તેજસ્વીતા, વૈચારિક સ્પષ્ટતા અને પ્રામાણિકતાનું પ્રતિક એવાં ભારતનાં લોકોને નમનને યોગ્ય સમાજ સુધારક મહાપુરુષ હતાં.

The heart

The Heart Present Dr. Babasaheb Ambedkar Documentary

બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શત શત નમન. અને આપ સહૂને હાર્દિક શુભેચ્છાઓ સાથે અમે બાબાસાહેબ આંબેડકરના જીવનની કેટલીક મહત્વની બાબતો આપ સમક્ષ પહોચાડવા માંગીએ છીએ અને એટલે અમે આ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર કરી છે. જેમાં શબ્દ રચાના કરનાર ધંધુકાથી Twinkal Parmar છે. અને વોઈસ Maria Parmar આપ્યો છે. અને વીડિયો એડીટીંગ અને મ્યુઝિક Nelson Parmar એ આપ્યુ છે. તો આપને વિનંતી કે આ ફિલ્મ અવશ્ય જોજો અને આપના સગા વ્હાલા અને મિત્રો સાથે પણ શેર કરજો. જય ભીમ 

જોવા માટે અહીંયા કલીક કરો –

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *