ચમચાગીરીનું આભ ફાટ્યું !

રમેશ સવાણી : ભુતપૂર્વ IPS ઓફીસર : 12 જુલાઈ 2021ના રોજ, હિમાચલમાં આભ ફાટ્યું અને પ્રવાસીઓના વાહનો તણાઈ ગયાં ! બે દિવસથી સત્તાપક્ષની ચમચાગીરીનું આભ ફાટ્યું છે અને લોકમાનસ તણાઈ રહ્યું છે ! શરમ પણ તણાઈ ગઈ છે ! વડાપ્રધાનનો આભાર માનતી જાહેરખબરનું પૂર અખબારોમાં આવ્યું છે. શામાટે આભાર માનવમાં આવ્યો છે? શું વડાપ્રધાને કોઈ ઐતિહાસિક કામ કર્યું છે? જાહેરખબરમાં કહ્યું છે કે “ભારત સરકારમાં ગુજરાતના તમામ સામાજિક ક્ષેત્રના નેતૃત્વને મહત્વનું સ્થાન આપી ગુજરાત પરનાં વિશ્વાસને બુલંદ કરવા બદલ આભાર !” આભાર માનનાર લેઉવા પટેલ જ્ઞાતિ/કડવા પટેલ સમાજ/દક્ષ વાટલિયા પ્રજાપતિ સમાજ/લોહાણા સમાજ/સથવારા સમાજ/વૈષ્ણવ સાધુ સમાજ/માલધારી સમાજ/આહિર સમાજ/ગુર્જર સુથાર જ્ઞાતિ/મોચીસમાજ/ગઢવી સમાજ/વાલ્મીકિ સમાજ/લુહાર સમાજ/દેવીપૂજક સમાજ/વણકર સમાજ/સીંધી જનરલ પંચાયત /કોળી સમાજ/ચુવાળિયા ઠાકોર સમાજ/ખરક સમાજ/સોની સમાજ/ગરાસિયા સમાજ/બ્રહ્મ સમાજ/કારડિયા રજપૂત સમાજ/વાણંદ જ્ઞાતિ/સ્થાનકવાસી જૈન સમાજ/જૈન શ્વેતાશ્વર મૂર્તિપૂજક તપાસ સંધ/દાઉદી વોરા સમાજ/મુસ્લિમ ઘાંચી સમાજ/ખોજાશીયા સમાજ/કચ્છ સમાજ/દલિત સમાજ/જ્ઞાતિ ‘સેના’ઓ અને છેલ્લે રાષ્ટ્રીય એકતા મંચ ! સવાલ એ છે કે જુદા જુદા સમાજો સાથે ‘રાષ્ટ્રીય એકતા મંચ’ કઈ રીતે કામ કરતો હશે?

આ પણ વાંચો : સારા શિક્ષણના આધારે જ સારી કારકિર્દીનો પાયો બને છે – બકુલા સોલંકી

11 જુલાઈ 2021 ના રોજ ‘સંદેશ’ અખબારમાં ‘ધી ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંક લિ.’ની ફૂલ પેઈજની જાહેરખબર છે; વડાપ્રધાન અને ગૃહપ્રધાનના ફોટા છે. ‘દેશના સહકારી માળખાને મજબૂત કરવા સહકાર મંત્રાલય શરુ કરવા બદલ વડાપ્રધાનનો/ગૃહપ્રધાનનો આભાર’ માન્યો છે. મફત રસીનાં નામે આભાર માનતી જાહેરાતોનો ઓવર ડોઝ ચાલુ હતો ત્યાં રસી ખૂટી પડી ! હવે બીજો ઓવર ડોઝ ચાલુ થયો છે. કૃષિ સાથે સહકાર મંત્રાલય જોડાયેલું હતું જ ,હવે અલગ કર્યું તો તેમાં વડાપ્રધાનનો ફોટા સાથે આભાર માનવાનો? એ પણ થાપણદારોનાં પૈસે? બીજી એક જાહેરખબરમાં ‘ગુજરાતની જનતા તરફથી’ વડાપ્રધાનનો આભાર આ શબ્દોથી માન્યો છે : કર્તવ્યનિષ્ઠા/કર્તવ્યપારાયણતા/કાર્યદક્ષતા/કર્મયોગી ! માત્ર શબ્દોના સાથિયા ! આભાર માનનારાઓમાં સુરતના મોટામોટા ડાયમંડના વેપારીઓ; મોટામોટા બિલ્ડર્સ; જુદાજુદા સમાજના આગેવાનો છે. સવાલ એ છે કે આ મોટીમોટી ટોપીઓએ; ‘ગુજરાતની જનતા’ વતી આભાર માનવાનો અધિકાર કેમ ઝૂંટવી લીધો હશે?

કેવી ચતુરાઈ ! બધાં સમાજ ખુશખુશ ! જાણે સુવર્ણયુગ તપી રહ્યો છે ! કોરોના મહામારીની બીજી લહેરમાં હોસ્પિટલ/બેડ/ઈન્જેક્શન /દવાઓ/વેન્ટિલેટર/ઓક્સિજન /ડોક્ટર્સ/મેડિકલ સ્ટાફના અભાવે જેમના મોત થયા તે ક્યા સમાજના હશે? શું આ મોત ભૂલાઈ ગયા હશે? શું આ મોત ઉપર ઢાંપિછોડો કરવા માટે જ આ જાહેરખબરોનું પૂર આવ્યું હશે?rs

One thought on “ચમચાગીરીનું આભ ફાટ્યું !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *