હાલની પરિસ્થિતિમાં ડિપ્રેશનમાં આવવુ સામન્ય છે. સ્વીકારીને યોગ્ય સારવાર કરો – નેલ્સન પરમાર

હાલની પરિસ્થિતિ દરરોજ કંઈક નવું શિખવે છે. હાલની પરિસ્થિતિમાં ગમે તેટલાં પોઝીટીવ રહેવાનો પ્રયત્ન કરીએ તોય નકારાત્મક આવી જાય છે અથવા તો ડિપ્રેશનનો અનુભવ થાય છે. મારી જ વાત કરું તો કાલે સાંજે સખ્ત થાક લાગ્યો હોવા છતાં ઉંધ આવતી જ ન્હોતી. એટલું જ નહીં જેવી આંખો બંધ કરું એવા કોરોના માટે નાસભાગ કરતાં દર્દીઓ, આજ દ્શ્યો નજર સામે આવતાં હતાં. કોઈ કાનમા દવાનું નામ લઈને બુમો પાડતું હોય એવું રીતસર લાગતું હતું. એટલું ઓછું હોય એમ એવું લાગ્યા કરતું કે મને શ્વાસ લેવામાં તકલીફ છે અને મારે ઓક્સિજન ની જરુર છે હકિકતમાં એવું કંઈ હતું નહીં પણ એવું જ લાગ્યા કરતાં. જો આપણે બિમાર પડ્યાં તો દવા કેમની થશે આ બધાં વચ્ચે એ વિચારો સતત ચાલું જ હતાં. એમ કહેવાય કે, મગજ કરતું બંધ થઈ ગયું હતું અને બસ આજ વિચારો આવ્યાં કરતાં, સાંજે બે વાગે ઈરછા થાય કે કોઈને ફોન કરું ને જાણ કરું. માંડ માંડ ચાર વાગે આ બંધમાંથી બહાર નિકળી ઊંઘ આવી હશે. સવારે પાછું એકદમ નોર્મલ થઈ ગયું. પણ રાત કાઢવી મુશ્કેલ હોય છે.

 

ડિપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે

પહેલુ તો આ બધું સ્વીકારવું જ પડે, ભલે તમે ગમે તેટલા મજબુત મનોબળ વાળ કેમ ન હોવ, અમારા એક ધર્મ ગુરુ સાથે વાત થઈ તેમનું પણ કહેવું એમ હતું કે જીવનમાં આટલી બધી દફનવિધિ ક્યારેય નથી કરાવી, દરરોજની બે ત્રણ દફનક્રિયા કરાવી સાંજે પછી એજ વિચારો આવ્યા કરે છે. હા આવું થવું શક્ય જ છે. પણ ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે, અને એક બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો. હા, હું ડિપ્રેશનથી પીડાઉ છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે. અંદરો અંદર રીબાવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડિપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી’ એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે!? માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ડિપ્રેશન અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને!?’ પછી શરૂ થઈ જાય તેના ડિપ્રેશનનું એનાલિસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ એના લાગતા-વળગતા બધા માટે પરિસ્થિતી વધુ વિકટ અને અસહ્ય બને.ડિપ્રેશનની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિક્તાઓ ગંભીર છે. ડિપ્રેશન અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. એટલે પહેલા તો સ્વીકારી લો કે તમને હતાશા જેવુ છે. અને તમારે મદદની જરૂર છે. મનોચિકિત્સક પાસે જવામાં કોઈ ડર રાખવાની જરૂર નથી. લોકો શું કહેશે એ વિચારવાનું બંધ કરો અને સારવાર ચાલું કરો. હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને,અથવા અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતાં હોય છે. પણ ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુ વૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુક્શાનકર્તા છે. ડિપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયક્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતા પૂર્વક સ્વીકારી લો.

Depression

ખાસ વાત કે, વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. મારે પણ કાલે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કોઈને ખબર હોવા છતાં આપણી તબિયત વિશે જાણવાની કે ખબર ન પુછવાની વાત એટલી હદ સુધી મને તકલીફ આપતી હતી કે, એ શબ્દોમાં નથી કહીં શકતો, મને એમ કહેતાં જરાય ખોટું નથી લાગતું કે એ બાબતે ન ચાહવા છતાં એકાદ કલાક રડવામાં આપ્યો. સાવ એવું નહતું કે હું સમજતો નથી પણ કેટલુંક હાથમા નથી હોતું. એટલે હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડિપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળ પૂર્વક વ્યવહાર કરો. ડિપ્રેશન તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે. આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ડિપ્રેશન સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમારી જાતને મદદ ચોક્કસ કરી શકો છો.. યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્વઢતા પૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ. તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે. એટલે આવા સમયે ગભરાવાની જરુર નથી પણ મનમાં છુપાવી ન રાખો, કોઈ સાથે વાત શેર કરો જે મદદ કરી શકે છે.

PS – આખો દિવસ હું જ લોકોને પોઝીટીવ રહેવાની શિખામણ આપતો હોવ છું પણ રાત્રે તો મારેય કોઈકની જરુર પડે છે.

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *