દૂરદર્શનનો કોરોના મંત્ર : ‘બધું બરાબર છે !’

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર :-  વડાપ્રધાન સામે મુખ્ય ફરિયાદ છે : [1] તેમણે કોવિડ ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા ન કરી. [2] નવા ઓક્સિજન પ્લાન્ટ લગાવવા નક્કર પગલાં ન લીધાં. [3] વેક્સિન નિર્માતા કંપનીઓને એડવાન્સ ફંડ ન આપ્યું. જેથી કંપનીઓએ પોતાની ક્ષમતા ન વધારી. [4] વેક્સિન કંપનીઓને, વેક્સિનનો એડવાન્સમાં પૂરતો ઓર્ડર ન આપ્યો. [5] એક વર્ષનો સમય હતો છતાં કોઈ પૂર્વતૈયારી ન કરી. [6] ચૂંટણી રેલીઓ અને કુંભમેળો રોકવા કોઈ હસ્તક્ષેપ ન કર્યો. [7] 20,000 કરોડના ખર્ચે તૈયાર થનાર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં જેટલી રુચિ છે; તેના દસમાં ભાગની રુચિ કોરાના સામેની લડાઈ માટે નથી ! [8] કોરોના મહામારીના સમયે ત્રણ કૃષિ કાનૂન લાવવાની જેટલી ધગશ દાખવી; તેના પાંચમાં ભાગની ધગશ હોસ્પિટલ/બેડ/વેન્ટિલેટર/ઓક્સિજન/દવાઓ/ઈન્જેકશન/ડોક્ટર્સ/પેરા મેડિકલ સ્ટાફ માટે દાખવી નહીં.

દેશની સ્થિતિ વિકટ બની છે. રોજે હજારો લોકો મોતની ઝપટે ચડે છે. હોસ્પિટલોથી લઈને સ્મશાનો સુધી અંધાધૂંધી છે. પરંતુ દૂરદર્શનનો કોરોના મંત્ર છે : ‘બધું બરાબર છે !’ દૂરદર્શનમાં ગુલાબી ચિત્ર રજૂ છે ! દૂરદર્શનના મતે દેશમાં બધું સામાન્ય છે ! દૂરદર્શન સૌથી વધુ જોવાતી દેશની ન્યૂઝ ચેનલ છે, જે દૂરદૂર ગામડાઓમાં પણ જોઈ શકાય છે. વડાપ્રધાન અને તેમની સરકારની વાહવાહી અને વિપક્ષની આલોચના કરવામાં દૂરદર્શન મશગૂલ છે. DD ન્યૂઝમાં, 24/25 અને 28 એપ્રિલ 2021 ના રોજ એક પણ વખત હોસ્પિટલમાં બેડ માટે અહીંથી ત્યાં ભટકતા નાગરિકોનો કે ઓક્સિજન/દવાઓની અછતનો ઉલ્લેખ પણ ન હતો ! એ વખતે દૂરદર્શન કહી રહ્યું હતું કે ‘વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ઓક્સિજનની સપ્લાઈ થઈ રહી છે અને રેમડેસિવિર દવા બનાવવામાં વૃધ્ધિ કરી છે !’ આશ્ચર્યની બાબત એ છે કે 2 મે 2021 ના રોજ દૂરદર્શન ઉપર એક ‘ટિકર’માં દર્શકોને જણાવ્યું હતું કે ‘ઈરાકના બગદાદ શહેરમાં કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા !’ પરંતુ 30 એપ્રિલ 2021 ના રોજ દિલ્હીની એક હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 25 દર્દીઓના મોત થયા તેનો ઉલ્લેખ પણ નહીં ! 2 મે 2021 ના સવારના ન્યૂઝ બુલેટિનમાં એન્કરે ગર્વ સાથે કહ્યું કે ‘વડાપ્રધાન યુધ્ધ સ્તરની કામગીરી કરી રહ્યા છે ! 551 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા PM કેયર્સ ફંડનો ઉપયોગ થશે ! વડાપ્રધાને આદેશ કર્યો છે કે આ પ્લાન્ટ તાત્કાલિક લગાડવાનાં આવે !’ કેન્દ્ર સરકાર કઈ રીતે ગરીબોને મફત રાશન આપી રહી છે તેની ખબર હતી. એન્કરે કહ્યું કે ‘મફત રાશન આપવાના પગલાની ગૃહમંત્રી/રક્ષામંત્રી/સત્તાપક્ષના પ્રમુખે ટ્વિટર ઉપર પ્રશંસા કરી છે !’ એટલું જ નહીં એન્કરે એ ત્રણેય ટ્વીટ્સ અક્ષરશ: વાંચ્યા પણ ખરા ! કઈ સ્તરની વાહવાહી !

3 મે 2021ના રોજ સવારે મહારાષ્ટ્રના ઠાણે ખાતે હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત થયા. લોકો, ઘાયલ દર્દીઓને ઉઠાવીને લઈ જતા હોય તેવો વીડિઓ DD ન્યૂઝમાં વારંવાર દેખાડ્યો. 4 મે 2021 ના રોજ, દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ સરકારને આડે હાથે લીધી; તે DD માટે મુખ્ય મુદ્દો બની. ‘ટિકર’માં લખ્યું કે ‘કોરોના લહેર : હાઈકોર્ટે દિલ્હી સરકારને ખખડાવી.’ પરંતુ એ જ દિવસે ઉત્તરપ્રદેશ સરકારને અલ્લાહબાદ હાઈકોર્ટે કહેલ કે ‘કોરોનાનું ભૂત ઉત્તરપ્રદેશના મુખ્ય શહેરોની સડકો અને ગલીઓમાં ફરી રહ્યું છે !’ આ બાબતે દૂરદર્શને આંખ આડા કાન કર્યા ! સરકારની/વડાપ્રધાનની ગુનાહિત બેદરકારી હોવા છતાં તેમની એકતરફી વાહવાહીમાં; વિપક્ષની દ્વેષપૂર્વકની ટીકાઓમાં આપણી પણ ભૂમિકા છે; કેમકે દૂરદર્શન આપણા ટેક્સના પૈસાથી ચાલે છે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *