અચ્છે દિન’નો વાયદો કરીને નરકના દિવસો દેખાડ્યા !

રમેશ સવાણી ( ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ) – એક તરફ કોરોના મહામારીમાં દર્દીઓ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ સુધી ધક્કા ખાતા હતા; લોકો આરોગ્ય સુવિધાોના અભાવે મરી રહ્યા હતા; બીજી તરફ વડાપ્રધાન દિવસમાં ત્રણ ચૂંટણી રેલીઓ/સભાઓમાં અપાર ભીડ જોઈને ખુશ થતા હતા ! હરિદ્વારમાં 35 લાખ શ્રધ્ધાળુઓ કુંભમેળામાં એકઠાં થયા હતા. કેન્દ્ર સરકારે બિલકુલ તકેદારી ન લીધી. ચૂંટણીપંચે વડાપ્રધાનની ઈચ્છા મુજબ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી સાત-આઠ ફેઈઝમાં ગોઠવી અને કોરોના ગાઈડલાઈનનો સતત ભંગ થવા છતાં ચૂંટણી પંચે પોતાની આંખો અને વિવેકબુદ્ધિ સાવ બંધ જ રાખી ! કોરોના મહામારી ફેલાવવામાં વડાપ્રધાનનું અને ચૂંટણીપંચનું મહત્વનું યોગદાન છે. 26 એપ્રિલ 2021 ના રોજ આપણે એ સ્થિતિએ પહોંચ્યા કે નથી હોસ્પિટલમાં જગ્યા કે નથી સ્મશાનમાં જગ્યા !

આગ્રામાં એક કરુણ ઘટના બની. કોરોનાના કારણે પિતાની તબિયત કથળતા દીકરાએ એમ્બ્યુલન્સ માટે પ્રયત્ન કર્યા પણ એમ્બ્યુલન્સ મળી નહીં. દરમિયાન પિતાનો જીવ નીકળી ગયો. દીકરાએ શબવાહિની માટે પ્રયત્ન કર્યા પણ શબવાહિની ન મળી. છેવટે દીકરાએ પોતાની કાર ઉપર પિતાની ડેડ બોડી બાંધી અને સ્મશાને પહોંચાડી ! કેવા દિવસો આવ્યા. શબને રેંકડીમાં/રીક્ષામાં/સાયકલ ઉપર/કાર ઉપર લઈ જવું પડે ! 21 એપ્રિલ 2021 ના રોજ, મધ્યપ્રદેશમાં બે ચિંતાજનક બે ઘટનાઓ બની. રાયસેન જિલ્લામાં કોરોનાએ માતાનો ભોગ લીધો એટલે પુત્રીએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. બીજી ઘટના દેવાસમાં બની. એક 75 વરસની મહિલા અને તેમના બે દીકરાઓ કોરોનાનો ભોગ બન્યા. આ દુખ સહન ન થવાથી નાના દીકરાની પત્નીએ ગળેફાંસો ખાઈને જીવ ખોયો ! પરિવારમાં કમાતી વ્યક્તિનું કોરોનાના કારણે મોત થાય ત્યારે એમના પરિવાર ઉપર કેટલી મુશ્કેલીઓ આવી પડે તેની કલ્પના થઈ શકતી નથી ! કોરોના લાખો લોકોના ઘર ઉઝાડી રહ્યો છે. જે પરિવારમાં માતા-પિતા કોરોનાનો ભોગ બન્યા હોય તેમના બાળકોનું શું? સરકારે શામાટે આ દિશામાં વિચારીને પગલાં ભર્યા નહીં?

વડાપ્રધાને ‘અચ્છે દિન’નો વાયદો કરીને નરકના દિવસો દેખાડ્યા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *