બાઈબલની વાતો :- “ભલો ભરવાડ” વાયા “ભલો શમરુની”

ફા. નિલેશ વાય મેકવાન એસ.જે. – નાનપણથી જ બાઇબલમાં ઇસુ દ્વારા કહેવાયેલી એક દ્રષ્ટાંતકથા આપણે સાંભળતા આવ્યા છીએ અને તેની દરેકે દરેક બાબતથી માહિતગાર છીએ, અને તે છે “ભલો શમરુની”.  આ દ્રષ્ટાંતકથા મુજબ એક યાત્રી પોતાની મુસાફરીએ નીકળે છે અને માર્ગમાં લૂંટારૂઓ સાથે ભેટો થાય છે. લૂંટારૂઓ તેને માર મારી, અધમૂઓ કરી, તેની વસ્તુઓ છીનવી ભાગી જાય છે. હવે માર્ગમાં ઘવાયેલો વ્યક્તિ મદદ માટે બૂમો પાડી રહ્યો છે. મંદિરનું કામ કરતા પુરોહિત અને પુરોહિતસહાયક વારાફરતી ત્યાથી પસાર થાય છે પણ તેને નિસહાય મૂકી તેની બાજુમાંથી નીકળી જાય છે. આવી અસહાયક પરિસ્થિતિમાં ત્યાંથી એક શમરુની મુસાફરી કરતો પસાર થાય છે. પેલા માણસને જોઇને તેના દીલમા દયા પ્રગટે છે.

આમ જોઈએ તો શમરુનીઓ એટલે યહૂદી પ્રજા દ્વારા આભડછેટના લિસ્ટમાં મુકાયેલ વ્યક્તિનુ જુથ. નાતજાતનાં ભેદભાવમાં ઘવાયેલો શમરુની પેલા લુટારુઓથી ઘવાયેલા મનુષ્યની સારવાર કરે છે. આ ઉપરાંત તેને વધારાની તબીબી સેવા અર્થે સ્વખર્ચે દવાખાનામાં મૂકે  છે. બે હજાર વર્ષ પછી પણ જ્યારે કોઈ વ્યક્તિને આપણે આ રીતે સેવા કરતા જોઈએ ત્યારે અચૂક એક સંબોધન આપણા મુખેથી સરી જાય છે “ભલો શમરુની”.

ઇસુએ કહેલી આ દ્રષ્ટાંતકથા આજે પણ એટલી જ અર્થસભર છે. જે રીતે ઇસુની કથાનો યાત્રી યરૂશાલેમથી યરીખો જતો હતો, તે જ રીતે આપણે સર્વે પણ આ પ્રુથ્વી ઉપર એક યાત્રી તરીકે યાત્રા કરી ઈશ્વર તરફ આગળ ધપી રહ્યા છે.  માર્ગમાં જે રીતે મુસાફર લુટારૂઓના હાથમાં ફસાય છે, તેઓ તેને માર મારી, કપડા ઉતારી, અધમુઓ કરીને ચાલતા થાય છે તેવી જ રીતે આર્થીક, સામાજીક, ધાર્મીક, અને શારીરીક જેવા વિવિધ પ્રશ્નોમા આપણે પણ ફસાઇએ છીએ. આ પ્રશ્નો આપણામાંથી ઘણાની તંદુરસ્તી લૂંટી, આર્થીક રીતે મોંઘવારીનો માર મારી, અધમુઆ કરીને ચાલતા થાય છે. આજની કોવિડ ૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમા લઇએ તો માલુમ પડે છે કે આ બિમારીએ આખા વિશ્વને તેના ભરડામા લીધુ છે. આ બિમારીના મારથી આખુ વિશ્વ અધમુઆ થઇને પડેલ છે. પણ અંતે ઇસુએ કહ્યુ છે તેમ આપણી આ નીસહાય પરિસ્થિતિમાં મદદ કરનાર “ભલો શમરુની” નો પ્રવેશ થવો  જ જોઇએ,  અને તે થાય જ છે.

(૧) કોવિડ – ૧૯ ના દર્દીઓ અને તેમના સંબંધીઓના કંટાળાજનક અને થાકેલા ચહેરાઓ પર સ્મિત ફરી વળતુ હોય છે જ્યારે દરરોજ સવારે એક યુવક ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં વાહન હંકારીને આવે છે.
આ યુવક તેના સ્કૂટર પર ઠંડી કરેલ પાણીની સેંકડો બોટલો વહન કરી અહી આવે છે અને લોકોને તે બોટલો વહેંચવાનું શરૂ કરે છે. લોકો તડકામાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા કલાકો સુધી નિરાશાજનક રીતે રાહ જોતા હોય છે. આ પાણીની બોટલો અસહ્ય ગરમીથી જરૂરી રાહત પૂરી પાડે છે. આ યુવકનુ નામ છે સેવાંગિયા.

જંગલેશ્વર વિસ્તારના રહેવાસી સેવાંગિયા વિદેશી પ્રવાસથી ૧૯ માર્ચ, ૨૦૨૦  ના રોજ પરત ફર્યા. આ વિદેશી પ્રવાસ દરમ્યાન તેઓ ઉપર કોરોના વાયરસ માટેનુ પરીક્ષણ કરાયુ જે પોસીટીવ આવ્યુ. આ બાદ તેમને પખવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. સારવાર થયા પછી તે સ્વસ્થ થઈ ગયા.

“કોવિડની આ બીજી તરંગ ખરેખર ખુબ જ ક્રૂર રહી છે. લોકો પીડાદાયક રીતે લાંબી કતારોમાં રાહ જોતા હોય છે. પાણી આ અસહ્ય ગરમીમાં મૂળભૂત આવશ્યકતા છે. હું દરરોજ ૬૦૦ થી ૭૦૦ જેટલી પાણીની બોટલનું વિતરણ કરું છું. ” કોઠારીયાનગરમાં સીવણ મશીન બનાવવાની ફેક્ટરી ધરાવતા સેવાંગીયાએ આ જણાવ્યું હતું.

સેવાંગીયાએ હવે રાત્રે ચાનું વિતરણ શરૂ કરવાની યોજના બનાવી છે. “વહીવટીતંત્ર હવે પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યું છે. પરંતુ મને એક વિનંતી મળી કે દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે રાત્રે ચાની સુવિધા મળતી નથી.  હું જલ્દીથી રાત્રે અહી મેદાન પર આશ્રય લેનારા બધા લોકોને માટે ચાની સુવિધા શરૂ કરીશ કે જેમના નજીકના અને પ્રિયજનો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ”તેમણે ઉમેર્યું. રાત્રે ૮ વાગ્યા પછી રાતના કર્ફ્યુના કારણે ચાના સ્ટોલ્સ બંધ થઈ જાય છે અને તેથી કરી સેવાંગીયાએ હવે લોકો માટે તેમના ઘરે ચા બનાવવાનું નક્કી કર્યુ.

સેવાંગીયાએ સ્વસ્થ થયા પછી પ્લાઝ્માનું દાન પણ કર્યું હતું. જંગલેશ્વર વિસ્તારમાં પરિસ્થિતિ જ્યારે હોટસ્પોટ હતી ત્યારે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમોને પરિસ્થિતિને સંચાલિત કરવામાં તેમણે મદદ કરી હતી. ખરેખર પાણી અને ચા પિવડાવનાર ભલો શમરુની.

(૨) એક એવો સમય કે જ્યારે દેશના કેટલાય ભાગ ઓક્સિજન સપ્લાયની તીવ્ર અછતનો અહેવાલ આપી રહ્યા છે ત્યારે મુંબઈના એક માણસની નિશુલ્ક ઓક્સિજન સપ્લાય યોજના ઘણા લોકો માટે જીવનદાન આપનાર બની રહી છે. ઓક્સિજન સપ્લાય યોજના શરૂ કરવા માટે શાહનવાઝ શેખે ગયા વર્ષે તેની ૨૨ લાખની એસયુવી કાર વેચી દીધી હતી કે જેના પૈસા આજે કોરોના વાયરસના રોગચાળા વચ્ચે લોકોના જીવ બચાવવાનું ચાલુ રાખે છે.

શાહનવાઝ શેખે એનડીટીવીને મુંબઈની કોવિડ પરિસ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે “ગયા વર્ષે અમે જ્યારે શરુઆત કરી ત્યારે ૫,૦૦૦ થી ૬,૦૦૦ લોકોને ઓક્સિજન પુરો પાડ્યો હતો. આ વર્ષે શહેરમાં ઓક્સિજનની ખરેખર અછત છે. જ્યાં અગાઉ અમને ૫૦ જેટલા ફોનકોલ આવતા હતા, ત્યા  હવે અમને ૫૦૦ થી  ૬૦૦ જેટલા ફોનકોલ આવે છે.”

તેમણે જણાવ્યું હતું કે કોવિડની પ્રથમ તરંગ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને વિના મૂલ્યે ઓક્સિજન સપ્લાય કરવાની તેમની પહેલ ત્યારે શરૂ થઈ હતી કે જ્યારે તેના મિત્રના પિતરાઇ ભાઇ કોવિડ – ૧૯ મા અવસાન પામ્યા હતા. જ્યારે શાહનવાઝ શેખને ખબર પડી કે સમયસર ઓક્સિજન સપોર્ટથી તેનું જીવન બચી શક્યુ હોત ત્યારે તેમણે કોવિડ દર્દીઓ માટે દવાઓ અને ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે તેમની એસયુવી કાર વેચી દીધી. ફરીથી ખરેખર ઓક્સિજન  પુરો પાડનાર ભલો શમરુની.

આમ જોઇએ તો “ભલો શમરુની” નુ પાત્ર ભજવનારાઓનુ આ લિસ્ટ ખુબ જ લાબુ છે. ધર્મ અને નાતજાત ભુલી લોકો ભલો શમરુની બની પોતાથી બનતી સેવાઓ પુરી પાડી રહ્યા છે.

ઈસુ દ્વારા કહેવાયેલી “ભલો શમરુની” ની દ્રષ્ટાંતકથા હવે થોડીક આગળ વધે છે અને આજના શાસ્ત્રપાઠે પહોંચતા થોડોક વિરામ લે છે. “ભલો ભરવાડ” તરીકે આજના શાસ્ત્રપાઠનુ મુખ્ય હાર્દ આપણી સમક્ષ રજુ થાય છે. ઈસુ કહે છે કે, “હું સાચો ગોવાળ છું. મારા ઘેટા ને હું ઓળખું છું અને ઘેટા મને ઓળખે છે, જેમ મને મારા પિતા ઓળખે છે ને હું મારા પિતાને ઓળખું છું. અને ઘેટાંની ખાતર હું મારા પ્રાણ પાથરુ છું.”

મારું ચિંતન-મનન મને એક વાત તરફ ચોક્કસ દોરી જાય છે કે ઇસુ “ભલા શમરુની”ની દ્રષ્ટાંત કથાથી પોતાના જીવનને પણ એક “ભલા શમરુની”મા ફેરવી દે છે. આ ભલો શમરુની આગળ જતા “ભલો ભરવાડ” બને છે, જે પોતાના પ્રાણ પોતાના ઘેટા ખાતર ક્રુસ ઉપર પાથરી દે છે.

આજે ઇસુએ સેવાંગીયા અને શાહનવાઝ શેખને એક “ભલા શમરુની” માં ફેરવી દીધા છે. આજ ઇસુ આગળ જતા ચોક્કસ કેટલાયને  “ભલા શમરુની” અને “ભલો ભરવાડ” માં પણ ફેરવી દેશે. આજે ઈસુ મને અને તમને પણ આ જ આમંત્રણ આપે છે, આમંત્રણ છે “ભલો ભરવાડ” વાયા “ભલો શમરુની”. આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *