બાઈબલના વચનો :- તમને શાંતી હો – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

એક નાના શહેરથી થોડે દૂર મારું ગામ આવેલું હતું. ગામ ખેતરોથી ઘેરાયેલું હોવાથી ઝેરી જનાવરોનો ત્રાસ પણ એટલો જ. ઘણીવાર અમુક ઘરોમાંથી બુમ સંભળાતી કે તેમના ઘરે સાપ આવેલો છે. ગામના યુવાનો તરત જ લાકડી લઈને દોડી જતા. જો સાપ ઝેરી હોય તો તેને મારી નખાતો. પરંતુ જો સાપ ઉંદરોને ખાનાર બિનઝેરી હોય તો તેને છોડી મૂકવામા આવતો. ગામના યુવાનોની આ ટોળકીમાં એક યુવાનીઓ હતો. સાપ ઝેરી હોય કે બિનઝેરી તે હંમેશા તેને મારી નાખતો. અમે બાળકો ઘણીવાર તેને પૂછતા કે વડીલોની ના હોવા છતાં તે શા માટે બિનઝેરી સાપને પણ આ રીતે મારી નાખે છે. તે હંમેશા કહેતો કે આ સાપને લીધે જ જગતમાં સુખની પરિસ્થિતિ બદલાઇ અને જગતમા દુખ આવ્યુ. તેણે જ આદમ અને હેવાને ફળ ખાવા લલચાવ્યા. તેઓ લલચાયા અને તેઓને એદન વાડીમાંથી બહાર કાઢી મુકાયા. તેમના પરિણામ સ્વરૂપે આપણે પણ તકલીફ વેઠવાની થઈ. હજુ પણ આદમ, હેવા અને તેમના બાળકો એટલે કે આપણે બધા એદન વાડીમાં મજા કરતા હોત. આ મુશ્કેલીઓથી ભરેલુ જીવન તેમને જ આભારી છે.

જો કે આ યુવાનને બાઇબલની ઘણી વાતો આવડતી. સાંજના સમયે ગામમા માતા મરિયમની ટેકરીએ બેસીને તે અમને બાળકોને જુના કરારની વાતો કહેતો. કેવી રીતે ઈશ્વરે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે તે વિસ્તૃત રીતે જણાવતો. તે કહેતો કે છ દિવસમાં ઈશ્વરે પોતાની સમગ્ર શક્તિ આ બ્રહ્માંડને બનાવવામાં ખર્ચી નાખી. સાતમો દિવસ એટલે વિશ્રામનો દિવસ. ઈશ્વર પોતે જે કંઈ કરતા હતા તે સાતમે દિવસે પતાવી તેમણે કામ બંધ કર્યું. મતલબ ઈશ્વરે પોતાનું સંપૂર્ણ ખર્ચી નાખ્યું. હવે કશું જ બાકી રહ્યુ નથી. ઈશ્વરે આકાશ, પૃથ્વી, સૂર્ય, ચાંદો, તારાઓ, સાગર, વનસ્પતિ, પશુ, પક્ષી, અને પૃથ્વી પરની સમગ્ર વસ્તુઓ બનાવી. ઇશ્વરે આ બધા ઉપરની હકુમત આદમ અને હેવાને સોંપી. પરંતુ બીજી તરફ સ્વતંત્રતામા અંધ બનેલા આદમ અને હેવાએ ઈશ્વરની ફળ ન ખાવાની બાબતને નકારી નાખી. અંતે તે ફળ ખાઈને જ રહ્યા. છેવટે મળ્યું એક ગુલામીભર્યું જીવન. વાતને અંતે તે યુવાન કહેતો કે ઇશ્વરે તો બધુ સારું જ કરવુ હતુ, પણ મનુષ્યએ સારા ન રહેવું હોય તો પછી શું કરી શકાય. જીવવા દો મનુષ્યને એ અર્થવિહીન જીવનને. આટલુ કહી તે યુવાન પોતાની જગ્યાએથી હાથ ખંખેરીને ઉભો થઇ જતો અને કહેતો કે મારી આ વાત પણ મનુષ્ય અને ઇશ્વરના સબંધની જેમ પૂરી થાય છે. અને આમ તે ત્યાથી વિદાય થતો. આ યુવાનની વાત સાંભળી ઈશ્વર સાથેના સંબંધો પૂરા થયા તે બાબતનું દુઃખ થતું તો બીજી તરફ આદમ, હેવા અને સાપ પ્રત્યે તિરસ્કાર પેદા થતો. આ આખા પ્રસંગમા એક અશાંતીભર્યા વાતાવરણની પ્રતીતી થતી.

આ પણ વાંચો – બાઈબલના વચનો – માળી, વેલો અને ડાળી

ઘણીવાર ખજાનાની શોધમાં નીકળેલ વ્યક્તિ એ ખજાનાની એકદમ નજીક પહોંચી જાય છે. પરંતુ સાથે સાથે શારીરિક શ્રમ અને નિરાશા તેને પાછા વળવા મજબૂર કરે છે. આજે મને રહી રહીને લાગી રહ્યુ છે કે પેલા મારા ગામનો યુવાન પણ ઇશ્વરના પ્રેમના ખજાનાને પહોંચતાં પહેલાં જ પાછો વળી ગયો. તેણે ઉત્પત્તિના ગ્રંથમાંનો પહેલો અને બીજો અધ્યાય વાંચ્યો અને અમને બાળકોને સંભળાવ્યો પણ તે ત્રીજો અધ્યાય વાંચવાનો અને અમને સંભળાવવાનુ ચૂકી ગયો.

એકવાર મે ઉત્પત્તિના ગ્રંથમાં અધ્યાય ૩માં એક નાનકડું વાક્ય વાંચ્યું. તેમાં લખાયું હતું કે, “પછી પ્રભુ પરમેશ્વરે આદમ અને તેની વહુ માટે ચામડાનાં વસ્ત્રો બનાવ્યા અને તેમને પહેરાવ્યા” અહી ઈશ્વરનો પોતાના સંતાનો માટેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે. કન્યાની પિયરથી વિદાય થવાની હોય અને માતા જેમ પોતાના હાથે બનાવેલી અમૂલ્ય વસ્તુઓ પોતાની દીકરીને ભેટમાં આપી દે તેમ એદન વાડીની વિદાયમાં પણ ઈશ્વર આદમ અને હેવાને અમુલ્ય ભેટ ધરે છે. આદમ અને હેવાએ અંજીરના પાંદડા ભેગા સીવીને પોતાના અંગ ઢાંક્યા હતા જે થોડા જ સમયમાં જર્જરિત થવાના હતા. પરંતુ પ્રેમાળ ઈશ્વર પોતાના હાથે તેમને માટે ચામડાનાં વસ્ત્રો બનાવે છે જે તેમને વિવિધ હ્રુતુમા રક્ષણ આપે. આ ભેટ દ્વારા ઇશ્વર તેમને કહેવા માગે કે હુ દરેક પરિસ્થીતીમા અને દરેક સમયે તમારી સાથે જ છું. હુ મારી ક્રુપા તમારા ઉપર ઉતારતો જ રહીશ. તમને શાંતી હો.

આપણે જુના કરારની વાત જોઇ, હવે નવા કરારની વાત જોઇએ. આ પ્રેમની કહાની આટલેથી જ અટકતી નથી. ઇસુ આ પ્રેમની કહાનીને દ્રષ્ટાંતકથા દ્વારા આપણી સમક્ષ રજુ કરે છે. લુકના ગ્રંથમાં અધ્યાય ૧૫ માં એક એવા દીકરાની વાત થઇ છે જે પોતાના બાપની વારસમા મળેલી સમગ્ર સંપત્તિ અમન ચમનમાં ઉડાડી મૂકે છે. બાઇબલની આ દ્રષ્ટાંતકથા જો કે “ઉડાવ દીકરો” ના નામે પણ ઓળખાય છે. પરંતુ આમ જોઈએ તો આ વાત એક ઉડાવ પિતાની છે જે પોતાના દીકરાના પ્રેમમાં પોતાનું સર્વસ્વ લૂંટાવી મૂકે છે. ઇસુ “ખોવાયેલો દીકરો” ના દ્રષ્ટાંતકથા દ્વારા આપણને ફરીથી જુના કરાર તરફ લઈ જઇ આદમ અને હેવાની વાતનો અંગુલિનિર્દેશ કરે છે. જૂના કરારના પાત્રો આદમ અને હેવા કે જેઓ ખોવાયેલા દીકરો અને દીકરી સમાન હતા અને જેમને માટે ઇશ્વર પોતાના હાથે ચામડાનાં વસ્ત્રો તૈયાર કરી તેમને પહેરાવે છે તેવી જ રીતે ખોવાયેલા દીકરાની વાતમાં દીકરો પાછો ફરતા બાપ પોતાના નોકરોને કહે છે કે જલ્દી કરો સારામાં સારો પોશાક લાવી તેને પહેરાવો. ફરીથી બંને કરારની વાતોમાં એક બાબતની સામ્યતા છે જેમા ઇશ્વરનુ કહેવુ કે હુ દરેક પરિસ્થીતીમા અને દરેક સમયે તમારી સાથે જ છું. હુ મારી ક્રુપા તમારા ઉપર ઉતારતો જ રહીશ. તમને શાંતી હો.

આ પણ વાંચો – ચાલો જીવનને એક પ્રશ્નથી શરૂઆત કરીએ. – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

આ પ્રેમ હવે શિરોબિંદુ ઉપર પહોંચે છે. ઇસુએ ત્રણ વર્ષ સુધી પોતાના જાહેર જીવન થકી લોકહીતાર્થે વિવિધ કાર્યો કર્યા. અંતે ઇસુ સમગ્ર માનવજાતિ માટે પોતાના પ્રાણ ક્રુસ ઉપર આપી દે છે. સજીવન થયેલા ઇસુનો લોકો પ્રત્યેનો પ્રેમ એટલો જ અકબંધ છે. સજીવન થયેલા ઇસુ જે પાત્રોને મળે છે તેમને દરેકને નજીકથી જાણવા પ્રયત્ન કરીએ. આપણને એક બાબતની જરુરથી અનુભુતી થશે કે આ બધા જ પાત્રો જીવનની મુશ્કેલીમા તુટી ગયેલા પાત્રો છે. આશા ગુમાવી બેઠેલા આ પાત્રોમા કુટીકુટીને નિરાશા ભરેલી છે. આપણે જો ધ્યાનથી વાંચીશુ તો માલુમ પડશે કે ઇસુએ એકથી વધારે વાર જઇને આ પાત્રોને આશ્વાસનના શબ્દો આપતા તેમને કહેવુ પડ્યુ છે કે, “તમને શાંતી હો”. આમ ઇસુ લોકોમા ફરીને ફરી આશા જગાવવાનુ કાર્ય ચાલુ જ રાખે છે.

આજે બે હજાર વર્ષના વ્હાણા વીતી ગયા. ઇસુએ આ વર્ષો દરમ્યાન લોકોને તેમની વિવિધ સમસ્યાઓમાથી મુક્ત કરી શાંતી અર્પતુ કાર્ય ચાલુ જ રાખ્યુ છે. આદમ અને હેવા તેમજ ખોવાયેલા દીકરાના જીવનમા જે ઇશ્વર એક પ્રેમાળ પિતાની જેમ પ્રવેશે છે, તેમ મુશ્કેલીરુપ કોરોનાના આ કાળમા બંધ રુમમા ભરાયેલા આપણી પાસે સજીવન થયેલા ઇસુ એક આશ્વાસનરુપે ચોક્કસ આવશે જ, અને કહેશે કે, “તમને શાંતી હો.” આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા, અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત. મોબાઇલ : 8469491502

Leave a Reply

%d bloggers like this: