‘બાબા કા ઢાબા’ : કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, મોડી રાત્રે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

દિલ્હી : કોરોના કાળમાં ચર્ચામાં આવેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં રહેતા કાંતા પ્રસાદે દારૂ પીને ઉંઘની ગોળી ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આ ઘટના ગુરૂવાર રાત્રે 10 વાગ્યાની છે. જ્યારે કાંતા પ્રસાદે દારૂના નશામાં ઉંઘની ગોળી ખાઇ લીધી હતી. કાંતા પ્રસાદને મોડી રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અત્યારે બાબા કાંતા પ્રસાદ ખતરાની બહાર છે. પોલીસને હોસ્પિટલ પાસેથી આ મામલે જાણકારી મળી હતી. દિલ્હી પોલીસના ડીસીપી સાઉથ અતુલ ઠાકુરે નિવેદન આપ્યુ છે કે 80 વર્ષના કાંતા પ્રસાદને મોડી રાત્રે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાંતા પ્રસાદે દારૂ પીધો હતો અને ઉંઘની ગોળી ખાઇ લીધી હતી. કાંતા પ્રસાદના પુત્રનું નિવેદન લઇ લેવામાં આવ્યુ છે, આ મામલે તપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઇએ કે દિલ્હીના માલવીય નગરમાં ઢાબા ચલાવનારા કાંતા પ્રસાદ ગત વર્ષે અચાનક ચર્ચામાં આવી ગયા હતા. જ્યારે એક યૂ ટ્યુબર ગૌરવે તેમના ઢાબાનો વીડિયો બનાવ્યો હતો ત્યારે તેમનું વેચાણ ઘણુ ઓછુ હતું. વીડિયો વાયરલ થતાની સાથે જ કાંતા પ્રસાદ રાતો રાત સ્ટાર બની ગયા હતા. જોકે, બાદમાં કાંતા પ્રસાદ દ્વારા ગૌરવ પર છેતરપિંડીંનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. યુ ટ્યુબર ગૌરવ વાસને કાંતા પ્રસાદને મળીને મનદુખ દુર કર્યુ હતું. ગૌરવ પર લગાવવામાં આવેલા આરોપો બાદ મોટી સંખ્યામાં લોકોએ બાબા કા ઢાબા પર જવાનું બંધ કરી દીધુ હતું. જે બાદ કાંતા પ્રસાદે માફી પણ માંગી લીધી હતી. એવામાં ગૌરવ વાસને ત્યા પહોચીને મનદુખ દૂર કર્યા હતા અને કહ્યુ હતું કે માફ કરનારો હંમેશા મોટો જ હોય છે પરંતુ હવે આ મુલાકાતના કેટલાક દિવસ બાદ જ કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.

Leave a Reply

%d bloggers like this: