“ભ્રષ્ટાચારનો ભોરિંગ વકરી રહ્યો છે.” – રોયલ ખ્રિસ્તી

રોયલ ખ્રિસ્તી : સૌ પ્રથમ તો અલગ-અલગ ક્ષેત્રમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા તમામ જાબાંજ, પ્રામાણિક અને નીતિમત્તાથી સર્વિસ કરતા કર્મચારીઓને હાર્દિક અભિનંદન સાથે મારી સલામ. આજકાલ દેશ અને દુનિયામાં વસતા આપણે સૌ ફક્ત વાતોનાં વડાં જ કર્યા કરીએ છીએ કે આપણો સમાજ, આપણો દેશ વિકાસના ક્ષેત્રે કેટલો બધો બદલાઈને વધી રહ્યો છે. પણ આંતરીક ચિત્ર જુદું દેખાઈ રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, હિંસા, દયાવિહીનતા વ્યાપેલાં છે. અને માનવતા મરી પરવારી છે. પરંતુ આમ જોવા જઈએ તો આશાનાં કિરણો પણ જોવા મળે છે કે બધા જ લોકો આવી કક્ષાની મનોવૃત્તિ ધરાવનારા હોતા નથી. અમુક ખરાબ લોકોની ખોટી નીતિના કારણે જ બીજા સારા લોકોની કાબેલિયત પર અસર પડે છે. આપણને પણ સારા નરસા દરેક જણ સામે આંગળી ચીંધવાની ટેવ પડી ગઈ છે. પછી ભલેને ચાર આંગળી આપણી તરફ કેમ ના હોય..! આજે દેશનાં ઘણાં ક્ષેત્રો ભ્રષ્ટાચાર અને કામગીરી બાબતે બદનામ થયાં છે. જેથી અત્યારની પેઢી અમુક ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવતાં પણ ડરી રહી છે. જેમ કે રાજકારણ, પોલીસ, વકીલાત જેવાં ઘણાં ક્ષેત્રોમાં કામ કરવાથી યુવક-યુવતીઓ દૂર ભાગી રહ્યાં છે.

જાણ્યે અજાણ્યે આપણે જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતા હોઈએ તેમ લાગ્યા કરે છે. તેની પાછળ કારણભૂત છે આપણો ડર અને સ્વાર્થ. પરિવારની જવાબદારીઓનો, ખોટી ઝંઝટમાં ન પાડવાનો તથા આપણાં કામો જલદી પતાવવાનો સ્વાર્થ આપણને નડે છે. ભ્રષ્ટાચાર આચરનારાઓને પણ આજ ડર, સ્વાર્થ અને પૈસાની લાલચ પ્રોત્સાહિત કરે છે. આપણને સર્વને જો આપણાં ક્ષેત્રોમાં કોઈપણ પ્રકારની બીક, લાલચ કે ભારણ વિના નિષ્ઠા મપૂર્વક કામ કરવાની આઝાદી મળે તો ઘણું પરિવર્તન આવવાની શક્યતાઓ રહેલી છે. મોટાભાગનાં ક્ષેત્રોમાં તો નાના કર્મચારીઓને મજબૂરીના માર્યા નાછૂટકે વહેતા વહેણમાં તણાઇ જવું પડતું હોય છે. જો તેઓ તેવું ના કરે અને તાબે ના થાય તો ઊપલા અધિકારીઓ દ્વારા તેઓની પજવણી થતી હોય છે. તેઓ ઉપર કામનું ભારણ વધારી દેવામાં આવે છે, માસિક વેતન તથા ઓફિસ કામમાં વાંધાઓ કાઢવામાં આવે છે. અને છેલ્લે બદલી અથવા તો નોકરીમાંથી કાઢી મૂકવાની નોટિસ અથવા તો ધમકીઓ અપાતી રહેતી હોય છે. આખરે તેઓને પોતાના પરિવારની જવાબદારી, અને નોકરી છૂટી જવાની બીકમાં ભ્રષ્ટાચારીઓની લાઇનમાં સામેલ થવું પડતું હોય છે. આ ભ્રષ્ટાચારના ભોરિંગ ને હવે ડામવા વિના છૂટકો નથી.

આ પણ વાંચો – મગજ ગીરવે મુક્યું છે લાગે : બાબારામદેવ વિવાદમાં પતંજલિના એમડી બાલકૃષ્ણે કરી ટ્વીટ, ખ્રિસ્તી ધર્મ સાથે જોડ્યો

જો આપણા દેશના દરેક ક્ષેત્રનાં તંત્રો આવી જ રીતે ચાલતાં રહેશે તો ઘણા પરિવારોને તબાહ થતાં વાર નહીં લાગે. આપણી, સમાજની, ગામની, શહેરની તથા દેશની પ્રગતિ માટે જો નાનાંથી લઈને મોટાં ક્ષેત્રો તથા આપણે નહીં જાગીએ તો આપણો તથા આપણી આવનાર પેઢીનો વિનાશ ખૂબ જ નજદીક હશે. તેથી આપણે કોઈપણ પરિસ્થિતિના સુધારા માટે ડર, સ્વાર્થ, લાલચને બાજુએ મૂકી દઈને એક થઈને ભ્રષ્ટાચાર વિરુધ્ધ અવાજ ઉઠાવવો પડશે. તેની શરૂઆત આપણા પોતાનાથી કરવી પડશે.
કોઈપણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓએ તેમના હાથ નીચેના નાના કર્મચારીઓ ઉપર સત્તાનો ખોટો ઉપયોગ કે દબાણ ન કરવું જોઈએ. દરેક ક્ષેત્રને પોતાના કામની, જવાબદારીઓની આઝાદી હોવી જોઈએ. જેમ કે પોલીસ વિભાગને કોઈ મોટા વ્યવસાયકાર, વકીલ, નેતા કે સરકારની બીક, લાલચ કે દખલઅંદાજી ના હોવી જોઈએ. જેથી તેઓ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી શકે. તથા પોતાના પરિવારનું પણ મળતા વેતનમાં ભરણપોષણ કરી શકે. તથા પોલીસનું કામ પણ દેશની રક્ષાનું, ગુન્હા રોકવાનું તથા ગુનેગારને સજા અપાવવાનું હોય છે. જેથી બીજા કોઇ પણ ક્ષેત્રની લાલચ, ડર કે દખલઅંદાજી વગર પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ. તેવી જ રીતે ન્યાયાલય, સ્વાસ્થ્ય, સરકારી કાર્યાલયો જેવાં ક્ષેત્રોને પણ પોતાની રીતે કામ કરવાની આઝાદી હોવી જોઈએ. અને દરેક ક્ષેત્રના ઉપરી વડાએ પણ પોતે મક્કમ રહી બીજા ક્ષેત્રના ડર, દબાણ કે લાલચ વગર પોતાના ક્ષેત્રના કર્મીઓ પાસેથી નિષ્ઠાપૂર્વક કામ કરાવવાની આવડત હોવી જોઈએ. તથા પોતાના કાર્યક્ષેત્રમાં ભ્રષ્ટાચાર કરનાર કર્મચારી વિરુધ્ધ ત્વરિત કડક પગલાં પણ લેવા જોઈએ. જેથી ભ્રષ્ટાચાર થતો અટકાવી શકાય.
આ દુનિયામાં દરેક મનુષ્યને પોતાના પરિવાર સાથે આનંદ-ઉત્સાહથી જીવવાનો અધિકાર છે. જો મોટાં માથાં નાનાં માથાંઓનો કોળિયો ઝૂંટવી પોતાની તિજોરીઓ ભરતા રહેશે તો ગરીબી અને ભૂખમરો આ દુનિયામાંથી ક્યારેય પણ નાબૂદ નહીં થાય. જે રૂપિયા પાછળ જીવનભર ખોટી કે સારી રીતે દોડી ભેગા કર્યા હોય. અને તે જ રૂપિયો પોતાના તથા બીજાના કામમાં જ ના આવે અને તિજોરીઓમાં ધૂળ ખાય તેવા રૂપિયા અને જીવન શું કામનાં? સમજે તેને વંદન બાકી દુનિયા તો કાલે પણ ચાલતી હતી, આજે પણ ચાલી રહી છે. અને ભવિષ્યમાં પણ ચાલતી જ રહેવાની છે. પરંતુ આપણે માટે તથા અન્યોને માટે જીવવું કઠિન બનતું રહેશે. હાલની પરિસ્થિતિમાં તો ગરીબો વધારે ગરીબ બનતા જાય છે અને અમીરો વધારે અમીર બનતા જાય છે. આ બધું ક્યાં જઈને અટકશે?

ચાલો, ભ્રષ્ટાચારને અટકાવવાના યજ્ઞકાર્યમાં આપણે સૌ જોડાઈ જઈએ.

રોયલ ખ્રિસ્તી
મો. 9879440180

Leave a Reply

%d bloggers like this: