શું ‘પ્રોટોકોલ’નો અર્થ સત્ય છૂપાવવાનો અને જવાબદારીથી ભાગવાનો છે?

રમેશ સવાણી ( ભુતપૂર્વ IPS ) – કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે થતાં મોતથી હાહાકાર મચી ગયો છે; એ સંદર્ભમાં; વડાપ્રધાને કોવિડ-19 પ્રભાવિત 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 23 એપ્રિલ 2021 ના રોજ વીડિયો કોન્ફરન્સ યોજી હતી. તેમાં દિલ્હીના CMએ આ વાતચીત ‘લાઈવ’ કરી હતી. ચાલુ મીટિંગે વડાપ્રધાનનું અંગત સ્ટાફે ધ્યાન દોર્યું કે દિલ્હીના CMએ મીટિંગ ‘લાઈવ’ કરી છે. વડાપ્રધાને કહ્યું કે “આ પ્રકારની ખાનગી વાતચીત લાઈવ કરીને દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રોટોકોલનો ભંગ કર્યો છે !”

આખો દેશ કોરોના ડરના કારણે નહીં આરોગ્ય સેવાના લકવાના કારણે ધ્રૂજી રહ્યો છે. સરકારી આંકડા મુજબ દેશમાં, 22 એપ્રિલ 2021ના રોજ, કોરોના વાયરસ સંક્રમિત કેસ રોજના 3 લાખથી વધુ છે, અને 2,263 થી વધુ મોત થયા છે; પરંતુ સાચી સંખ્યા તો જુદી જ છે. રોજના 3 લાખ નહીં 30 લાખ કેસો થઈ રહ્યા છે; રોજના 2263 નહી પરંતુ તેનાથી દસ ગણાથી વધુ મોત થઈ રહ્યા છે ! દેશના અનેક ભાગમાં કર્ફ્યુ/નાઈટ કર્ફ્યુ/સ્વૈચ્છિક લોકડાઉન ચાલુ છે. શારીરિક દૂરી અને એકઠા ન થવા ઉપર જોર આપવામાં આવે છે. પોલીસ તેનો કડકાઈથી અમલ કરાવે છે. રીક્ષાચાલકો/શાકભાજી વેચનારાઓ/ શ્રમિકો ઉપર લાઠીચાર્જ થાય છે; સાયકલ ઉપર દવા લઈને જતા નાગરિકને પોલીસ ઘસડીને માર મારે છે. કોલેજ/સ્કૂલ બંધ છે. 10 અને 12 ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી દીધી છે. બનારસ/અલ્લાહબાદ/લખનૌ/ભોપાલ/સુરત વગેરે શહેરોના સ્મશાનોમાં લાશોને અંતિમવિધિ માટે 18-18 કલાક રાહ જોવી પડે છે. અંતિમ સંસ્કાર ફૂટપાથ ઉપર અને ખેતરમાં થઈ રહ્યા છે ! આ સ્થિતિમાં હરિદ્વારમાં 35 લાખ લોકો કુંભમેળામાં એકઠાં થાય છે ! શું આ ‘પ્રોટોકોલ’ ભંગ નથી? પ્રોટોકોલ તો એ છે કે જે કહીએ તેનું આચરણ કરીએ. ‘દો ગજ કી દૂરી, માસ્ક હૈ જરુરી’નો ઉપદેશ આપનાર વડાપ્રધાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ/સભાઓ યોજે અને ભાડાની ભીડ જોઈને આનંદિત થઈ ઊઠે છે. વડાપ્રધાન ‘દૂર-દૂર સુધી નજરે પડતી અપાર ભીડ’ સમક્ષ ‘દીદી ઓ દીદી’ કહીને અત્યંત અશોભનીય અને અશ્લીલ મજાક કરે છે; તેમાં પ્રોટોકોલ ભંગ થતો નથી? સંક્રમિતોના અને મોતના આંકડા છૂપાવવા એ સરકારનું કામ છે? શું આ પ્રોટોકોલ ભંગ નથી? ‘પ્રોટોકોલ’ મુજબ તો કોરોના મહામારીના સમયમાં વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ; કેમ કરી નહીં? ત્રણ કૃષિ કાયદાઓ જો કિસાનોને આઝાદી આપવા માટે હોય તો પ્રેસ કોન્ફરન્સ કેમ ન કરી? નોટબંધી કરી/લોકડાઉન કર્યું; પ્રેસ કોન્ફરન્સ કેમ ન કરી? સમગ્ર દેશને સ્પર્શતા કોઈ મુદ્દે વડાપ્રધાન શામાટે પ્રેસ કોન્ફરન્સ કરતા નથી? લોકશાહી દેશના વડા પ્રેસ કોન્ફરન્સથી ડરે?

વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યમંત્રીઓ વચ્ચેની વાતચીતમાં એવું તો શું હતું કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને આંચ આવે? કોરોના સામેની લડાઈનો પૂરો એકશન પ્લાન પૂરી પારદર્શિતા સાથે દેશ સામે હોય તે જરુરી છે તેવા સમયે કેન્દ્ર સરકાર ગુપ્તતા/ગોપનીયતા ઉપર ભાર મૂકે તે વિચિત્ર લાગે છે. સંસદની કાર્યવાહી લાઈવ પ્રસારિત થાય છે ત્યારે કોરોના મહામારીને નાથવા મીટિંગ યોજાય તેને ખાનગી રાખવાની શી જરુર? ‘ખાનગી’ રાખવાનો અર્થ સત્ય છૂપાવવાનો અને જવાબદારીથી ભાગવાનો છે ! ‘પ્રોટોકોલ’ તો બહાનું છે !rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *