“વાઈબ્રન્ટ ગુજરાતનાં સળગતાં પ્રશ્નો : મોંઘવારી, બેરોજગારી, જ્ઞાતિવાદ, મહામારી સામે અજાગૃતિ”

ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત : કવિ અરદેશર ખબરદારની પ્રખ્યાત કવિતા ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ ગુજરાતીઓને ગુજરાતી હોવાનો ગર્વ અપાવે છે. આખીય દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનો ડંકો અલગ જ પ્રકારનો છે. આ એ જ ગુજરાત છે કે જેણે વિશ્વનાં ખ્યાતનામ દેશો – ભારત અને પાકિસ્તાનને બે દિગ્ગજ નેતા – રાષ્ટ્રપિતા આપ્યા. ભારતને મહાત્મા ગાંધીજી તથા પાકિસ્તાનને મોહમ્મદ અલી ઝીણા. વાત જયારે લોકપ્રિય નેતાની થતી હોય ત્યારે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેવી રીતે ભૂલી શકાય? ચાની કીટલી એ કામ કરતાં યુવાનને વડાપ્રધાન પદ સુધી લાવનાર ગુજરાત જ છે. વિશ્વને નાનું ગામડું બનાવવામાં ગુજરાતી વેપારીઓનો સિંહફાળો રહ્યો છે. વિશ્વમાં ‘વેપારી’, ‘ઉદ્યોગ સાહસિક’ની છબી આજે પણ ગુજરાતીઓએ જાળવી રાખી છે, તેમ છતાં વર્તમાન સામાજિક પરિસ્થિતિને જોતાં વાઈબ્રન્ટ ગુજરાતીઓએ હજી વધુ સાહસિક બનવાની જરૂર જણાઈ રહી છે. વધતાં જતાં સામાજિક પ્રશ્નો – મોંઘવારી, બેરોજગારી, જ્ઞાતિવાદ, કોરોના મહામારી સામે લોકોની અસભાનતા, નિષ્કાળજી, અજાગૃતિ વિગેરે સમસ્યાઓ નવી જ સામાજિક સમસ્યાઓને જન્મ આપી રહી છે. જેમાં મુખ્યત્વે સામાજિક સંબંધોમાં સંઘર્ષ-ઝઘડા, છુટાછેડા, ગરીબી, કુપોષણ, આપધાત, ચોરી, લુંટ-ફાટ, ભ્રષ્ટાચાર, માનસિક તંગદીલી, હતાશા-નિરાશા, વગેરે. આજે જયારે આપણું ગુજરાત સમગ્ર વિશ્વમાં ‘ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન’ તરીકે મોડલ બનતું હોય, ત્યારે આવાં સામાજિક પ્રશ્નોને અવગણવા યોગ્ય નથી જ.

Moghvari

સૌને દઝાડતી મુખ્ય સમસ્યા હોય તો તે છે મોંઘવારી. મોંઘવારીએ તો જાણે માઝા મૂકી છે. જેટલી ગતિથી કોઈ કાંકરો ફેંકો એટલી ગતિથી જાણે મોંઘવારી વધી રહી છે. ગુજરાતમાં રાંધણ ગેસ, તેલ, અનાજ, કઠોળ, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ, દૂધ કે અન્ય જીવન જરૂરીયાતોની ચીજવસ્તુઓનો વધતો જતો ભાવવધારો સામાન્ય જનતા પર જુલમ ગુજારી રહ્યો છે. એટલું ઓછું હતું ત્યાં તો શાળા-કોલેજ-ટ્યુશનમાં ફી વધારો, બસ-રિક્ષા-રેલ્વેનાં ભાડાંમાં વધારો, દવાનાં ભાવમાં વધારો, ઈન્ટરનેટ-ટોકટાઈમ રીચાર્જની કિંમતમાં વધારો વગેરેને લીધે ગરીબ તથા મધ્યમવર્ગની સ્થિતિ વધુને વધુ કપરી બની રહી છે. જેની સીધી અસર દેશનાં અર્થતંત્ર પર પડી રહી છે. વાઈબ્રન્ટ મોંધવારીને લીધે વચેટીયાઓ-સંગ્રહખોરો, કાળાંબજાર, ભ્રષ્ટાચારમાં ઉત્તરોત્તર વધારો થાય છે. મોંઘવારીભથ્થું વધતું હોવા છતાં મોંઘવારી નિવારી શકવામાં ગુજરાત નિષ્ફળ જતું જણાય છે.

મોડેલ ગુજરાતમાં દિનપ્રતિદિન બેરોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે, જે ખુબ જ ગંભીર સમસ્યા છે. જીએસટી, નોટબંધી, સરકારી પરીક્ષાઓમાં થતાં ગોટાળા, લાંચરુશ્વત, વધતી જતી વસ્તી વૃદ્ધિ, ઉદ્યોગોમાં મશીનરીનો ઉપયોગ વગેરેને લીધે ડીગ્રીધારી, ટેલેન્ટેડ યુવાનો બેરોજગારીનો ભોગ બને છે. હવે તો લઘુ અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. મોટા ઉદ્યોગો મશીન કે આધુનિક ટેકનોલોજીથી ચાલે છે. જેનાં લીધે ગુજરાતમાં જ લાખો લોકો બેકાર બની પીડાય છે. આર્થિક મંદી, બેકારીને લીધે કેટલાય લોકો આપઘાત કરવા લાગ્યા છે. બેરોજગારીને પરિણામે વ્યક્તિનાં અંગત જીવન, કૌટુંબિક જીવન પર વિપરિત અસરો પડે છે. ચિંતા, હતાશા, એકલતા, વ્યસનમાં વધારો, ભાવિ અસલામતી, દેવું, શોષણ, જીવનસાથી પસંદગીમાં અડચણ, લગ્ન માટે કજોડાંનો ભોગ બનવું વગેરે જેવી નવી-નવી સમસ્યાઓ સમાજમાં ઉભી થાય છે. બેરોજગારી નિવારવા માટે લાંબાગાળાનું આયોજન ઘડી લાયકાત ધરાવતા યુવાનોનાં ઓનલાઈન ઈન્ટરવ્યુ લઇ ઓનલાઈન વર્ક (વર્ક ફ્રોમ હોમ) આપી, તાત્કાલિક નોકરી આપી બેરોજગારી નિવારી શકાય. સ્વરોજગાર ઉભું કરવા લોન-સબસીડી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તેની પ્રોસેસ ખુબ જ સરળ અને ઝડપી હોવી જોઈએ, જેથી સરકારી કર્મચારીઓને લાભો આપવામાં સરળતા રહે તથા લાભાર્થીઓ માટે પણ સરળ બની રહે. રોજગાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા કડકપણે વિકાસ તથા કલ્યાણકાર્યો કરવા જરુરી છે.

એનાં પછીની ત્રીજી મુખ્ય સામાજિક સમસ્યા હોય તો તે છે, ‘જ્ઞાતિવાદ’. પહેલાં વર્ણો પછી જ્ઞાતિઓ, હાલ અનેક પેટાજ્ઞાતિઓ એમ કેટલાંય વિભાગોમાં આજે ભારતીય સમાજ વહેચાઈ ગયો છે. સમાજનું કોઈ ક્ષેત્ર બાકાત નથી જ્યાં જ્ઞાતિવાદ ન હોય. આર્થિક, રાજકીય, ધાર્મિક, લગ્ન ક્ષેત્રે એમ બધાં જ ક્ષેત્રોમાં જ્ઞાતિવાદે પોતાનો એક્કો જમાવી રાખ્યો છે. જે સમાજ માટે ખતરારૂપ છે. જેનાં પરિણામે ઓનર કિલિંગ, પેઢીગાળો, મનભેદ-મતભેદ, પોતાની જ જ્ઞાતિ ઊંચી માનસિકતામાં વધારો જેવી ગંભીર સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. જે ભારત જેવાં બિનસાંપ્રદાયિક દેશ માટે ઝેર સમાન છે. ગુજરાત પણ કોમવાદ-જ્ઞાતિવાદથી બાકાત નથી. ઈલેક્શનમાં જ જોઈએ તો પોતાની જ જ્ઞાતિનો નેતા જીતે એ માનસિકતા સમાજને બરબાદ કરવા તરફ લઇ જાય છે.

હજી સમસ્યાઓમાં ઘટાડો નોંધાતો નથી ત્યાં તો ‘નોવેલ કોરોના વાયરસ’ (કોવિડ-૧૯)નાં રૂપમાં નવી સમસ્યા ચો-કોર પ્રસરી ચુકી. ગુજરાતમાં લોકડાઉન બાદ જે રીતે કોરોના વાયરસનો ઉત્તરોત્તર ફેલાવો થઈ રહ્યો છે તે ગુજરાતી નાગરીકોની કોરોના મહામારી તેમજ આરોગ્ય પ્રત્યેની અસભાનતા, અજાગૃતિ જ દર્શાવે છે. સોશિયલ મીડિયામાં કોરોના મહામારીથી બચવા માટે, જાગૃતિ ફેલાવા માટે વારંવાર કહેવામાં આવતું હોવા છતાં કોરોના પોઝીટીવનાં આંકડા વધી રહ્યા છે. કોરોનાનાં લીધે લોકોમાં શરૂઆતમાં ઉભો થયેલો ડર, હતાશા-નિરાશા ધીમે ધીમે ગુમ થવા લાગ્યો છે, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. ગુજરાતની મોટાભાગની પ્રજા દૈનિક જીવનમાં અચાનક આવેલા આ બદલાવને સ્વીકારતો થયો છે. લોકો સમાજનાં સામાજિક હિત માટે કોરોના વાયરસથી બચવા સામાજિક અંતર જાળવી રાખવા સક્ષમ બન્યા છે. તેની માનસિક, આર્થિક તકલીફો અંગે ચિંતા કરતા સામાજિક અંતર વધારતા હવે તે પારિવારિક પ્રાણી બની ગયો છે.

જેમ-જેમ સામાજિક અંતર વધતું જાય છે, તેમ-તેમ માનવી સામાજિક પ્રાણી મટી, પારિવારિક પ્રાણી બનવા તરફ જઈ રહ્યો છે.

વિશ્વભરમાં ભારતને પ્રમોટ કરતું વાઈબ્રન્ટ ગુજરાત એ એક ‘ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન’ છે, મોડેલ છે. મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર વિગેરેને જોઇને ગુજરાત વાઇબ્રન્ટ અચૂકપણે દેખાઈ રહ્યું છે પરંતુ એ જ મુખ્ય શહેરો, ગ્રામીણ વિસ્તારો, આદિવાસી વિસ્તારો નિહાળતા ખ્યાલ આવશે કે પરિસ્થતિ તદ્દન વિપરીત છે. જે સ્વતંત્ર ગુજરાત આપણને પ્રાપ્ત થયું છે તેને વધુ ને વધુ વિકસિત કરવાનું કામ આપણા સૌનું છે. ઇન્દુલાલ યાજ્ઞિક, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબેન મહેતા, બુદ્ધિબેન ધ્રુવ, રવિશંકર મહારાજ જેવાં આંદોલનકારીઓએ સોપેલાં ગુજરાતને કેવી રીતે વાઈબ્રન્ટ બનાવીને રચી રહ્યા છીએ? ગુજરાત સ્થાપનાનાં આટલાં વર્ષો પછી પણ વધતી જતી એક ની એક સમસ્યાઓ, ‘બળતાંમાં ઘી હોમે’ એવી રોજે રોજ નવી જન્મતી સમસ્યાઓ વિચારતા કરી મુકે છે..

~ ડૉ.ભાગ્યશ્રી જે. રાજપુત. ( ૨૦ જુલાઈ ૨૦૨૦ ) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *