ચાંદ મુબારક ઈદ મુબારક – હિદાયત પરમાર (કુંભાસણ)

હિદાયત પરમાર (કુંભાસણ) – રેહમતુલ આલમીનના ફઝલો કરમથી ધન્યતા બક્ષનારા પવિત્ર રમઝાન માસની ઈબાદતો પૂર્ણ કર્યા પછી પરવરદિગાર પાસે દુઆ કરુ છું કે તમામના રોઝા-ઇબાદતોને કબૂલ કરે અને આપણ સહુંને વધુમાં વધું સત્કાર્યો કરવા તરફ દોરવાની પ્રેરણા મળતી રહે…આમીન…અકીદત અને એહતરામ સાથે રમજાનની ઈબાદતો પછી ઈદનો ચાંદ દેખાયો..ખુદાની ભેંટ.. પ્રસન્નતાની લહેર.. ખુશખબરીની મહેંક.. ખુશીઓનો ગુલદસ્તો.. મુસ્કુરાહટોની મૌસમ.. જશ્ન.. મોમીનને કંઈક જીતવાનો અહેસાસ અને સંતુષ્ટિ.. આ જ છે ઈદ.. પુરા આલમ,બિરાદરને ઈદ મુબારક.. અલ્લાહ પાક તમારો, મારો, આપણ સહુંનો હામી અને નાસીર થાય.. આમીન..

મોમીનો માટે “ઈદ” સૌથી મોટો અને મુબારક પર્વ છે.ખુશીનો અવસર છે.પરંતુ એમાં કોલાહલ, અફરાતફરી, ખોટા ખર્ચાઓ, વહેમો, અંધશ્રદ્ધાથી પર, દૂષણોથી અલિપ્ત, વિકૃતિઓથી પર, વંશ-રંગભેદના અનિષ્ટ – સાંસારિક – સામાજિક દુર્ગુણોથી મુક્ત, મનોરંજનની વળગણોથી દૂર, નકામી ઝાકઝમાળ અને વૈભવ વિલાસની ઝંઝટોથી સુરક્ષિત,ભાવનાત્મક અને આધ્યાત્મિક સંસ્કારોથી છલોછલ..જગતના સર્જનહાર અને પાલનહાર પ્રત્યેની સમર્પણ – ભાવનામાં રસતરબોળ… હમદર્દી-સહાનુભૂતિ, હેતપ્રેમ, દયા, કરુણા અને બંધુત્વભાવના જેવા માનવીય ગુણોમાં ઓતપ્રોત.. નૈતિક મૂલ્યોથી માલામાલ.. ફિક્રે આખિરત અને ઝિક્રે ઈલાહીથી સંપન્ન.. દૂરગામી, ચિરંજીવી અને અમલપ્રેરક અસરોથી સુસજ્જ.. મગફિરત અને ઈન્આમે ઈલાહીના વચનોની રોશનીથી ઝગમગિત અને ચકચકિત…..

મારી જેમ લગભગ બધા જ જીવનમાં બીજી વાર ઈદની નમાઝ ઘરે પઢીશું.આપણે આવી પરિસ્થિતિમાં તકેદારી રૂપે જેમ અગાઉ પવિત્ર રમઝાન માસ દરમિયાન તમામ ફર્ઝ ઘરેથી અદા કર્યા છે એ જ પ્રમાણે ઈદ પણ ઘરેથી જ પઢીશું અને મનાવીશું (4 રકાત ચાસ્ત ની અદા કરી લેવી ).જે ગામે કે સ્થળે જુમ્માની નમાઝ નથી થતી ત્યાં ઈદની નમાઝ વાઝીબ નથી.માટે ગામડે અને ઘરે જ રહીએ,સ્થળ ના છોડીએ. નમાઝ અદા કરવા શહેરમાં જવાનો પ્રયાસ ના કરીએ.ઈદના દિવસે આપણે ગળે મળતા હોઈએ છીએ અને હાથ મિલાવી મુબારકબાદી આપતા હોઈએ છીએ,એમાંથી પણ પરહેજ કરવું આ સમયે ખુબ જરૂરી છે. દરકાર,કાળજી અને ગંભીરતા પણ ખુબ જ જરૃરી છે.ઘરમાં તો ઈદની નમાઝ અદા કરવાની જ છે સાથે ગલી, મહોલ્લા, બજારોની રૌનક ના બનશો. સમયના તકાઝાને માન આપીશું. ગળે મળવાનું – હાથ મિલાવવાનું ટાળીશું .સોસીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે અને માસ્ક ફરજીયાત તો ખરો જ. આ બાબતે આપણા મૌલાનાઓ અને ઉલેમાઓએ સરસ સૂચનો તેમજ માર્ગદર્શન આપેલ જ છે.. દેશનો તમામે તમામ મુસ્લિમ બિરાદર કોરોનાની આ બીજી લહેરને હરાવવા સમર્થનની સાથે પ્રતિબદ્ધ છે.આશા રાખીએ કે આવનાર સમય સમગ્ર દેશ માટે સારા સમાચાર લઈને આવે. સર્વે ભારતવાસી ખુશ અને પ્રસન્ન રહે.

ખુશીના આ તહેવારમાં દુખની અનુભૂતિ થઈ રહી છે. દેશ કોરોના જેવી ગંભીર બીમારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે,બેડ,ઓક્સીજન,ઇન્જેક્શન વગર આંખો સમક્ષ કેટલાય સ્નેહીઓ અને સગા વહાલાંની વિદાય, કફોડી હાલત, પરપ્રાંતિય મજૂરોની લાચારી,કોરોનાના દર્દીઓ, આટલા મોટા પ્રમાણમાં મૃત્યું, પ્રજા હેરાન – પરેશાન, ધંધા-રોજગાર ઠપ્પ, આવકો બંધ.!!! કેવી રીતે ખુશ રહી શકાય !!? ખુશીની વાત એટલી જરૂર છે કે દર વર્ષે જે નવા કપડાં પહેરી ઈદ મનાવતા હતા,ખરીદી કરતા હતા એ બંધ રાખી એ ખર્ચ જરુરિયાતમંદ ગરીબોને મદદ રુપે પહોંચાડવામાં આવે,અલ્લાહ તાઅલાએ ઘણા મોમીન ભાઈઓ – સંસ્થાઓ – આગેવાનો થકી હજારો – લાખો પરિવારોને રાશન, ખાવાનું અને પૈસા પહોંચાડવાનું નેક કામ કરાવ્યું છે. કેટલાય નવજુવાનીયો દિવસ-રાત જોયા વગર બેડ, ઓક્સીજન, પ્લાઝ્મા, ઇન્જેક્શન, દવાઓ,સ્મશાનો અને કબ્રસ્તાનોમાં અવિરત સેવામાં લાગેલા છે..અલહમ્દુલિલ્લાહ.. અલ્લાહ કબુલ ફરમાવે ..

ગયા વર્ષના ચિત્રો નજર સમક્ષ હજી તાજા છે : મજૂરોના પગના તળિયા પર પડેલા છાલા, રોડ પર ચાલતા મજબૂર – લાચાર આ લોકો, એમની દુખી કરવાવાળી વ્યથાઓ – પીડાઓ આ બધું જોઈ વ્યથિત થઇ જવાય છે.ભૂખથી ટળવળતા બાળકો, મરી રહેલા લોકો.. આ બધું જોઈ જાણીને કેવી રીતે તહેવાર કે ખુશીઓ વહેંચી શકાય !!? સરસ રસ્તો એ છે કે આવા ગરીબ, મઝલૂમ, જરુરિયાતમંદ લોકોની મદદ કરી, ખાવા પીવાનું પુરુ પાડી ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવે. ખુદાની ઈબાદત કરીએ તો ખુદા જોડે કંઈ ને કંઈ અપેક્ષાઓ રાખતા જ હોઈએ છીએ.. તો પવિત્ર રમઝાનના રોઝા, નમાજ, ઇબાદતોને કબુલ કરી એના બદલામાં દેશના તમામ નાગરિકો,ગરીબ શ્રમિકોની તકલીફો દૂર કરવા, દેશની સાથે સમગ્ર દુનિયામાંથી કોરોનાને ખતમ કરવા તેમજ દેશમાં અમન,ચૈન,ભાઈચારો ને એકતા કાયમ રહે.. દેશ દો ગુની ચાર તરક્કી કરે એટલી અમારી દુઆઓ કબૂલ ફરમાવજો…આમીન..

આ પવિત્ર રમઝાન મહિના દરમિયાન પરિવારને કેમનો ભૂલાય !? પરિવારના સભ્યો કે જેમણે સવારે વહેલા ૩ વાગે ઉઠી સેહરી કરાવી,સાંજે સમયસર ઈફ્તારી,રાત્રિ ભોજન આ બધું ચીવટ પૂર્વક કાળજી રાખી…એમનો આભાર અને ઉપકારનો બદલો ચૂકવવો અશક્ય અને અસંભવ છે.આવા ધખધખતા તાપમાં આખો મહિનો અમને સહન કરવાની તાકાત,મનોબળ મજબૂત રાખનાર રબ્બુલ આલમીનનો લાખ લાખ શુક્રગુજાર છું. ઇદુલ ફિત્રની ખુશીઓની સાથે એનું મહત્વ પણ સમજવું ખુબ જરૂરી છે. ઈદનો પવિત્ર તહેવાર એ પ્રેમ, સમાનતા, મેળમિલાપનો અવસર છે. ઈસ્લામ માત્ર ઈબાદત એકલી દ્વારા નહી પરંતુ દરેક મુસલમાનની વર્તણૂક અને વહેવાર દ્વારા પ્રગટવો જોઈએ. ભાઈચારો,પ્રેમ,સમાનતા અને એકતાના આત્મપોષક અમલ આચરણનો દિવસ, વિખૂટા પડેલા-અબોલ રાખતા માનવોના મેળ – મિલાપનો અવસર,ગરીબો-યતીમો-મઝલૂમો-પરેશાનીઓથી ઘેરાયેલા જરુરતમંદોને સહાયક થવાનો દિવસ એટલે ‘ઈદ’. ઈસ્લામ ફક્ત નમાજ,રોજા,હજમાં પર્યાપ્ત નથી થઈ જતો.ઈસ્લામ વર્તણૂક, ચારિત્ર્ય,અખલાક (સદવર્તન), લેવડદેવડ અને વહેવારમાં પણ પ્રગટવો જોઈએ. ઇસ્લામના આખરી નબી મોહમ્મદ મુસ્તુફા (સ. અ. વ) નો પ્યારો ઈસ્લામ જે શાંતિ અને સહિષ્ણુતા – સહનશીલતાના પાઠ શીખવે છે અને તકલીફો-મુસીબતો વખતે સબર(ધીરજ) કરવી એ એનું ઓળખપત્ર છે. રમજાનનો આશીર્વાદિત મહિનો આપણને ફરીથી પ્રેમ, સહાનુભૂતિ અને નમ્રતાના પાઠ સાથે છોડી રહ્યો છે ત્યારે કૃપા કરીને અલ્લાહના સંદેશને અનુસરીને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના લોકો પ્રત્યે દયાળુ બનીએ.એવા લોકો માટે અતિશય પ્રેમાળ રહો જેમને પ્રેમ,લાગણી અને હુંફની ખુબ તડપ છે. આપણા કારણે કોઈને પણ ક્યાંય તકલીફ કે સમસ્યા ઊભી ન થાય એની ખાસ તકેદારી રાખીએ..

ઈદ હોય કે દિવાળી,જયારે માહોલ સારો ના હોય અને દિલમાં ખુશી ના હોય તો તહેવાર મનાવવાની મજા ફિક્કી પડી જાય છે.તો પણ મોકો છે અને દસ્તૂર પણ,તો મુબારકબાદ આપવી તો બને છે..

અલ્લાહ કહને સુનને સે જ્યાદા અમલ કરને કી તૌફીક અતા ફરમાવે.. આમીન… દુઆઓમે યાદ રખના.. 🙏💐

– હિદાયત પરમાર (કુંભાસણ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *