આણંદ : અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે. ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા. ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ એકની ઉપર એક પડ્યા હતા. બનાવ અંગેની મળતી વધુ જાણકારી પ્રમાણે, કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારના ભુક્કો થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો ચીસો પાડવા લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો અને મુસાફરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આણંદના તારાપુર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત થતા 10 લોકોના મૃત્યુ થયાના સમાચાર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી ભાવનગર પરિવાર જઈ રહ્યો હતો. તેને ઈંદ્રાજ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયાની માહિતી છે. અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને પોલીસને જાણ કરતા સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ગુજરાતના આણંદ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 10 લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં બે મહિલા, 7 પુરુષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. જેઓ એક જ પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ જિલ્લાના તારાપુરના ઈન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી નજીક એક કાર અને ટ્રક સામસામે ધડાકાભેર ટકરાયા હતા. આ ટક્કર બાદ કારમાં સવાર 10 લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઈક્કો કાર નંબર GJ-10-TV-0409માં સવાર 10 લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યાં હતા. આ દરમિયાન આણંદ જિલ્લાના તારાપુર નજીક કાર સામેથી આવી રહેલી ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં બેઠેલા તમામ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટના ટ્રકને વધારો નુક્સાન નથી થયું અને ટ્રક ડ્રાઈવર હેમખેમ બચી ગયો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ભોગ બનેલા લોકોને યોગ્ય મદદ પૂરી પાડવા આણંદ જિલ્લા કલેક્ટર સાથે તાત્કાલિક ટેલીફોનીક વાતચીત કરી સૂચનાઓ આપી હતી. સાથે જ CM રૂપાણીએ જણાવ્યુ છે કે, આ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરીવારજનોને રાજ્ય સરકાર યોગ્ય સહાય કરશે.