( યશાયા ૫૦:૪-૭ ફિલિપ્પી ૨:૬-૧૧ માર્ક ૧૪:૧-૧૫:૪૭ )
આજે એ માને તે ઘરડાઘરમાં પાંચ વર્ષનો સમય વીતી ગયો. આ પાંચ વર્ષમાં તેનો એકનો એક દીકરો કે જે પૈસેટકે સુખી હતો તે એકાદ-બે વાર તેને મળવા આવ્યો હતો. આમ તો તે સારી જગ્યાએ નોકરી કરતો અને કુટુંબ પણ ખુબ જ નાનુ. કુટુંબમાં તેની પત્ની અને એક પંદર વર્ષનો દીકરો હતા. ઘર ખૂબ મોટું હતું પરંતુ કદાચ દીકરાની પત્નીનું હ્રુદય એટલું મોટુ નહોતું. પત્ની દરરોજ કોઇકને કોઇક બાબતે મા જોડે ઝગડતી. છેવટે આમતેમ બહાના હેઠળ માને ઘરડાઘરમાં મૂકવામાં આવ્યા. એકાદ વર્ષમાં તો પુત્રના દિલમાં મા પ્રત્યે પ્રેમનું ઝરણું એકદમ સૂકાઈ ગયું. પરંતુ બીજી તરફ જેમ જેમ દિવસો જતા ગયા તેમ-તેમ માતાના દિલમાં પોતાના દીકરા, વહુ અને પૌત્ર માટે પ્રેમનો જાણે જુવાળ આવવા લાગ્યો.
આજે પાંચ વર્ષ પૂર્ણ થતા મા એકલી-અટુલી બેસીને વિચારવા લાગી. ઓચિંતી તે પોતાની જગ્યાએથી ઉભી થઇ અને પોતાના રૂમમાં ગઈ. પોતાના ટેબલની સામેની ખુરશીમાં બેસી એક કાગળ-પેન કાઢ્યા. થોડી જ વારમાં એક પત્ર પોતાના પુત્રને સંબોધીને લખાયો. આ પત્રમાં કોઈ એવી વિનંતી ન હતી કે જેમાં પુત્રને કહેવાયું હોય કે પોતાને મુશ્કેલી પડે છે તેથી ઘરે પાછી લઈ જવામાં આવે. પણ આ પત્રમાં અમુક વસ્તુઓની યાદી હતી. પુત્રને સંબોધીને લખાયુ હતુ કે દીકરા આ ઘરડાઘરમાં એક ટેલિવિઝન, ફ્રીજ, ઓવન અને એક નાનું પુસ્તકાલયની ખાસ જરૂર છે. દીકરાને પત્ર મળ્યો અને ફરીથી તેના દિલમા લાગણીના તંતુ ફૂટી નીકળ્યા. આ પાંચ વર્ષમાં પ્રથમ વખત માએ દીકરા પાસે કોઈક વસ્તુની માગણી કરી હતી. વળી આજના જ દિવસે માને ઘરડાઘરમાં મૂકવામાં આવી હતી. તે પત્ની અને પોતાના દીકરાને તૈયાર કરી સીધો બજાર ગયો. ત્યાંથી યાદી મુજબની વસ્તુઓ ખરીદવામાં આવી. આ બધી જ વસ્તુઓ લઇ દીકરો પોતાની પત્ની અને દીકરા સાથે ઘરડાઘરમાં ગયા.
આ પણ વાંચો – બાઈબલના વચનો :- તમને શાંતી હો – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ચોક્કસ ઘરડાઘર એવી જગ્યા છે જ્યાં ઘરડા મા-બાપ એક એવી જગ્યાએ બેસવાનું પસંદ કરતા હોય છે કે જ્યાંથી ઘરડાઘરનું પ્રવેશદ્વાર સીધ્ધુ જોઈ શકાય. ઘરડા મા-બાપના દિલમા એક આશ હોય છે કે હમણાં દીકરો આવશે. અહીં આ ઘટનામાં પણ વૃદ્ધ મા પોતાના દીકરાની રાહ જોઈને બેઠેલી હતી. દીકરો અને તેનું કુટુંબ ઘરડાઘરમાં પ્રવેશ્યું. મા જોડે વાર્તાલાપ થયો. દીકરા દ્વારા માએ માંગેલી દરેક વસ્તુઓની ભેટ ધરાઈ.
અંતે દીકરાએ માને એકાંતમાં લઈ જઈને પૂછ્યું કે મને ખબર છે કે તું કદી ટેલિવિઝન જોતી નથી, વળી ફ્રીઝનું ઠંડું પાણી કે ખોરાક ભાગ્યે જ તારા ગળે ઉતરતા હોય છે, ઓવન તો કદી તને વાપરતા પણ આવડતું નથી અને વાંચનનો તારો શોખ ખૂબ જ ઓછો છે, તો પછી આ બધી વસ્તુની જગ્યાએ તારે કંઈક એવી વસ્તુ માંગવી જોઈતી હતી કે જે તેને વધુ ગમતી હોય અને જે તારા કામમાં આવતી હોય. હું આનાથી પણ વધુ પૈસા ખર્ચીને તે લાવવા તૈયાર છું. માએ દીકરાને કહ્યું ચોક્કસ દીકરા હું તેમ કરી શકત અને તું ચોક્કસ તે વસ્તુઓ લાવ્યો પણ હોત. પરંતુ અહીંયા આ બધી જ વસ્તુઓની ગેરહાજરી છે. મેં વિચાર્યું કે કદાચ જો તને તારો દીકરો આ ઘરડાઘરમાં મૂકે તો આ બધી વસ્તુઓ વગર તને જીવન જીવવાનુ ભારે લાગશે. તેથી આજે જ હું આ વસ્તુઓ અહીંયા મંગાવી રાખું છું કે જેથી કદાચ ભવિષ્યમાં તારે અહીં આવવાનું થાય તો મુશ્કેલી ન પડે.
૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ ભસ્મ બુધવાર દ્વારા આપણે તપઋતુની શરૂઆત કરી. તે દિવસે માથ્થીક્રુત શુભસંદેશમાં પ્રાર્થના કરવી અને કેવી રીતે કરવી તે બાબત પર ભાર મુકાયો છે. ૨૧મી ફેબ્રુઆરી તપઋતુ નો પ્રથમ રવિવાર કે જ્યાં માર્કકૃત શુભસંદેશમાં ઈસુ ૪૦ દિવસ માટે પ્રાર્થના, મનન-ચિંતન કરવા માટે અરણ્યમાં જાય છે તેનુ વર્ણન છે. આજે ૨૮મી માર્ચ તાડપત્રનો રવિવાર. અહીંયા પણ ઈસુને જૈતુન વાડીમાં પ્રાર્થના કરવા જતા બતાવાયા છે. આમ આ ૪૦ દિવસોમાં પ્રાર્થનાને જીવનનુ મુખ્ય હાર્દ ગણી તેનુ મહત્વ આપણને સમજાવાયુ છે. *પ્રાર્થના એટલે કે મારો ઈશ્વર સાથેનો બોલવામાં આવેલો કે પછી મૌન વાર્તાલાપ.
આમ તો આજના શાસ્ત્રપાઠમાં ઘણી બધી વસ્તુ છે કે જેની ઉપર ચિંતન મનન કરી શકાય તેમ છે. પરંતુ આજે આપણે જોઇએ કે ઇસુ માટે પ્રાર્થના કેટલી અગત્યની છે અને ઇસુ કેવી રીતે શિષ્યોને પ્રાર્થનાની ભેટ આપે છે. ઈસુ જૈતુનવાડીમાં શીષ્યોને પ્રાર્થના કરવા આમંત્રિત કરે છે. પણ આમ જોઇએ તો ઈસુ જૈતુનવાડીમાં એકલા જ પ્રાર્થના કરે છે. આવનાર પરિસ્થિતિ તેમને શોખથી ભરી દે છે. પરિસ્થિતિ એવી કઈક તો વિકટ બને છે જાણે પ્રાણ ચાલ્યો જાય. ઈસુ ત્રણ-ત્રણ વાર પોતાની જગ્યાએથી ઉભા થઇ જાય છે અને શિષ્યોને પ્રાર્થના કરવા વિનંતી કરે છે. છતાં શિષ્યો તો એના એ જ, ફરીથી ને ફરીથી ઊંઘી જવું. જીવનમા ઘણા વર્ષો સુધી મારા મનમાં એક જ માન્યતા ચાલી આવતી હતી કે ઇસુ પોતાનુ દુખ દુર થાય કે ઓછું થાય એટલા માટે શિષ્યોને પ્રાર્થના કરવાનું કહે છે. આજે મારી આ માન્યતા દૂર થઈ. ઇસુ પોતાનું દુઃખ દૂર થાય તે માટે શિષ્યોને પ્રાર્થના કરવાનું કહેતા નથી. પરંતુ શિષ્યો માથે દુખ આવી પડે ત્યારે પોતાની જ કસોટીમાં પાર પડે તે માટે પ્રાર્થના કરવાનું કહે છે. ઉપરના દ્રષ્ટાંતમાં જોયું તેમ એક મા ઘરડાઘરમાં દુખદ અનુભવમાંથી પસાર થાય છે. ઇસુ પણ હાલમા જૈતુનવાડીમા એક દુખદ અનુભવમાંથી પસાર થાય છે. એક તરફ ઘરડી માને પોતાના પુત્રની ચિંતા થાય છે કે જો દીકરાએ પણ ઘરડાઘરમાંથી પસાર થવું પડશે તો તેને ચોક્કસ મુશ્કેલીઓ નડશે. અને તેથી જ દીકરાને મુશ્કેલી ન પડે તે માટે તે વસ્તુઓની આગળથી વ્યવસ્થા કરે છે. અહીં ઇસુને પોતાના શિષ્યોની ચિંતા થાય છે કે જો શિષ્યોએ પણ ક્રુસ ઉચકવા જેવી પરિસ્થીતીમાંથી પસાર થવું પડશે તો તેમને ચોક્કસ મુશ્કેલીઓ નડશે. ઇસુ પોતાના શિષ્યો માટે આવનારી તકલીફોમા એવી વસ્તુઓની વ્યવસ્થા કરવા માગે છે કે જેથી શિષ્યોને મુશ્કેલી ન નડે. મુશ્કેલીઓમા પણ સુખની સાકળ એટલે પ્રાર્થના કે જે ઇસુ પોતાના અનુભવો પરથી શિખેલા છે. ઇસુ તેમને પ્રાર્થનારુપી સાધનતાથી વાકેફ બનાવવા માગે છે. તેથી જ તો ઇસુ તેમના શિષ્યોને કહે છે કે તમે સૌ જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતારો.
વ્હાલા મિત્રો કદાચ આ બધા જ શિષ્યો તે સમયે ઊણા ઊતરે છે. અને તેથી જ્યારે ખરી મુશ્કેલી આવે છે ત્યારે આ બધા જ શિષ્યો ભાગી જાય છે. પરંતુ આ જ શિષ્યો આ જ પ્રાર્થના બળે ફરીથી ભેગા થાય છે અને એક ઇતિહાસ રચે છે. જે ક્રુસના ડરથી તેઓ ભાગી ગયા હતા તે જ ક્રુસને તેઓ ફરી ઊચકે છે. વળી કેટલાક શિષ્યોતો ક્રુરમા ક્રુર મ્રુત્યુને ઇશ્વરના રાજ્ય ખાતર ગળે લગાવે છે. આપણે ફરીથી ઈસુના શબ્દોને દિલમાં ઉતારવા પ્રયત્ન કરીએ. આપણે પણ જીવનમા ક્રુસ ઉચકવા જેવી પરિસ્થીતીમાંથી પસાર થવું પડે ત્યારે ગભરાઇને ભાગી ન જઇએ પણ અડગ ઉભા રહી ઇશ્વરના રાજ્યમા એક ઇતિહાસ રચીએ.
“તમે સૌ જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતારો.” આમીન.
જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત. મોબાઇલ : 8469491502