દૈવીશક્તિ/અદ્રશ્યશક્તિ એ છેતરપિંડી છે ! [ભાગ-2]

RAMESH SAVNAI

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : માણસ ઈશ્વરમાં માનતો કેમ થઈ જાય છે? બાળપણથી જ આપણા અજ્ઞાત ચિત્તમાં ધાર્મિક કથાઓ દ્વારા અસત્યો/વહેમો/ઈશ્વર જેવી કલ્પનાઓ સ્થાપિત કરી દેવામાં આવે છે. પુખ્ત વયે આ માન્યતાઓ મનમાંથી દૂર કરવી મુશ્કેલ બને છે. કોઈ હોસ્પિટલમાં હિન્દુ અને મુસ્લિમ મહિલાએ એક સાથે બાળકને જન્મ આપ્યો હોય; પરંતુ નર્સની ભૂલને કારણે બાળક બદલાઈ જાય; તો જન્મથી હિન્દુ બાળક મસ્જિદમાં જશે અને જન્મથી મુસ્લિમ બાળક મંદિરે જતો થઈ જશે ! ઈશ્વરની કલ્પનાનો જન્મ થયો કેવી રીતે? મનુષ્ય પોતે જે છે તે કરતાં કંઈક થોડો વધારે બનવા ઈચ્છે છે. આ ઈચ્છા તેની શક્તિ છે. શક્તિશાળી મનમાં જન્મતી કલ્પના જ મનુષ્યને આગળ અને આગળ ધકેલે છે. હજારો વર્ષ પહેલાં એક શ્રેષ્ઠ મનુષ્યની કલ્પના કરી; તેને ‘ઈશ્વર’નું નામ આપવામાં આવ્યું. ઈશ્વરની કલ્પનાનો જન્મ ભયમાંથી થયો છે. મનુષ્ય જીવનની શરુઆતના વર્ષોમાં તેના રક્ષણ અને સલામતીનો પ્રશ્ન હતો. ભયભીત દશામાં તેણે જીવન ગુજારવું પડતું હતું. રક્ષણ માટે સમૂહ/ગામો બનવા લાગ્યા. સમાજ સંચાલન માટે નિયમો બન્યા. વ્યવસ્થા માટે શક્તિશાળી વ્યક્તિને રાજા બનાવ્યો. વિરાટ વિશ્વને જોતાં માનવીના મનમાં અનેક પ્રશ્નો ઊઠતા હતા. તેણે માન્યું કે નાનકડા સમાજના સંચાલન માટે ‘રાજવી’ છે તો વિશ્વના સંચાલન માટે કોઈ શક્તિશાળી તત્વ કામ કરી રહ્યું હશે; તેમાંથી ઈશ્વર/અલ્લાહ/ગોડની કલ્પના જન્મી ! જીવનની મૂંઝવણો સહન ન થતા માણસ ઈશ્વરના શરણે જાય છે. ઈશ્વરની માન્યતાથી માનવીનો અહમ્ સંતોષાય છે. ઈશ્વર પાસે આપણે પગાર વધારો/લગ્નયોગ/સંતાનપ્રાપ્તિ/પરિક્ષામાં સફળતા/વાહનયોગ/વિદેશ પ્રવાસ/ચૂંટણીમાં વિજય/કોર્ટકેસમાં વિજય/પ્રધાનમંડળમાં સ્થાન/માંદગીમાંથી છૂટકારો/એવોર્ડ પ્રાપ્તિ વગેરે માંગીએ છીએ. દુનિયામાં 7 અબજ વસતિ છે. માની લઈએ કે 1 અબજ લોકો ઈશ્વર સમક્ષ 10 માંગણીઓ મૂકતા હોય અને તેમાંથી ઈશ્વર 50% માંગણીઓ મંજૂર રાખે એમ સ્વીકારીએ તો શું આ શક્ય છે? ઈશ્વર તમામ માંગણીઓને બાજુ ઉપર મૂકીને આપણા ઉપર જ કૃપા કરે તે એક પ્રકારનો અહમ્ છે. ઈશ્વરને માનીએ તો તેનું સર્જન કરનાર કોઈ સર્જનહાર હોવો જોઈએ; કેમકે શૂન્યમાંથી કંઈ સર્જન થતું નથી. સર્જનહારનો પણ સર્જનહાર હોવો જોઈએ; આમ ઈશ્વરની/સર્જનહારની અંતહીન હારમાળા સ્વીકારવી પડે ! સર્જનહાર હોવો જોઈએ, એ સિધ્ધાંત ખુદ જ એ સિધ્ધાંતને ખોટો ઠરાવે છે.

આ પણ વાંચો : ‘ મેજિસ્ટ્રેટ અને જજ વિરુદ્ધ ફરીયાદ ક્યાં કરવી અને કેવાં સંજોગોમાં ‘

ઈશ્વર સર્વશક્તિમાન હોવા છતાં ભયંકર પાપ/ત્રાસ/દમન/ભૂખમરો/પૂર/વાવાઝોડાં/તોફાનો વગેરેનો ભોગ બનનાર માણસને ઈશ્વર જરા પણ મદદ કરતો નથી. આપણી આસપાસ ભયંકર પીડા/ગંદકી/અસમાનતા/અસ્પૃશ્યતા/તંગી/અવ્યવસ્થા/અન્યાય છે. પરમ કૃપાળુ ઈશ્વર આવી દુનિયા બનાવે? ઈશ્વર સર્વવ્યાપક હોય તો પવિત્ર સ્થળોએ ભ્રષ્ટાચાર/બળાત્કાર હોય? ઈશ્વર કરુણાસાગર હોય તો તેના દર્શને જતાં ભક્તો અકસ્માતમાં મૃત્યુ પામે? એક તરફ થોડા લોકો બંગલાઓમાં રહે છે; બીજી તરફ કરોડો લોકો ફૂટપાથ અને ઝૂપડપટ્ટીમાં રહે છે; રોજે કરોડો લોકો એક ટંક ભૂખ્યા રહે છે. શું ઈશ્વર આવી અસમાનતા સર્જતો હશે? જો ઈશ્વર અંતર્યામી હોય તો પ્રાર્થના કરવી પડે? ધર્મ/સંપ્રદાયો દૈવીશક્તિ/અદ્રશ્યશક્તિની વાત કરે છે; ચમત્કારોની વાત કરે છે. પરંતુ તે છેતરપિંડી છે. આજે માનવ સમાજે ઈન્ટરનેટ/મોબાઈલ/સેટેલાઈટ વગેરે ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે, તે માનવશ્રમ અને વિજ્ઞાનને આભારી છે; તેમાં ધર્મશાસ્ત્રોની શક્તિનું યોગદાન શૂન્ય છે ! તમામ ચમત્કાર IPC મુજબ છેતરપિંડી છે ! જન્મે તેલુગુ બ્રાહ્મણ ગોરા એટલે કે ગોપુ રામચંદ્ર રાવ ઈશ્વર/કર્મવાદ/પુનર્જન્મ વગેરે માન્યતાઓના સખત વિરોધી હતા. તેમના આ વિચારોના કારણે કોલેજમાંથી અધ્યાપકની નોકરી તેમણે ગુમાવી હતી. સગાવહાલાનો રોષ વહોરીને પોતાની પુત્રીને દલિત સાથે પરણાવી હતી. ગાંધીજી કહેતા હતા કે ‘ઈશ્વર સત્ય છે.’ પરંતુ ગોરાને મળ્યા પછી કહ્યું કે ‘સત્ય એ જ ઈશ્વર છે !’ રેશનલ વ્યક્તિ અચૂક નાસ્તિક હોય; પરંતુ નાસ્તિક રેશનલ ન પણ હોય. નાસ્તિકતા એ રેશનાલિઝમનું પ્રથમ પગથિયું કહી શકાય. રેશનાલિઝમ નાસ્તિકતાથી આંગળની અવસ્થા છે. નાસ્તિકમાં સદાચાર/નીતિ/દયા/કરુણા/સંવેદનાના ગુણો ન પણ હોય. ટૂંકમાં નાસ્તિકતા એ રેશનાલિઝમ નથી. રેશનાલિઝમમાં અનુભવવાદ-Empiricism ને મહત્વ નથી. અનુભવવાદના મતે સત્ય શોધવાનું એકમાત્ર શસ્ત્ર અનુભવ છે. જ્યારે રેશનાલિઝમના મતે કોઈ પણ સત્ય માત્ર અનુભવ પર આધારિત પૂર્ણ ન હોઈ શકે; કેમકે અનુભવ આત્મલક્ષી-Subjective હોય છે તેથી અપૂર્ણ કે ભૂલભરેલો હોઈ શકે. વિવેકબુદ્ધિ અને પ્રયોગથી જ પૂર્ણ સત્ય પામી શકાય.

પ્રત્યેક ધર્મકથાઓમાં ચમત્કાર જોવા મળે છે; ધર્મના પ્રચાર/પ્રસાર માટે એક યુક્તિ તરીકે ચમત્કાર જોડવામાં આવે છે. આપણે ધાર્મિક કર્મકાંડો પાછળ આપણા કિંમતી સંસાધનો/ધન/શ્રમને વેડફી નાખીએ છીએ. આપણે કરોડા ખર્ચે મંદિર/મસ્જિદ ઊભા કરીએ છીએ; પરંતુ યુનિવર્સિટી ઊભી કરવાનું આપણને સૂઝતું નથી ! ધર્મગુરુઓ/કથાકારો આપણા માનસમાં ઠસાવ્યા કરે છે કે ‘પૂર્વજન્મના કર્મોને કારણે તમે ગરીબ છો !’ વાસ્તવિકતા એ છે કે જમીન સુધારાના કાયદાનો અસરકારક અમલ કરવામાં આવે; જુદા જુદા વર્ગો વચ્ચે પ્રવર્તતી આવકની અસમાનતા દૂર કરવામાં આવે તો ગરીબીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. ગરીબી ઈશ્વર દૂર કરી શકે નહીં; આપણે જ દૂર કરી શકીએ ! CM ઢેબરભાઈએ ‘ખેડે તેની જમીન’ની નીતિનો અમલ કરાવી લાખો ખેડૂતોની ગરીબી દૂર કરી હતી. કોઈ કોર્પોરેટ કથાકાર ભૂમિ/જળ/આકાશમાં કથા કરીને આ કામ કરી શકે નહીં ! અયોધ્યામાં રામમંદિર નિર્માણથી લોકોની ગરીબી દૂર ન થાય; સત્તાપક્ષના માત્ર અમુક લોકોને જ ફાયદો થાય ! એક પણ ધર્મ આજના પ્રશ્નોને ઉકેલી શકે તેમ નથી. અંધશ્રદ્ધાના વિરોધમાં રેશનાલિઝમ પૂરું થઈ જતું નથી. અંધશ્રદ્ધાના પર્દાફાશમાં રેશનાલિઝમ અટકી જતું નથી. રેશનાલિઝમનો ધ્યેય શું છે? અંધશ્રદ્ધાનું પાલનપોષણ કરનારા ધાર્મિકગ્રંથો/રુઢિચુસ્તતા/પૂર્વગ્રહો/વહેમોનું નિદાન કરવાનો છે. વૈજ્ઞાનિક/રેશનલ મિજાજ કેળવવાનો છે; વૈચારિક સજ્જતા કેળવવાનો છે. જ્ઞાતિ/જાતિ/ધર્મના ભેદભાવ દૂર થાય અને સ્વતંત્રતા/સમાનતા/બંધુત્વની સ્થાપના થાય તે રેશનાલિઝમનો ધ્યેય છે. રેશનાલિઝમ ઈચ્છે કે સ્વર્ગ તો ધરતી ઉપર જ હોવું જોઈએ !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *