આત્મા જોડે પવિત્ર આત્માને જોડી પરમાત્માને મળવું – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

આવો, આવો, પરમ પવિત્ર હે આતમ,
મન મંદિરિયે આવો,
અમ હૈયાને તેજ ભરી છલકાવો. આવો.
 
તમે ખરેખર છલછલ છલક્યાં,    
જીવનજલનો ફુવારો,
હેજી જીવંત જલનો ફુવારો.
અઢળક શાતા અર્પે અમને
મધુમય પ્રેમ તમારો,
હેજી, મધુમય પ્રેમ તમારો.
સાત સાત ગુણોની અનેરી
તમ પાસે છે લ્હાણી,
હેજી તમ પાસે છે લ્હાણી,
સહુમા રમતી પરમેશ્વરની
શક્તિ તમને જાણી

આવો, આવો, પરમ પવિત્ર હે આતમ.

બાળપણથી જ દાદાનું મન તેમના પૌત્ર ઉપર લાગેલું હતું. દાદાજીનું પૌત્ર ઉપરના ખાસ હેતનુ કારણ તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો કે તે દેખાવમાં ખૂબ જ સુંદર હતો જેવા કારણોસર નહીં પરંતુ બાળપણથી જ તેને કુસ્તીની રમતનો ખૂબ જ શોખ. દાદાને લાગતું કે તેમનો દીકરો તો કુસ્તીની રમતમાં પોતાની જેમ આગળ ન વધી શક્યો પરંતુ આ પૌત્ર જરૂર આગળ વધશે. એક જમાનાના અઠંગ કુસ્તીબાજ એવા દાદા, પૌત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ કુસ્તીના દાવપેચ શીખવાડતા ગયા. અઢાર વર્ષની ઉંમરે પહોંચતાં તો પૌત્ર ખરેખર દાદાની જેમ કુસ્તીનો એક અઠંગ ખેલાડી બની ગયો. કુસ્તીમાં તેની સંગતના કોઈ જ તેને હરાવી શકે તેમ હતા નહીં. અને આમ રમતના છ કોઠાની સૂઝ તેનામા આવી ગઈ. આ સર્વકાઇ માટે દાદાની સખત મહેનતનો ફાળો પણ અનન્ય હતો.

દાદાએ પોતાના પૌત્રને રમતમાં જો કોઈ મોટામાં મોટી વસ્તુ શીખવાડી હોય તો એ તે હતી કે હંમેશા પોતાની જાત પ્રત્યે હકારાત્મકતા લઇને ચાલવું. તે કહેતા કે રમતના મેદાનમા પ્રવેશતાની સાથે જ પોતાની જાતને હંમેશા વિજેતા અને મહાન ખેલાડી તરીકે જુઓ. આજની રમતમાં તો હું જ જીતવાનો તેવા પ્રકારનો હકારાત્મક અભિગમ.
જોકે આ વાત થઇ હકારાત્મક વિચારસરણીની. જીવનના દરેક પાસામાં હકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે પરંતુ એકલી હકારાત્મક વિચારસરણી જીવનમાં સફળતા લાવી શકતી નથી. આખો દિવસ પોતાની જાતને કહ્યા કરવું કે “આખા ક્લાસમાં હું જ હોશિયાર છું અને આ વખતે હું જ પ્રથમ શ્રેણી લાવીશ” આપણને કદી પણ પ્રથમ શ્રેણીમાં પહોચાડતુ નથી. પ્રથમ શ્રેણી લાવવા જરુરી છે અથાગ પરિશ્રમની. દાદાએ પૌત્રને એ વાત પણ જરૂરથી શીખવી હતી કે ફક્ત પોતાની જાતને મહાન વિજેતા કહી દેવાથી સફળતા મળતી નથી પરંતુ તે માટે સખત પરિશ્રમ પણ એટલો જ જરૂરી છે.
પૌત્ર પણ પોતાનો મોટા ભાગનો સમય કસરતમા અને દાદાએ શીખવેલ દાવપેચને રમતમાં કેવી રીતે વાપરવા તે માટે ગાળતો. *આમ પૌત્ર હવે એટલો તો સ્પષ્ટ હતો કે હકારાત્મક વિચારસરણીથી સફળતાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ હકારાત્મક વિચારસરણીની સાથેસાથે હકારાત્મક પ્રયત્નોથી કાર્યને જો કરવામાં આવે તો સફળતાની શક્યતા વધુ પ્રબળ બને છે.*

દર વર્ષની જેમ આ વર્ષે પણ કુસ્તીની સ્પર્ધા ગોઠવવામાં આવી. જુદા જુદા ગામોમાંથી રમતવીરોએ પોતાના નામ નોંધાવ્યા. પૌત્રએ પણ આ સ્પર્ધા માટે પોતાનું નામ લખાવ્યું અને તે માટેની તૈયારીમાં લાગી ગયો. જેમ દિવસો નજીક આવતા ગયા તેમ તેમ રમતવીરોની ઇંતેજારી અને ઉત્સુકતા વધવા લાગી. અંતે નિશ્ચીત તારીખે રમતની શરૂઆત થઈ. પૌત્રએ ઘણા રમતવીરો સાથે રમતમાં ઉતારવાનું થયું અને તેણે બધાને ધૂળ ચાટતા કરી દઇ વિજેતા બન્યો. પરંતુ હજુ પણ અગત્યની એવી ફાઇનલ મેચ બાકી હતી.

દરેક મેચની જેમ ફાઇનલ મેચ પણ શરૂ થઈ. પૌત્ર માટે આ મેચ જીવનની ખૂબ જ અગત્યની મેચ હતી. આજે ફાઇનલ મેચમાં જીતીને પોતે શ્રેષ્ઠ અને મહાન બનવાનુ છે. દાદાના આશીર્વાદ લઇ છ કોઠાના સંપૂર્ણ જ્ઞાન સાથે તે રમતના મેદાનમાં ઉતર્યો. મેચની શરૂઆતમાં જ સામેના પ્રતિસ્પર્ધી દ્વારા પૌત્રને એવા તો દાવપેચથી ઉઠાવીને આકાશમા ઉંચો કરી દેવાયો કે તેને કંઈ સમજમાં જ ન આવ્યુ. હજુ કંઈ વધુ સમજવા-વિચારવા જાય તે પહેલા તો પ્રતિસ્પર્ધીએ તેને હવામાં ઉછાળીને જમીન પર એવો તો પટકયો કે જાણે તેના હોશ જ ઉડી ગયા. *હજારો વખત પોતાની જાતને કહેનાર કે હું જ મહાન અને આજની મેચમાં વિજેતા હુ જ બનવાનો છું તે આજે નિશ્ચેતન બની જમીન ઉપર પડેલ છે. વળી જીવનના આટલા વર્ષોની સખત મહેનત પણ આજે નિષ્ફળતાનો સ્વાદ લઈ રહી છે. આજે નથી કામ આવતી હકારાત્મક વિચારસરણી કે અત્યાર સુધી કરેલ સખત મહેનત.* એક બાજુ પૌત્રનુ એક નિસ્તેજ શરીર જમીન પર પડેલ છે અને સામે પક્ષે પહેલવાન પોતાના હાથ ઉંચા કરી વિજયની કિકીયારી કરી રહ્યો છે. અને ત્યાં જ પૌત્રેનો હાથ ધુળમા ફરવા લાગ્યો. તેના શરીરમાં ધીમે ધીમે એક ચેતના આવતી ગઈ અને ગણતરીની સેકન્ડોમાં તો તે પ્રતિસ્પર્ધીઓની સામે ઊભો થઈ ગયો. પ્રતિસ્પર્ધીને એટલા જ જુસ્સામાં ઊચકીને તેણે તેને જમીન પર પછાડ્યો કે પ્રતિસ્પર્ધી ફરીથી ઊઠવા અસક્ષમ થઇ ગયો. અને આમ હારેલી બાજીને પૌત્રએ હાથ ઊંચા કરી જીતમાં પલટાવી દીધી.

તે દિવસે સાંજે એકાંતમાં દાદાએ પૌત્રને તેની જીતનું કારણ પૂછ્યું. પૌત્રએ દાદાને જવાબ આપતા કહ્યું કે તમે મને છ કોઠાની રમત શીખવી હતી. જ્યારે રમતના મેદાનમાં મારા પ્રતિસ્પર્ધીએ મને જમીન ઉપર ઊંચકીને પટક્યો ત્યારે હું ખરેખર બધી જ રીતે હારી ગયો હતો. *અને ત્યાં જ મારા શરીરમાંથી એક અદ્રશ્ય શક્તિ મારી સામે આવીને મારું મનોબળ વધારતાં કહ્યું કે ઉઠ, કારણ તું મહાન ખેલાડી છે અને આજની મેચમા તારો જ વિજય થશે.  મારા અંતરમાંથી આવતા આ અવાજે મને ઢંઢોળી નાખ્યો. હું ફરીથી બેઠો થઇ હારેલી બાજીને જીતી ગયો. મારા અંતરાત્માએ મને એ સાત કોઠાની રમતમા છેલ્લા કોઠાની રમત પણ શીખવી દીધી. આ સાતમો કોઠો એટલે મુશ્કેલીના સમયમા અંતરાત્માને કરેલી મદદ માટેની હાકલ અને  અંતરાત્માની તે માટેની ત્વરીત મદદ.*

ઇસુના પુનરુત્થાનથી તેમના સ્વર્ગારોહણ વચ્ચેનો સમયગાળો ચાળીસ દિવસનો છે. આ ચાળીસ દિવસોમાં ઇસુનો મગદલાની મરિયમ, પોતાના શિષ્યો કે જેમાં પીતર, થોમા અને એમ્માઊસના બે શિષ્યો સાથેનો મિલાપ ખરેખર અવિસ્મરણીય છે. ઈસુ સાથે કામ કરતા આ પાત્રોને આમ જોઈએ તો તે બધા જ એક હાકલને અનુસરીને ઈસુમાં પોતાનો આશરો લે છે. સાથેસાથે દરેક પાત્ર કોઇક ને કોઇક રીતે દુન્યવી બાબતોથી કદાચ ભાંગેલુ તુટેલુ  છે. ઇસુ પોતાના પુનરુત્થાન પછી આ દરેક પાત્રને મળે છે. પાત્રને મળતાની સાથે જ ઈસુના મુખમાંથી પ્રથમ વાક્ય નીકળી આવે છે કે તમને શાંતિ હો.

પરંતુ હવે ઇસુ પોતાનુ દુન્યવી જીવન પુરુ કરી પોતાના લોકોથી વિદાય લઈ રહ્યા છે. ઇસુ સામાજિક, આર્થિક, ધાર્મિક અને માનસિક રીતે તૂટી પડેલા લોકોને એકલા અટુલા મુકીને નહી પરંતુ  એમની મધ્યે એક બેલી મૂકીને વિદાય લે છે. આ બેલી એટલે કે પવિત્ર આત્મા. આ પવિત્ર આત્મા આપણા આત્મા સાથે એકરૂપ બને છે જ્યારે આપણે આપણા ચિંતન મનન દ્વારા કે પછી પ્રાર્થનાઓ દ્વારા પરમાત્મા સાથે વાત કરીએ છીએ. આત્મા સાથે એકરૂપ બનેલ પવિત્ર આત્મા આપણો વાર્તાલાપ ઈશ્વર સુધી લઇ જાય છે. ચોક્કસ આ વાર્તાલાપ કોઈપણ પ્રકારનો હોઈ શકે, જીવનની સફળતાનો કે જીવનની નિસ્ફળતાનો.  આ વાર્તાલાપ જીવનના તૂટેલા તારોને ફરીથી જોડીને સુંદર સંગીત ઊભુ કરે છે તો વળી જીવનના સાત કોઠાની રમતને શીખવીને આપણને પૂર્ણ બનાવે છે. જરૂર છે આત્મા જોડે પવિત્ર આત્માને જોડી  પરમાત્માને મળવું. આમીન.

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

%d bloggers like this: