બાઈબલના વચનો – માળી, વેલો અને ડાળી

શહેર અને ગામડાથી દૂર આવેલી આ જગ્યા આમ તો નકશામાં અને લોકોના કહેવા મુજબ જંગલના નામે ઓળખાતી. પરંતુ લોકો દ્વારા મોટાભાગના વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હોવાથી અહી ખૂબ જ જુજ વ્રુક્ષો જોવા મળતાં. શ્યામપ્રસાદના નામે ઓળખાતા એક જંગલ અધિકારીના હાથ હેઠળ આ જંગલને ફરીથી હર્યુ-ભર્યુ કરવાની જવાબદારી સોપવામાં આવી. શ્યામપ્રસાદને જંગલ અને ઝાડ પ્રત્યે ખૂબ જ પ્રેમ.  તેમણે તે દિવસથી જ આ વિરાન જગ્યા કે જે જંગલના નામે ઓળખાતી તેને ફરીથી વૃક્ષોથી હરીભરી કરી દેવાનુ નક્કી કરી લીધું.

પોતાના ત્રણ સ્ટાફ કર્મચારીઓ દ્વારા આટલો મોટો જંગલ વિસ્તાર કે જેમાં ઝાડના રોપા રોપવા અને તેને પાણી પાવું એ ખરેખર ખૂબ જ મુશ્કેલભર્યુ કામ. પરંતુ શ્યામપ્રસાદ રહ્યા અનુભવી માણસ. ઝાડના રોપા ઉગાડવા હોય તો ચોમાસુ એ સારામાં સારો સમય. તેમણે વિચાર્યુ કે પોતાના ત્રણ કર્મચારીઓને યોગ્ય રીતે કામની વહેંચણી કરવામાં આવે અને જો સારો વરસાદ પડે તો ચોક્કસ તેમની મહેનત રંગ લાવે.

આ પણ વાંચો – બાઈબલની વાતો :- “ભલો ભરવાડ” વાયા “ભલો શમરુની”

ઉનાળાના ધોમધખતા તાપ અને ગરમી પછી વાતાવરણમાં ધીમે ધીમે પલ્ટો આવવા લાગ્યો. શ્યામપ્રસાદે  પોતાના સ્ટાફના ત્રણેય કર્મચારીને બોલાવી જંગલની પરિસ્થિતિથી વાકેફ કર્યા. તેમણે તેમને જણાવ્યું કે આ જંગલ-ઝાડ હશે તો જ પર્યાવરણ ટકી શકશે. જો તે નહીં હોય તો વાતાવરણ, જંગલમાંના પશુ-પક્ષીઓ, જંગલની પેદાશો પર નભતા જંગલવાસીઓ સર્વ પર એક જોખમ આવનાર છે. અને છેલ્લે તેમાં કામ કરનાર તમે અને હું પણ પોતાની નોકરી ગુમાવીશું. આ વિપરીત પરિસ્થિતિમાં આપણે એક કામ કરી શકીએ છીએ અને તે એ કે આપણે જંગલને ફરીથી હર્યુભર્યુ બનાવીએ. આવનાર ચોમાસાની ઋતુમાં જો આપણે પૂરતા આયોજનથી કામ કરીશું તો ચોક્કસ મોટા પ્રમાણમાં ઝાડના રોપાને રોપી શકીશું.

બાઇબલની વાતો

આયોજનમાં ત્રણે કર્મચારીઓએ સહર્ષ પોતાની સહમતી દેખાડી. આયોજનના ભાગરૂપે જંગલની મોટી નર્સરીમાંથી છોડવા મંગાવવાનું નક્કી થયું. કામના આયોજનના ભાગરુપે ત્રણે કર્મચારીઓએ પોતાના કામની વહેંચણી પણ  કરી લીધી. પ્રથમ કર્મચારીએ જમીનમા ખાડો ખોદી તેમાથી માટી કાઢવાનુ કામ હાથમા લીધુ. બીજો વ્યક્તિએ આ ખાડામા ખાતર નાખી તેમાં રોપા મુકવાનુ અને ત્રીજો વ્યક્તિએ ખાડામાં માટી પુરી સરસ રીતે ક્યારો બનાવવાનુ કામ હાથમા લીધુ.

જૂનની શરૂઆતમાં ઝાડના રોપા આવી ગયા. આ રોપાને ચોક્કસ અંતરે મૂકવામાં આવ્યા. ત્રણે કર્મચારીઓ દ્વારા ઝાડના રોપાઓને રોપવાનું કામ શરુ થયું. એક જણ ખાડો ખોદે, બીજો ખાડામા ખાતર અને રોપો મુકે અને ત્રીજો તેમાં માટી વાળી સરસ મજાનો ક્યારો બનાવે. ત્રણે ખૂબ જ પરિશ્રમી વ્યક્તિઓ હતા. ૧૫ દિવસમાં તો ત્રણે જણાએ ઘણા બધા રોપાઓ રોપી દીધા.

પરંતુ તેમના આ સખત પરિશ્રમને લીધે અચાનક આ ત્રણ કર્મચારીઓમાંથી એક કે જે ઝાડના રોપાને ખાડામાં ખાતર નાખી મુકતો હતો તે બીમાર પડ્યો. કામ ઉપર આવવાની તેની પરિસ્થિતિ ન હોવાને  લીધે તેણે તેના કામમાંથી થોડા દિવસની રજા લઇ લીધી.

તેના બીજા દિવસે સવારે કામ ઉપર બે જ કર્મચારીઓ હાજર થયા. શ્યામપ્રસાદ તે દિવસે કામ અર્થે બહારગામ ગયા હતા. પરંતુ આ બન્ને કર્મચારીઓએ પોતાનું કામ ચાલુ રાખવાનું નક્કી કર્યું. પહેલા કર્મચારીએ પોતાના કાર્ય મુજબ ખાડો ખોદવાનું ચાલુ રાખ્યું. તે ખાડો ખોદતો અને તેમાંથી માટી કાઢતો અને ત્યાંથી આગળ વધતો.

પ્રશ્ન તો હવે ઉભો થયો કે જ્યારે આ ખાડામા ખાતર અને રોપા મુકવાના થયા. ખાડામા ખાતર અને રોપા મુકનાર કર્મચારી તો બીમારીને કારણે ગેરહાજર હતો. તેનુ આ કામ કરે કોણ??? અને એવામાં ત્રીજા કર્મચારી આવ્યો. તેણે ખાડામા ખાતર કે રોપો છે કે નહી તે ગણકાર્યા સિવાય પોતાનું રોજિંદું કામ ચાલુ રાખ્યું. તેણે પાવડા વડે ખાડાને માટીથી પુરી દીધો અને તેની ઉપર સુંદર ક્યારો બનાવી આગળ ધપી ગયો.

આ પ્રસંગ વાંચી અને જોઇએ તો આપણને લાગે કે ત્રણેય કર્મચારીઓ આ મિશનના અભિન્ન અંગો છે. એક કર્મચારીની ગેરહાજરીએ આખા કાર્યને નિષ્ફળતામાં ફેરવી દીધું. મિશનની સફળતા માટે તે બીજા કર્મચારીની હાજરી અને તેના થકી થતુ કાર્ય ખુબ જ જરુરી હતુ. છેવટે તો આ મિશનની નિષ્ફળતાએ વાતાવરણ, જંગલમાંના પશુ-પક્ષીઓ, જંગલની પેદાશો પર નભતા જંગલવાસીઓ અને કર્મચારીઓના અસ્તીત્વ સૌ ઉપર જોખમ લાવી દીધુ.

ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે. ફળ ન આપનારી એકે એક ડાળીને તે કાપી નાખે છે અને ફળ આપનારી એક એક ડાળીને તે છાંટે છે જેથી તેને વધારે ફળ આવે.”

આગળ જતાં ઈસુ વધુમાં કહે છે, “હું વેલો છું અને તમે ડાળીઓ . જે મારામાં વસે છે અને જેનામાં હું વસુ છું તે જ પુષ્પ ફળ આપી શકે છે.”

આ પણ વાંચો – ચાલો જીવનને એક પ્રશ્નથી શરૂઆત કરીએ. – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

ઈસુના દ્વારા બોલાયેલા વચનોમાંથી આપણે કંઈક આવો સારાંશ કાઢી શકીએ. અહીંયા ઇસુ પોતાના રુપકમા ત્રણ પાત્રોની વાત કરે છે. ૧. પિતા કે જે માળીનું પાત્ર ભજવી રહ્યા છે ૨. ઇસુ કે જે દ્રાક્ષના વેલાનું પાત્ર ભજવી રહ્યા છે અને ૩. આપણે સર્વ મનુષ્ય કે જે  ડાળીઓનુ પાત્ર ભજવી રહ્યા છીએ.

અહીંયા સૌ પ્રથમ દ્રાક્ષનો વેલો અને માળી વચ્ચે એક અતૂટ અને પ્રેમાળ સંબંધ દર્શાવાયો છે. વેલાનું સાચા દ્રાક્ષનો વેલો હોવાનું અસ્તિત્વ માળીના જીવનને ખરા અર્થમાં અર્થસભર બનાવે છે. તેવી જ રીતે માળીનું અસ્તિત્વ પણ સાચા દ્રાક્ષના વેલાને એક પાળક તરીકેનુ રક્ષણ પુરુ પાડે છે. આમ બંને એકબીજા ઉપર આધારિત છે. એકના  અસ્તિત્વ પર જોખમ કે તેની ગેરહાજરી, બીજાના અસ્તિત્વ ઉપર જોખમ ઊભું કરે છે. વેલો અને માળીની ઓળખ એક્બીજા પ્રત્યેના પ્રેમને આભારી છે.

આગળ જતા આ પ્રેમનુ વર્તુળ ફક્ત ઈસુ અને તેમના પિતા-પરમેશ્વર સુધી મર્યાદિત રહેતુ નથી, પરંતુ આ પ્રેમના વર્તુળમાં ડાળી સ્વરુપે એક નવું તત્વ ઉમેરાય છે. આ ડાળી એટલે આપણે સર્વ મનુષ્ય. પિતાની માળી તરીકેની સંભાળ અને ઈસુના વેલારુપી જીવન આપનાર તત્વો આપણને પોષણ આપી હુષ્ટ-પ્રુષ્ટ કરે છે. હવે આ ઇશ્વરીય તત્વ આપણી પાસે એક જ અપેક્ષા રાખે છે અને તે એ કે પુષ્કળ ફળ આપવા. આ ત્રિવિધ સાંકળમાંથી એક જણની બાદબાકી એટલે ઇશ્વરીય યોજનાની સંપૂર્ણ નિષ્ફળતા.

જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં ઈશ્વર એક અસ્તવ્યસ્ત અને શૂન્ય એવી પૃથ્વીને બદલવાનું શરુ કરે છે. એક માળી તરીકે સુંદર પૃથ્વીની રચના થાય છે. પ્રતીકાત્મકરૂપે આ સુંદર પૃથ્વી એદન વાડીને નામે ઓળખાય છે. સમય જતાં ઈશ્વર સાથે નવો કરાર સર્જાય છે. ઈશ્વરપિતા એક માળી તરીકે ઇસુને એક દ્રાક્ષના વેલા રુપે આ પૃથ્વી ઉપર રોપણ કરે છે. આ દ્રાક્ષનો વેલો એટલે આપણ સર્વને પ્રેમ, આનંદ, અને શાંતિરુપી જીવન આપનાર તત્વોથી ભરી હુષ્ટ-પ્રુષ્ટ કરનાર ઇશ્વર. હવે આ વેલામાં કુપણો ફુટવાના શરુ થાય છે. આ કુપણો ડાળીઓનું સ્વરૂપ ધારણ કરે છે. આમ જોઈએ તો ઈશ્વર પિતાએ એક માળી તરીકે અને ઈસુએ એક વેલા તરીકેનુ  પોતાનું દુન્યવિ કાર્ય પૂર્ણ કર્યું છે. સમય છે એક ડાળી તરીકે આપણે પ્રેમ, આનંદ, અને શાંતિના ફળ આપવાનો. એક બાબતની ખાતરી તો છે જ કે ઈશ્વર હંમેશા આપણી મદદમાં છે. ઇશ્વર પોતે આવીને આપણને મદદ કરશે અને ફળ ન આપનારી એકેએક ડાળીને તે કાપી નાખશે અને ફળ આપનારી દરેક ડાળીને તે છાંટશે કે જેથી આપણને વધુ ફળ આવે. કોવિડ-૧૯ ના આ વિપરીત કાળમા જરુરીયાતમંદ લોકોને વિવિધ સહાય દ્વારા ફળોનુ ઉત્પાદન વધારીએ. આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

%d bloggers like this: