ક્લ્પનાઓની દુનિયામાં : જો પૃથ્વીબેન આરામ કરવા બેસે તો? – ડો. રૂશ્વી ટેલર

– ડો. રૂશ્વી ટેલર : બે દિવસ પહેલા અમે સપરિવાર બહાર જતા હતા. સાંજનો સાત આસપાસનો સમય હતો. બંને દીકરાઓને મેં કહ્યું, જુઓ સૂર્ય આથમી રહ્યો છે, કેટલો મસ્ત લાગી રહ્યો છે. મોટો દીકરો આદિ જે 4th માં ભણે છે, એણે જોરથી હસીને કહ્યું, મમ્મા, સૂર્ય નથી આથમી રહ્યો, એ તો ત્યાં જ છે. આપણી અર્થ ફરી રહી છે. પછી અમે બીજી વાતો કરવા લાગ્યા. લગભગ દસેક મિનિટ પછી જોયું તો સૂર્યાસ્ત સમયનો પ્રકાશનો લિસોટો માત્ર હતો, સૂર્ય ડૂબી ગયો હતો(પૃથ્વી થોડું વધારે ફરી). મારું ધ્યાન ગયું, હું બોલી અરે જો થોડી વારમાં જ સૂર્ય આથમી ગયો. આદિએ કહ્યું, આ mother-earth ને બહુ તકલીફ બિચારીને, ફર્યા જ કરવાનું, ફર્યા જ કરવાનું. એને ચક્કર નહિ આવી જતા હોય? કોઈકવાર આરામ કરવા એણે થોડીવાર ફરવાનું બંધ કરવું જોઈએ. તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે કોઈકવાર પૃથ્વી કંટાળે કે, આ શું ગોળ ગોળ ફર્યા કરવાનું? આજે તો નથી ફરવું, આજ મસ્ત ખા પી કે આરામ કરેંગે!

જો પૃથ્વીબેન આરામ કરવા બેસે તો.

જ્યાં રાત હોય ત્યાં રાત અને દિવસ હોય ત્યાં દિવસ સ્થગિત થઈ જાય. જ્યાં દિવસ સ્થગિત થઈ ગયો હોય ત્યાં નોકરીએ ગયા હોય એ લોકો વિચાર્યા કરે કે અલ્યા આ અંધારું કેમ નથી થતું, છૂટીને ઘેર ક્યારે જઈશું? મમ્મીઓ આખો દિવસ કામ કરીને થાકી હોય, અને સુર્યની સામે તાકીને જોઈ રહે કે, આ મુઓ આથમે તો હું ઊંઘ ભેગી થાઉં. મસ્ત મજાનું અજવાળું હોય એટલે બધા જાગતાં જ હોય, બે વાર જમ્યા હોય તો ય ફરી ભૂખ લાગે અને ફરી રસોડા ધમધમે ને કેટલાક લોકો બહાર ખાવા નીકળી પડે. જ્યાં રાત અટકી પડી હોય, ત્યાં આઠ દસ કલાકની ઊંઘ પછી ય અંધારું જોવા મળતા, મારાં જેવા આળસુ લોકો રજાઈ ઓઢીને પાછા સૂઈ જાય. જેના બીજા દિવસે લગ્ન હોય કે ઓફિસમાં પ્રમોશન મળવાનું હોય, એ હરખપદુડા થઈને કાગડોળે સૂર્યોદય થવાની રાહ જોઈને બેઠા હોય. અંધારામાં આંખો ચોળી ચોળીને ઘડીકમાં ઘડિયાળ જોયા કરે, ને ઘડીકમાં બાલ્કનીમાં જઈને સૂરજદાદાને ગોતે. બે ચાર દિવસ પછી મીડિયાના પ્રતાપે જાણવા મળે કે પૃથ્વીબેન તો આરામ પર ઉતર્યા છે, એટલે પૃથ્વીવાસીઓ જુગાડ કરવા મંડી પડે. જ્યાં સવારકુમારે ધામાં નાખ્યા હોય ત્યાં અપારદર્શક પડદાનું માર્કેટ ઊંચું આવી જાય. અને જ્યાં રાત્રીકુમારીએ રાતવાસો કર્યો હોય ત્યાં એલઈડી લાઈટ અને ટોર્ચનો ધંધો ધમધોકાર ચાલવા માંડે. બધાને લિટરલી કુંભકર્ણની ફિલિંગ આવે, છ મહિના દિવસ અને છ મહિના રાત!

જોક અપાર્ટ, જો સાચે પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે તો શું થાય?

ઉપર જે વર્ણન કર્યું, એમાંનું કશું નહીં. ચાલો જાણીએ,
પૃથ્વી બે પ્રકારના ચક્કર લગાવે છે. એક પોતે પોતાની ધરી પર ફરે છે, જે 24 કલાકમાં એક ચક્કર પૂરું કરે છે. બીજું સુર્યની આસપાસ ચક્કર લગાવે છે, જે 365/366 દિવસે પૂરું કરે છે. જો પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું બંધ કરી દે તો, થોડી જ સેકંડોમાં બધા મહાસાગરનું પાણી આખી પૃથ્વી પર ફરી વળે. સાત મહાખંડોની દિશા, જગ્યા, સાઈઝ બધું બદલાઈ જાય. પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળને કારણે મોટી મોટી બિલ્ડિંગ થોડી જ ક્ષણોમાં જમીનભેગી થઈ જાય. મોટા મોટા ભૂકંપ અને સુનામીઓ આવવા લાગે. પૃથ્વીની અડધા કરતા વધારે જીવિત વસ્તી થોડી સેકન્ડમાં જ મરી જાય(માણસો, પ્રાણીઓ,પક્ષીઓ) બીજા બચ્યા હોય એમનો જીવનકાળ પણ થોડા કલાકોમાં પૂરો થઈ જાય. નોર્થ પોલ અને સાઉથ પોલ પોતાની જગ્યાથી ખસી જાય. થોડા સમય પછી, એક બાજુનો ભાગ સૂર્યપ્રકાશ ના મળવાના કારણે પૂરેપૂરો બરફમાં ફેરવાઈ જાય. અને બીજી બાજુ તીવ્ર સૂર્યપ્રકાશને કારણે બળી જાય. મતલબ, પૃથ્વી પરના સજીવોનો અંત આવી જાય. ડરી જવાયું, નહિ? ચિંતા ના કરો, હજી બીજા કરોડો પ્રકાશવર્ષ સુધી પૃથ્વીબેન આરામ કરવા રોકવાના નથી. આ તો થોડી કલ્પનાઓ કરી. મજા કરો.

INPUT- પૃથ્વી જ્યારે ગોફણની જેમ સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એ બહુ ફાસ્ટ ગોળ ફરતી હતી, લાખો વર્ષ પછી ધીમે ધીમે એની સ્પીડ ઓછી થઈ, જે હજી પણ ઓછી થઈ રહી છે. બહુ નહિ, 500 થી 600 દિવસે એક સેકંડ જેટલી!

લેખ : – ડો. રૂશ્વી ટેલર 

One thought on “ક્લ્પનાઓની દુનિયામાં : જો પૃથ્વીબેન આરામ કરવા બેસે તો? – ડો. રૂશ્વી ટેલર

Leave a Reply

%d bloggers like this: