એક મહિલા કોન્સ્ટેબલ ઉપર સરકાર શામાટે બળજબરી કરે છે?

રમેશ સવાણી ( નિવૃત્ત આઇપીએસ અધિકારી ) :  ભગતસિંહના શહીદી દિને-23 માર્ચ 2022ના રોજ, ગુજરાત સરકારે લોકશાહીને કચડી નાંખવાનું શરમજનક કૃત્ય કરેલ છે. પોલીસના નાના કર્મચારીઓ માટે ‘ગ્રેડ પે’ની માંગણી કરવી, એ લોકશાહીમાં ગુનો બને ખરો? એક મહિલા કોન્સ્ટેબલ નિલમ મકવાણાને એરેસ્ટ કરી જેલમાં મોકલીને સરકાર પોતે શક્તિનું પ્રદર્શન કરી રહી છે ! સરકારે નિલમ મકવાણા ઉપર તમામ પ્રકારના માનસિક ત્રાસ આપવાની કોઈ કચાશ રાખી નથી !

માની લઈએ કે નિલમ મકવાણાએ સરકારી કર્મચારી તરીકે સરકારની વિરુદ્ધ અખબારો/સોશિયલ મીડિયામાં પોતાની રજૂઆત કરવામાં ઉતાવળ કરી નાખી હોય; તો તેમની સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી કરીને શિક્ષા કરવી જોઈએ; પરંતુ સરકારે ‘કીડીને કોશનો ડામ દેવાની નીતિ’ અખત્યાર કરી છે તે બિલકુલ ઉચિત કહી શકાય નહીં ! સરકારે તેમને અમદાવાદથી ભાવનગર બદલી કરી, પછી ગુનો દાખલ કર્યો અને સસ્પેન્ડ કરવાનું પગલું ભર્યું; એક નવી ભરતી થયેલ મહિલા કોન્સ્ટેબલ સામે આટલો રોષ કેમ?

સવાલ એ છે કે એક મહિલા કોન્સ્ટેબલ ઉપર સરકાર શામાટે બળજબરી કરે છે? પોલીસના નાના કર્મચારીઓ પગાર વધારાની માંગણી કરે તેથી ‘વાઈબ્રન્ટ ગુજરાત મોડેલ’ની કલઈ ઊતરી જશે, તેની ચિંતા સરકારને સતાવતી હશે? સરકારે પોલીસને ‘ગ્રેડ પે’/પગાર વધારો આપવા માટે કમિટી રચી હતી, તે કમિટીનો અહેવાલ સરકાર શામાટે જાહેર કરતી નથી? ‘ગ્રેડ પે’ના આંદોલનને પાંચ મહિના થયા છતાં સરકાર પોલીસનો પગાર વધારો કરવામાં શામાટે ઠાગાઠૈયા કરે છે? લોકોમાં એક પૂર્વગ્રહ છે કે પોલીસ લાંચ બહુ લે છે, એટલે એમનો પગાર વધારવાની જરુર નથી; પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસના થાણા અમલદારો અને ઉપરી અધિકારીઓ લાંચ લે છે. એક પોલીસ સ્ટેશનમાં 200 પોલીસ કર્મચારીઓ હોય ત્યાં થાણા અમલદારની આજુબાજુ રહેતા 15-20 કર્મચારીઓને લાંચની રકમ મળતી હોય છે, બાકીના 180 કર્મચારીઓ પગાર ઉપર જ નિર્ભર હોય છે. એક તરફ સરકાર અતિ ખર્ચાળ ભવ્ય મહોત્સવો યોજે છે, બીજી તરફ નાના પોલીસ કર્મચારીઓને 5 વરસ સુધી ફરજિયાત ફિક્સ પગાર ચૂકવાય છે ! ગુજરાતનો વિકાસ શાંતિ/સુરક્ષાને આભારી છે. તે માટે પોલીસના નાના કર્મચારીઓના પરિશ્રમનો ઈન્કાર થઈ શકે તેમ નથી. શું ગુજરાતના મુખ્યમંત્રી આ સમજતા નહીં હોય? વડાપ્રધાન/મુખ્યમંત્રી ક્યા મોઢે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ની વાત કરતા હશે? શું તેમને નિલમ મકવાણા ઉપર રાજ્યની બળજબરી દેખાતી નહીં હોય?rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *