ચાલો જીવનને એક પ્રશ્નથી શરૂઆત કરીએ. – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

મારી યાજ્ઞિકદીક્ષા બાદ મારી નિમણૂક એક મિશન સ્ટેશનમાં કરવામાં આવી. આ મિશન સ્ટેશન આશરે ૧૨ થી ૧૫ ગામડાને આવરી લેતુ. ગામડાઓમાં વિવિધ પ્રસંગો આવતા. ઘણીવાર આનંદના પ્રસંગો હોય તો ઘણીવાર દુઃખદ પ્રસંગો હોય. હજુ પણ મને તે પ્રસંગ યાદ છે જ્યારે એક સાંજે મને એક મૃત્યુ પ્રસંગમાં બોલાવવામાં આવ્યો. એક યુવાન હાર્ટ એટેક દ્વારા મૃત્યુ પામેલ હતો. જ્યારે બીજા દિવસે તે યુવાનને ઘરે ફરીથી મુલાકાતે જવાનું થયું ત્યારે ખબર પડી કે તે એક વૃદ્ધ દંપતીનો એકનો એક જ દીકરો હતો. શહેરમાં રહી તે મા-બાપની આર્થિક જરૂરિયાતો પૂરી કરતો. હમણાં થોડા વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ આ કુટુંબને ત્યા એક બાળકનો જન્મ થયો. વ્રુધ્ધ મા-બાપ અને યુવાનની પત્નીની આંખમાંથી આંસુ સરી જતા હતા. વાતચીતમાં તેમણે ફક્ત અને ફક્ત જણાવ્યું કે દેવનો દિધેલો એક જ દીકરો હતો. શા માટે ઈશ્વરે તેને પોતાની પાસે બોલાવી લીધો??? જો કે આ કઠિન પરિસ્થિતિમાં કદાચ મારા બધા જ આશ્વાસનો તેમને માટે સમજવા મુશ્કેલ હતા. ઈશ્વરને આ કુટુંબ અર્પણ કરી મે ત્યાંથી વિદાય લીધી.

આટલા વર્ષોમા આ પ્રકારના ઘણા પ્રસંગો એક પુરોહિત તરીકે લોકો સાથે અનુભવવાના થયા. કોઈકે વ્યસનમાં પતિ ગુમાવ્યો તો કોઈએ નોકરીની શોધમાં નિરાશ બનેલો દીકરો આત્મહત્યા થકી ગુમાવ્યો. કોઈએ અકસ્માતમાં માતા ગુમાવી તો કોઇ ગમ્ભીર બીમારીનો ભોગ બન્યુ. બધામા નિરાશ બનેલ દરેકે દરેક વ્યક્તિનો પ્રશ્ન હતો, “શા માટે મારી સાથે જ આમ બન્યું??? ઘણીવાર આ બધા જ પ્રશ્નોને સાંભળીને લાગતું કે ખરેખર આ દુનિયા તૂટેલી ભાંગેલી છે. જીવનને ખળભળાટમાં મૂકી દેતા આવા બનાવો દરેકના જીવનમાં કોઈક ને કોઈક પ્રસંગે બનતા જ રહે છે. ઘણીવાર ખૂબ જ સફળ બનેલા લોકોમાં પણ પરિસ્થિતિ એવું તો  પરિવર્તન લાવે છે કે તેઓ પણ દુઃખમાં ધકેલાઈ જાય છે.

આ ભાંગેલી અને તૂટેલી દુનિયામાં ખરેખર કોઈ અર્થસભર જીવન શોધી શકાય ખરું?

મને લાગે છે કે આ ભાંગેલી અને તૂટેલી દુનિયામાં ખરેખર અર્થસભર જીવન શોધી શકાય. અહીંયા મુખ્ય બાબત એ છે કે કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં આવેલ વ્યક્તિ જરૂર જીવનને સકારાત્મક અનુભૂતિથી જીવી શકે જો આ વ્યક્તિ દુઃખિત ઘટનાઓમા પણ  હકારાત્મક રીતે રહેવાનુ પસંદ કરે.

આમ તો આપણી આજુબાજુ આવા હકારાત્મક વ્યક્તીઓના ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળશે. આજે હું તમારી સમક્ષ વિક્ટર ફ્રેન્કલિનની વાત રજુ કરવા માંગુ છું. ૧૯૩૦માં ઓસ્ટ્રીયા નામના દેશમાં થઈ ગયેલ તે એક યહૂદી હતા. જ્યારે હિટલરે યહૂદીઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું ત્યારે સિપાઇઓ દ્વારા તેમને પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમા કેદી બનાવવામા આવ્યા. આ એક એવી જગ્યા હતી જ્યાં કેદીઓને પશુઓની જેમ કરવામાં આવતા. તેમની પાસે સખત કામ કરાવાતુ. જેઓ કામ કરવા સક્ષમ હોય તેમને જીવતા રખાતા બાકીનાને ઝેરી ગેસ આપીને મૃત્યુદંડ આપવામાં આવતો.

વિક્ટર ફ્રેન્કલિનને તેમના કુટુંબ સહિત ઓસ્વીઝ નામના કેમ્પમાં પૂરવામાં આવ્યા. આ કોન્સન્ટ્રેશન કેમ્પમાં કેદીઓ સાથે ખૂબ જ સખ્તાઈથી વર્તાવ રાખવામાં આવતો. આ કેમ્પમાં વિક્ટરને તેમના પત્ની અને દીકરીઓથી અલગ પાડવામાં આવ્યા. પાછળથી તેમને જાણવા મળ્યું કે તેમના પત્ની અને દીકરીઓને આ કેમ્પમાં મારી નાખવામાં આવ્યા છે. વિક્ટર આગળ જણાવે છે કે તેમને આ કેમ્પમા સખત કામ આપવામાં આવતું. ઘણીવાર રાતના અંધારામાં પણ કિલોમીટર સુધી તેમને કામ અર્થે ચલાવવામાં આવતા. આવી પરિસ્થિતિઓમાં તેઓ એ પણ જાણતા નહીં કે આવતીકાલે જીવીશું કે કેમ???. ખરેખર આ કઠિન પરિસ્થિતિ જ કહી શકાય.

પરંતુ આ બધામાં વિક્ટરે અનુભવ્યું કે તેમની પાસે એક એવી સ્વતંત્રતા છે કે જે કોઈ પણ તેની પાસેથી છીનવી શકે નહી. આ સ્વતંત્રતા એટલે કે જીવનમા સકારાત્મક રહેવાની મારી પસંદગી. તેમણે પોતાની જાતને જણાવ્યું કે હુ હંમેશા સકારાત્મક જ રહીશ. હંમેશા તેમના મોં પર એક સ્મિત જોવા મળતું. ઘણી વખત તે હસી પણ લેતા. કેમ્પના અધિકારીઓ અને સિપાઇઓ આ જોઈને સ્તબ્ધ થઈ જતા. પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ માણસ કેવી રીતે સ્મિત કરી શકે છે. ધીરે ધીરે વિક્ટર આ બધા જ લોકો માટે પ્રેરણારૂપ બની ગયા. તેમણે પણ નક્કી કરી લીધું કે હું આ રીતે જ જીવીશ અને દુનિયાને મારી આ શોધ વિશે જણાવીશ.

આખરે જ્યારે જર્મની યુદ્ધમાં હારી ગયું અને વિક્ટરને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમણે એક પુસ્તક લખ્યું, “Man’s Search for Meaning ” (માણસની અર્થસભર જીવનની શોધ). આ પુસ્તકનુ ૧૫ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. વિક્ટરે દુનિયાની 300 જેટલી યુનિવર્સિટીમાં આ વિશે પોતાનું મંતવ્ય રજુ કર્યુ. *તેઓ  કહે છે જીવન ઘણીવાર ઉગ્ર પીડા આપનાર હોય છે. પરંતુ દરેક વ્યક્તી પાસે પસંદગી કરવાની એ તક હંમેશા રહેલી છે કે તમે આવનારી પરિસ્થિતિને કેવી રીતે પ્રત્યુત્તર આપશો.

જીવન મૂંઝવણો અને શંકાઓથી ભરેલું હોય ત્યારે તેવી પરિસ્થિતિ માટે કોઈએ ખૂબ જ સુંદર કહ્યુ છે કે જ્યારે પણ આપણને આવી મૂંઝવણો અને શંકાઓ સતાવતી હોય ત્યારે જીવનને પ્રશ્ન પૂછીએ. વિક્ટર ફ્રેન્કલિન પણ પોતાની કઠિન પરિસ્થિતિમાં પોતાની જાતને પ્રશ્ન પૂછતા જ હતા. પોતાની જાતને પુછેલો આ પ્રશ્ન તમને જવાબ તરફ દોરી જશે. અને આ જવાબ તમને સાચા જવાબ તરફ દોરશે કે જે તમને સકારાત્મક ગુણો જેવા કે પ્રેમ, આનંદ અને શ્રદ્ધાથી ભરશે. વળી આગળ કહેવાયું છે કે જો તમારા પ્રશ્નો તમને જીવનમાં આનંદ, પ્રેમ અને શાંતિથી ન ભરતા હોય તો એનો મતલબ એ થયો કે તમે તમારી જાતને પૂછેલા પ્રશ્નો ખોટી રીતે પુછયા હતા. જીવનને ફરીથી પ્રશ્નો પૂછીએ.

જ્યારે સંત થોમસ ઉપર હું મનન ચિંતન કરું છું ત્યારે વિચારું છું કે શું એક મનુષ્ય તરીકે તેમના જીવનમાં પણ મુંઝવણ અને શંકાઓ નહીં હોય ??? મને લાગે છે જરૂરથી હશે. કદાચ મૂંઝવણ અને મુશ્કેલીથી ઘેરાયેલા એ એક મનુષ્ય તરીકે પોતે પણ બની શકે એક તૂટેલી વ્યક્તિ હોય. વળી તેમના જીવનના છેલ્લા એવા સહારા કે જેમની ભરોસે તેમણે ઘરબાર છોડ્યા તે ઇસુગુરુને ગુમાવીને તો કદાચ તેઓ ખરેખર વધુ તૂટી પડ્યા હશે. પરંતુ આજે સંત થોમાસના જીવનમાં પ્રકાશનું એક કિરણ પ્રવેશે છે. પોતાની મુંઝવણ અને શંકાઓમા સંત થોમાસ કહે છે,  “જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉ અને ખીલાની જગ્યામાં આંગળી ન નાખુ, તેમ જ તેમના પડખામાં હાથ ન નાખુ, ત્યાં સુધી હું કદી માનુ નહીં.” આ જ બાબત તેમને આગળ જતાં ઈસુ સાથે મિલન કરાવે છે. ઈસુરુપી  આશ્વાસન સંત થોમાસને મળે છે કે દીકરા હું  ક્રુસ જેવી કઠિન સજામાથી કે જેણે મને સમ્પુર્ણ તોડી નાખ્યો તેમાથી પુનરુત્થાન પામી શકતો હોય તો તું પણ તારી કઠિન પરિસ્થિતિમાથી ચોક્કસ ઊભો થઈ શકે છે. છેલ્લે ઈશ્વરના પ્રેમમા આનંદીત બનેલા આ સંત દુનિયાને એક મહાન મંત્ર “ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર” આપે છે. આ સંત ભારતમાં આવે છે અને શહીદીને વરે છે.

વ્હાલા ભક્તજનો આપણે પણ કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં જીવનને સકારાત્મક અનુભૂતિથી જીવી શકીએ જો આપણે દુઃખિત ઘટનાઓમા પણ  હકારાત્મક રીતે રહેવાનુ પસંદ કરીએ. જરુર છે જીવનને પ્રશ્ન પૂછી એક શરૂઆત કરવાની. આ પ્રશ્ન તમને જવાબ તરફ દોરી જશે. અને આ જવાબ તમને સાચા જવાબ તરફ દોરશે કે જે તમને સકારાત્મક ગુણો જેવા કે પ્રેમ, આનંદ અને શ્રદ્ધાથી ભરશે. આ સર્વ થકી ઈસુ ચોક્કસ આપણા જીવનમાં આવશે જ અને આપણને એક આશ્વાસન આપશે જ. ચાલો જીવનને એક પ્રશ્નથી શરૂઆત કરીએ. આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *