મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો CM વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને પ્રતિક રૂપે પાંચ બાળકોને કીટ પણ આ અવસરે અર્પણ કરી હતી. આ બાળકો સાથે આવેલા તેમના પાલક વાલી સાથે પણ સંવેદના સભર સંવાદ કરી મુખ્યમંત્રીએ બાળકોના દિવંગત માતા પિતા વિશે પૃચ્છા કરી હતી. રાજ્યના 33 જિલ્લા મથકોએથી જે-તે જિલ્લાના નિરાધાર-અનાથ બાળકો વિડીયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીની વયના જે બાળકોના માતા-પિતાનું કોરોનાના સમયગાળામાં અવસાન થયું હોય તેવા બાળકોને આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય દર મહિને 4000ની સહાય રાજ્ય સરકાર આપશે. જે બાળકને 18 વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકને 21 વર્ષ સુધી આફટર કેર યોજનામાં આવરી લઇ મહિને 6 હજારની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો યુવક-યુવતિઓને 24 વર્ષ કે અભ્યાસના વર્ષ પૂર્ણ થાય તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિમાસ 6 હજાર રૂપિયા સહાય મળશે.

આ પણ વાંચો : મમતા બેનરજીને HCનો ઝટકો, 5 લાખનો દંડ ફટકાર્યો – નંદીગ્રામ ચૂંટણી કેસ

મુખ્યમંત્રી રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનું ગાંધીનગરથી લોન્ચિંગ કરાવતાં કહ્યું કે, નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળક ભાવિ નાગરિક છે અને એના ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર આ યોજનાથી નિરાધાર બાળકની પાલક બની છે. જયાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા હશે કે માતા પિતાનું અવસાન કોરોના દરમ્યાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આ સરકાર ગરીબ વંચિત પીડિત લોકોને ,સામાન્ય માનવીને કેન્દ્ર સ્થાને રાખીને બધી જ કલ્યાણ યોજનાઓ બનાવી તેનો અમલ કરી રહી છે અને કરતી રહેશે આવા નિરાધાર બનેલા 776 બાળકોના દિવંગત માતા-પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. મુખ્યમંત્રીએ યોજના જાહેર થયાના માત્ર એક જ મહિનામાં તેનો અમલ કરીને જિલ્લાઓમાંથી આવા નિરાધાર બાળકો શોધી તેની ખરાઈ સહિતની બધી પ્રક્રિયા પૂર્ણ કરી આ સહાય ચૂકવવા સુધીની ઝડપી કામગીરી માટે વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી આ ઈશ્વરીય કાર્ય તેમણે કર્યું છે તેને બિરદાવ્યું હતું. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ઇશ્વર પરમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, કમિશનર દિલીપ રાણા, નિયામક નાચીયા અને અધિકારીઓ આ વેળાએ ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે જિલ્લા મથકોએથી સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ અને લાભાર્થી બાળકો તેમજ વાલીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *