સાક્ષી ઉપાધ્યાય : કોઈપણ વ્યક્તિ હોય તે હંમેશા એવી ઇચ્છા રાખતો હોય કે પોતાનો વંશ આગળ વધે. પછી ભલે ને તે ભણેલો હોય કે અભણ હોય. સાચી વાતને મિત્રો !
આજે આપણા દેશમાં સ્ત્રીભ્રૂણ હત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. આજે દીકરીઓને જયારે માતાના કોખમાં હોય ત્યારે જ તેની હત્યા કરી નાખવામાં આવે છે. જો દીકરો મહાન બને તો માતાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે, પણ દીકરી મહાન બને તો પિતાની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરે છે. જેના ઘરના આંગણે દીકરી જન્મે તેના આંગણે તીર્થો નિવાસ કરે છે. દીકરાને દાન નથી કરાતું, પણ દીકરીને તો મહાદાન એટલે કન્યાદાન કરાય છે. જેના ઘરના આંગણે દીકરી જન્મે તેનું આંગણું પાવન બની જાય છે. ધન્ય થઇ જાય છે. ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ આજે વિજ્ઞાન અને ટેકનોલોજી નો દુરુપયોગ કરી બેફામ કતલો કરે છે. દેશની અંદર આપણે જો “બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાન કરવા પડે તે આપણા દેશ માટે કલંક કહેવાય.
આપણો દેશ અત્યારે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ ભ્રુણ હત્યા કરવાના ક્ષેત્રમાં પણ તે ખુબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ચોર્યાસી લાખ ફેરા પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે એ વાત આપણને ખબર છે. યુગોના યુગો વીતી જાય. આનાથી આપણે કલ્પના કરી શકીએ છે કે ચોર્યાસી લાખ ફેરા પૂરા થાય ત્યારે માનવ અવતાર મળે અને આ અવતાર સ્ત્રી કે પુરુષ નહિ પરંતુ માનવ એટલે માનવ. તો જયારે ચોર્યાસી લાખ ફેરા પૂરા કરી માનવ તરીકે સ્ત્રીના રૂપમાં દીકરી જન્મે છે ત્યારે એની હત્યા કરવામાં આવે તો તે સમયે દીકરી ને પાછા ચોર્યાસી લાખ ફેરા ફરવા પડે. આ કેટલો મોટો અન્યાય થયો કહેવાય? માતાના ગર્ભમાં રહેલી દીકરી માને પોકાર કરે છે કે માં, તું પણ એક નારી છે અને હું પણ એક નારી છું. માં, હું તારી દીકરી બોલું છું. નિર્દય બનીને તું ડોક્ટર પાસે ના જતી તે ડોક્ટર મારી હત્યા કરી નાખશે. મમ્મી ! સાંભળો, “તમારી માતાએ તમને જન્મ આપ્યો તેથી તમને જગત જોવા મળ્યું, પરંતુ જો તમારી માતાએ તમને જન્મ ન આપ્યો હોત તો તમને જગત જોવા ન મળત. પણ મારે જગત નથી જોવું પરંતુ જન્મ લઈને કંઈક કરી બતાવવું છે.
“દેવોને વહાલી દીકરી, પિતાને વહાલી દીકરી, એ જ દીકરી નો મહિમા છે.!”
કહેવાયું છે કે,
“દીકરી માં છે માં અંબાનો વાસ,
રણચંડી બનીને કરશે એ પાપીઓનો નાશ,”
દીકરીની હત્યા કરવી પાપ નથી પરંતુ મહાપાપ છે. રાજા દશરથને જો ભગવાને એક દીકરી આપી હોત તો ભગવાન શ્રીરામ ને વનવાસ ન કરવો પડ્યો હોત. જો રાવણ ને એક દીકરી આપી હોત તો સીતામાતાનું અપહરણ ન થાત. શું તમને ખબર છે કે, દીકરી વિદાય વખતે કંકુના થાપા કેમ મારે છે? એ થાપા મારતી વખતે પોતાના મનને સમજાવતાં કહે છે કે પિતા ગમે તેટલા કરોડપતિ હોય, પરતું પોતાના પિતાની કરોડોની સંપત્તિમાં જેટલો ભાઈ હકદાર તેટલી હું પણ ભાગીદાર છું. મારો પણ કાનૂની અધિકાર છે. પરંતુ આ બધી સંપતિ મારે નથી જોઈતી. મારા ગયા પછી મારા ભાઈઓ અલગ થાય ત્યારે મારા ફેવરની જરૂર પડે તો અંગૂઠો નહિ પણ મારી દસ-દસ આંગળીનાં વેઢ આપતી જાઉં છું. તો આ છે દીકરીનું ચંચળ હૃદય અને તે હૃદય પાછળ રહેલી કરુણા. એટલે જેના ઘરે દીકરી હોય તેને મંદિરે પણ જવાની જરૂર પડતી નથી. જો દીકરીને ભણાવીશું તો તે કાલે મોટી થઇને કલ્પના ચાવલા, સુનીતા વિલિયમ્સ, કિરણ બેદી બનશે. હા, પણ પુરુષમાં મસ્ક્યુલર પાવર વધારે હોય છે. તેની મસલની શક્તિ વધારે હોય છે પરંતુ સ્ત્રીમાં રેસિસ્ટન્સની શક્તિ વધારે હોય છે. પુરુષ પથ્થર જેવા મોટા પહાડ ઉપાડી શકે છે. વૃક્ષો કાપીને ઊંચકી શકે છે. પરંતુ વધારે પીડા સહન કરી શકતા નથી. આત્યારના સમય માં પથ્થર જેવા પહાડો ઊંચકવા માટે ક્રેન, … , વગેરે જેવા વાહનો તથા સાધનો આવી ગયા છે. આ ઉપરાંત વૃક્ષો કાપવા માટે ઇલેક્ટ્રોનિક કટર જેવી સુવિધાઓ પણ છે. પરંતુ એક સ્ત્રી જે પીડા સહન કરી શકે તેવા યંત્રો કે સાધનો આપણું વિજ્ઞાન શોધી શક્યું નથી.
અત્યારે આજના યુગમાં દરેક દીકરી કહે છે કે, હું જયારે મારી આંખ ઝુકાવીને ચાલુ છું તો મારા ભાઈ અને મારા પિતા માથું ઊંચું રાખીને ચાલે છે. દીકરીને ક્યારેય પણ સાપનો ભારો કે પથ્થર ન ગણો. પરંતુ તે દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી નું કહેવું એવું છે કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે, કારણકે પપ્પા તો ફક્ત રમકડાં લાવે છે, પણ સાંજ તો મારાં પિતાને લાવે છે. દીકરી તો માતા પિતાનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું નથી અને સમય આવ્યે છોડયા વગર ચાલતું નથી. ઈશ્વરે દીકરીનું સર્જન કરીને માતા-પિતા પર ઉપકાર કર્યો છે. દીકરીનો માં-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભ થી લઈને અંત સુધી એક સરખો રહે છે. કદાચ એટલે જ તત્વ ચિંતકોએ દીકરીને આપણું હૈયું કહી છે…. કાળજાનો ટુકડો કહ્યો છે. અને એટલા માટે જ દીકરી જયારે સાસરે જાય છે, ત્યારે માં-બાપની આંખો માં આંસુ વહે છે….. નક્કી એવું માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.!!
માતા પોતાના દીકરાને નવ મહિના પોતાના ગર્ભમાં રાખે છે ત્યારે માતાની ખુશીનો પાર નથી હોતો પણ, જયારે એ દીકરો મોટો થાય ત્યારે એ માં-બાપને વહેંચે છે. ત્રણ મહિના તારે ઘરે અને ત્રણ મહિના મારા ઘરે. માતા સાત-સાત દીકરાઓને પોતાના પેટમાં રાખે પણ સાત દીકરાઓ પોતાની માતાને પોતાના ફ્લેટ માં રાખી શકતા નથી. દીકરાનો જરૂર મહિમા છે, તેમનો વિરોધ નથી કરતાં તેનો મહિમા ખુબ ગવાયો પણ તેને કંઈ દૂધપીતો નથી કર્યો. પરંતુ આ ભારત દેશે દીકરીઓને દૂધપીતી કરી છે.
અંતે હું ફક્ત એટલું જ કહીશ કે ઝેર ને હજમ કરવું હોય તો શંકર બનવું પડે, અને જો પીડા છુપાવીને હસતાં રહેવું હોય તો દીકરી બનવું પડે સાહેબ….! બધું જ પામીને છોડવા માટે અને બધું જ છોડીને પામવા માટે જે જન્મી છે તેનું નામ….. દીકરી!
પરંતુ આજના ટેકનોલોજી ના યુગમાં આ ઢીંગલી જેવી દીકરીને કચડી નાખવામાં આવે છે. તેની સાથે બળાત્કાર, છેડતી,……, વગેરે જેવી ઘટના બને છે. જેમાં તેનો વાંક ન હોવા છતાં પણ તેનો વાંક કાઢવામાં આવે છે.
“એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લાવે એ દીકરી !”
– Sakshi upadhyay
Student : TY B.com
Vanita Vishram Womens College of Commerce Surat