’દિવ્યભાસ્કર’ જેને ‘રીઢો ગુનેગાર’ કહે છે; તે સ્ટેન સ્વામી માટે બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું?

– રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર : આદિવાસી   એક્ટિવિસ્ટ ફાધર સ્ટેન સ્વામીનું જ્યુડિશ્યલ કસ્ટડી દરમિયાન હોસ્પિટલમાં 5 જુલાઈ 2021ના રોજ અવસાન થયું. તેમની ઉંમર 84 વર્ષની હતી. 14 જુલાઈ 2021ના રોજ દિવ્યભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં કોલમિસ્ટ વિક્રમ વકીલે; તેમને ‘રીઢો ગુનેગાર’ કહીને નફરતી ઝેર ઓક્યું હતું ! અખબાર અને લેખકની મનોવૃતિ અંગે 14 જુલાઈ 201ના રોજ મેં ફેસબૂક પોસ્ટ લખી હતી : ‘દિવ્યભાસ્કરે બદનક્ષી કરી છે !’

‘દિવ્યભાસ્કર’ જેને ‘રીઢો ગુનેગાર’ કહે છે; તે સ્ટેન સ્વામી માટે બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું? ‘દિવ્યભસ્કર’ અને વિક્રમ વકીલને શરમજનક હાલતમાં મૂકે તેવી ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટે 19 જુલાઈ 2021ના રોજ કરી છે. જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એન. જે. જામદારની બેન્ચે કહ્યું કે “સ્ટેન સ્વામી શાનદાર વ્યક્તિ હતા; તેમણે સમાજ માટે કામ કર્યું; કોર્ટને તેમના કાર્ય માટે બહુ જ સન્માન છે !”

સ્ટેન સ્વામી; હાંસિયામાં ધકેલાયેલા વંચિતો/ગરીબો/દલિતોના અધિકારો માટે કાનૂની અને અહિંસક લડત ચલાવનાર ક્રુઝેડર હતા. જાન્યુઆરી 2021માં માનવ અધિકાર ક્ષેત્રમાં પ્રદાન બદલ તેમનું ‘મુકુંદન સી. મેનન પુરસ્કાર’થી સન્માન કરવામાં આવ્યું હતું. સવાલ એ છે કે સ્ટેન સ્વામી સામે એક પણ કેસ સાબિત થયો ન હતો છતાં દિવ્યભસ્કરે/વિક્રમ વકીલે; સ્ટેન સ્વામીને ક્યા આધારે ‘રીઢા ગુનેગાર’નો ચૂકાદો આપ્યો હશે? મૃત્યુ બાદ પોતાની સ્પષ્ટતા ન કરી શકે; તેથી મનમાં આવે તેવા નફરતી ઝેરની ઉલટી અખબારોની કોલમમાં ઠાલવવાની? જે અખબાર રોજે ‘પોઝિટિવ ન્યૂઝ’નો દાવો કરે છે; એ અખબાર બેહદ માનસિક ગંદકી ફેલાવે? સત્તાને ખુશ કરવા તમામ મર્યાદા ઓળંગી જવાની? ઉઘાડે છોગ વિવેકહીનતાનું પ્રદર્શન કરવાનું?

– રમેશ સવાણી, ભુતપૂર્વ IPS ઓફીસર

Leave a Reply

%d bloggers like this: