આખરે, અમારો વિકાસ ક્યાં? – કાજલ ચૌહાણ

કાજલ ચૌહાણ : આજે દેશ આપણે વિચારીએ છીએ એના કરતાં પણ પૂરઝડપે આગળ વધી રહ્યો છે અને એની આ રફતારમાં જે વચ્ચે આવે કે નડતરરૂપ બને તેને તોડીને ફેંકી દેવામાં આવે છે. આખરે સરકાર નાના નાના લોકોનું વિચારવામાં રહેશે તો વિકાસ ક્યારે કરશે ?

….અને આવું જ કંઈક બની રહ્યું છે, અમારી આસપાસ, અમારી નજર સામે છતાં તમે જોઈ ન શકો એ રીતે…

બંધારણમાં દરેક વ્યક્તિને પોતાની રીતે સ્વતંત્ર જીવવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર છે, પરંતુ અમને એવું લાગી રહ્યું છે કે જાણે અમારા આ હકો પર સરકારની મરજી પરાણે લાદી દેવામાં આવી છે.

હું છું એક આદિવાસી, જંગલમાં રહેતો મૂળ નિવાસી, પર્યાવરણ સાથે તાલમેલ સાધીને તેને નુકસાન ન થાય તે રીતે જીવન ગુજારતો માનવી. અમારી સંસ્કૃતિ પ્રકૃતિમાંથી જન્મી છે અને તેની સાથે જોડાયેલી છે, વર્ષોથી અમે આ કુદરતની પૂજા કરતા આવ્યા છીએ. કદાચ કુદરત સાથે અમે એટલા તલ્લીન થઈ ગયા કે જેમ જેમ વિકાસ થતો ગયો એમ અમારા અને તમારા (એલિટ કલાસ-બહારથી આવીને વસેલી પ્રજા) વચ્ચેનું અંતર વધતું ગયું. અમે અમારું રહેઠાણ છોડીને શહેરોમાં પહોંચી ન શક્યા અને વિકાસ અમારી સુધી પહોંચી ન શક્યો અને આ ખાઈ દિવસે ને દિવસે ઊંડી થતી ગઈ. શહેરો સાથે અમારું કમ્યુનિકેશન ખાસ થયું નહિ, અમારું જીવન, સભ્યતા, બોલી તમારી શહેરીકરણની વ્યાખ્યામાં ફિટ ન થઈ. કદાચ એટલે જ વિકાસમાં અમને ક્યાંય સ્થાન મળ્યું નહિ. પરંતુ હવે વિકાસ બંધો, વિવિધ યોજનાઓરૂપી અવનવા ચહેરાઓ ધારણ કરી અમારા રહેઠાણમાં ઘુસી આવ્યો છે અને અમારા રહેઠાણ, રોજગારી, સંસ્કૃતિ, ઓળખ પર આક્રમણ કરી રહ્યો છે અને આ આક્રમણો દાયકાઓથી થઇ રહ્યા છે અને આ વિકાસના તમે સહભાગી બન્યા છો.

● અમારી વેદના પણ કંઈક આ વાર્તા સમાન છે,

20મી જુલાઈ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલ્ડ્રીન ચંદ્રની ધરતી પર ઊતર્યા. ત્યાં પહોંચ્યાના મહિનાઓ પહેલા તેમણે તૈયારી શરૂ કરી દીધી હતી. પૂર્વતૈયારીના ભાગ રૂપે તેઓ પશ્ચિમ અમેરિકાના રણમાં ગયા, જે અમુક અંશે ચંદ્રની ધરતી જેવું હતું. ત્યાં અમેરિકાના મૂળ નિવાસીઓ વસતા હતા. આ લોકોને કશુંક કરતા જોઈને એક વૃદ્ધ આદિવાસી ત્યાં આવી પહોંચ્યો અને નીલને પૂછ્યું, તમે શું કરો છો?

“અમે ચંદ્ર પર જવા માટે તાલીમ લઈ રહ્યા છીએ. ” તેમણે જવાબ આપ્યો.

આ સાંભળીને આદિવાસી આશ્ચર્ય પામ્યો અને થોડી વાર પછી કહ્યું, “મારું એક કામ કરશો ?”

“હા, બોલોને ? “

“અમે આદિવાસીઓ માનીએ છીએ કે અમારા પવિત્ર આત્માઓ ચંદ્ર પર વસે છે. તમે તેમને અમારા વતી એક સંદેશ પહોંચાડી દેશો ?”

“હા, બોલોને. શું મેસેજ છે? “

આદિવાસી તેમની ભાષામાં કશુંક બોલ્યા અને નીલને તે ગોખી જવા કહ્યું.

“આનો અર્થ ?” નીલએ પૂછ્યું.

“એ અમારી અને પવિત્ર આત્માઓ વચ્ચેની ગુપ્ત વાત છે. અમે તમને ન કહી શકીએ.”

આર્મસ્ટ્રોંગે તેમનો સંદેશ વારંવાર દોહરાવી અને ગોખી લીધો. ઘરે આવ્યા પછી તેને ચેન ન પડ્યું. આ આદિવાસી શું કહેવા માંગતો હશે? તેમણે કોઈ એવો માણસ શોધી કાઢ્યો, જે અંગ્રેજી અને આદિવાસી બંને ભાષા જાણતો હોય.

તેણે પેલો ગોખેલો સંદેશ સંભળાવીને પૂછ્યું, “આ શું કહેવા માગે છે?” દુભાષિયો હસવા લાગ્યો.

“તમે કેમ હસો છો?”આર્મસ્ટ્રોંગે પૂછ્યું.
“તે એમ કહેવા માગે છે કે આ લોકોના એક પણ શબ્દનો વિશ્વાસ ન કરશો. તેઓ તમારી જમીન પચાવવા આવ્યા છે.”

આ ઘટના હકીકતમાં બની છે કે પછી વાર્તા, તે રામ જાણે, પણ તેનું હાર્દ બિલકુલ સાચું છે.

1854માં રેડ ઇંડિયન કબીલાના એક સરદારે વોશિંગ્ટનના એક વેપારીને પત્ર લખ્યો જે આદિવાસીઓની જમીન ખરીદવા માગતો હતો. સરદારે પત્રમાં લખ્યું, કોઈ આકાશ અથવા પૃથ્વીની આભા કઈ રીતે ખરીદી કે વેચી શકે? હવાઓની તાજગી અને જળના અમે માલિક નથી તો તમે તેને કઈ રીતે ખરીદી શકો?
—-
અમારી વ્યથા પણ કંઈક આવી જ છે. ભારતના વિવિધ રાજ્યોમાં 11 લાખથી વધુ કેસ એવા થયા જેમાં આદિવાસીઓ એ સાબિત કરવામાં નિષ્ફળ નીવડયા કે તેઓ ત્રણ પેઢીથી જંગલમાં રહે છે. તેમના જમીન માલિકીના દાવા પુરવાર ન થયા અને સુપ્રીમ કોર્ટે આ તમામ કેસ હારનારા આદિવાસીઓને વન્ય જમીન પરથી હટાવવાનો આદેશ આપી દીધેલો.

સ્વતંત્રતા બાદ રાષ્ટ્રનિર્માણ માટે કેન્દ્ર સરકારે વિકાસનો જે માર્ગ અપનાવ્યો તેમાં મુખ્યત્વે આર્થિક વિકાસને વધુ ભાર આપવામાં આવ્યો, જે અંતર્ગત 1951થી મોટી વિકાસ યોજનાઓ, બંધો, મોટા કારખાનાં, ખાણનું નિર્માણ શરૂ થયું. અર્થતંત્રની વૃદ્ધિ અને શહેરીકરણને વેગ આપવા નવા ઓદ્યોગિક અને વાણિજ્યિક સાહસો, સંદેશાવ્યવહારની ટેક્નોલોજીઓ, રસ્તાઓ, સિંચાઈ, વીજળી માટેના સ્ટેશનો સ્થાપવા જમીનની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ. જેના ભાગરૂપે જમીન સંસાધનોથી સમૃદ્ધ એવા જંગલો આ શહેરીકરણ અને વિકાસની લપેટમાં આવી ગયા. જેના પરિણામસ્વરૂપ ઉભું થયું વિસ્થાપન અને વિસ્થાપિત થયા આ જંગલોમાં રહેનારા લોકો…અને ખાસ કરીને મોટી સંખ્યામાં આદિવાસીઓ.. જેને લઈને ઘણા દાયકાઓથી આદિવાસીઓ અને વનવિભાગ વચ્ચે આ જમીનોને લઇને સંઘર્ષ થતો આવ્યો છે.

જમીન મેળવવા માટે જે-તે વિસ્તારમાં વસવાટ કરતી વસ્તીને અન્યત્ર જગ્યાએ વિસ્થાપિત કરવાની જરૂર પડી. વિશાળ પરિયોજનાના વિકાસે અમારા લાખો આદિવાસીઓનો ભોગ લીધો. જેના માઠા પરિણામ તેમની ચાર પેઢી ભોગવી રહી છે. પ્રકૃતિમાંથી ઉદભવેલી આદિવાસી સંસ્કૃતિ ધીરે ધીરે નષ્ટ થવા પર જઈ રહી છે.

સમગ્ર વિશ્વમાં આફ્રિકા બાદ ભારતમાં આદિવાસીઓની વસ્તી સૌથી વધારે છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લગભગ 8.6 % અને ગુજરાતમાં 14થી વધુ વસ્તી આદિવાસીઓની છે. વિકાસની યોજનાઓને પરિણામે અત્યાર સુધી અમારી પેઢીના લાખો લોકોનું દબાણપૂર્વક વિસ્થાપન થઈ ચૂક્યું છે. દેશના વિકાસની હરણફાળમાં અમારી સંસ્કૃતિ, રોજગારી, જંગલ, જમીન, જળ અને ખાસ કરીને વનસંપદાને જે અસર થઈ છે, તેની કિંમત તમે ચૂકવી શકશો ? અમારો કુદરતી સંસાધનોથી સમૃદ્ધ ગણાતો વિસ્તાર હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યો છે.

અમે કોઈ બીજાની સંસ્કૃતિ, રહેઠાણ કે રોજગારી પર તરાપ મારતા નથી તો આ વિકાસ માટે અમારી બલિ શા માટે ? દાયકાઓથી અમારી સાથે જે વર્તન થઈ રહ્યું છે એ પીડા તમે ક્યારેય કલ્પી નહિ શકો ? દેશ વિકાસના માર્ગે આગળ વધે એનાથી અમને કોઈ જ વાંધો નથી, પરંતુ આ વિકાસે અમારા જીવનના વિકાસ સામે જ ખતરો ઉભો કર્યો છે. શું અમને જીવવાનો અધિકાર નથી, શું અમને કાયમી વસવાટ કે રોજગારી મેળવવાનો અધિકાર નથી ? તમારી એક નોકરી છિનવાઈ જાય તો પણ ઘરે ગમગીની ઉદ્દભવે છે તો અમને અમારી જમીન અને ઘર સહિત બીજે ખસેડી દેવામાં આવે, અમારૂં કાયમી સ્થાન છોડવા મજબૂર કરીને અનેક સમસ્યાઓની વચ્ચે છોડી દેવામાં આવે ત્યારે આ દરેક નાગરિકને આપવામાં આવેલા અમારા અધિકારનો ભંગ છે.

એ વાતને કોઈ શંકા નથી કે આપણી સરકાર લોકોના જીવન, શિક્ષણ, આરોગ્ય, આવાસ, પર્યાવરણને લઈને જાગૃત છે અને યોગ્ય નિયમો અને પગલાં સમયાંતરે લેતી રહી છે તો અમારા જેવા વિસ્થાપિતો માટે શા માટે કોઈ નિયમો નથી, શા માટે કોઈ પોલીસી નથી, એ જાણવા છતાં કે વિસ્થાપન સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે કેટલો ગંભીર મુદ્દો છે. વિસ્થાપનથી ચોક્કસ સમુદાય તેની ઓળખ ગુમાવે છે. સામુદાયિક જીવન, સંગીત, કળા લુપ્ત થતી જાય છે, નવા વાતાવરણમાં ફરી અનુકુલન સાધવું પડે છે. શિક્ષણ તો આમાં લટકતી તલવાર બની જતી હોય છે અને એટલું જ નહિ સહાય મેળવતા પણ વર્ષો લાગી જાય છે,

શું અમે માનવ વિકાસથી બાકાત છીએ કે પછી વિકાસ એ માત્ર અમુક લોકો સુધી જ સીમિત છે? વિકાસ આખરે કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે ? અમારી આ પીડા સરકારના બહેરા કાને અથડાય છે ? શું અમને એક વાર પણ પુછવામાં આવશે કે તમે તમારૂં ઘર છોડવા રાજી છો કે નહિ ?

તો આ કહેવાતા વિકાસ માટે શા માટે અમારો, અમારી પરંપરાગત જીવનશૈલી, અમારૂં અસ્તિત્વ, અમારા સંસ્કૃતિ, અમારી રોજગારીનો ભોગ, શા માટે ? શા માટે ?

આ લડત અમારા માટે છે, અમારા અસ્તિત્વ સામે છે, કુદરતી સંસાધનોનો ભોગ લઈ તેમાંથી આર્થિક લાભ લેવા માંગતા અને તેનો આનંદ ઉઠાવતા એ તાનાશાહો સામે છે અને જારી રહેશે.

इस धूप की आदत सी हो गई है,
ये समझने की गलती तुमसे हुई है ।

– કાજલ ચૌહાણ ( Kaajal Chauhan )

( ક્રમશ : ) – 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *