113 એન્કાઉન્ટર કરનાર પ્રદીપ શર્માને NIAએ શામાટે એરેસ્ટ કર્યો?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : પોલીસમાં ‘સુપર કોપ’ બનવાના શોખીન પોલીસ અધિકારીઓ હોય છે. બીજું કંઈ લોકલક્ષી કામ કરવાને બદલે કોઈ ગુંડાને એન્કાઉન્ટરમાં ઠાર કરનાર પોલીસ અધિકારીની વાહવાહી થાય છે. આવા એન્કાઉન્ટરનો આદેશ આપનાર પોતે જ મોટા ગુંડા હોય છે ! એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારીઓ; વંચિતો/ગરીબો/દલિતો/આદિવાસીઓ માટે ક્યારેય દિલ દઈને કામ કરતા નથી. જે પોલીસ અધિકારીઓ સંવેદનશીલતાથી કામ કરે તેની મશ્કરી કરવામાં આવતી હોય છે. ગુજરાત/મહારાષ્ટ્ર/ઉત્તરપ્રદેશમાં રાજકીય ઈશારે અનેક ફેઈક એન્કાઉન્ટર થયા છે.

મુંબઈમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માને એન્ટિલિયા તથા મનસુખ હત્યા કેસમાં 17 જૂન 2021ના રોજ NIAએ એરેસ્ટ કરેલ છે અને 28 જૂન સુધી રીમાન્ડ પર મેળવેલ છે. 1983માં મુંબઈ પોલીસમાં દાખલ થનાર પ્રદીપ શર્માનો ઈતિહાસ વિચિત્ર છે. તેનું પ્રથમ પોસ્ટિંગ માહિમ પોલીસ સ્ટેશનમાં થયેલ. 1990 ના દસકામાં મુંબઈમાં અન્ડરવર્લ્ડ માફિયાની બોલબાલા હતી. માફિયાઓ કાયદાને અને પોલીસને મજાક સમજતા હતા. તે સમયે સરકારે માફિયા સામે પગલાં ભરવા એક વિશેષ ટીમની રચના કરી; તેમાં પ્રદીપ શર્મા પણ હતો. ટીમમાં સામેલ અધિકારીઓને ‘એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ’ તરીકે ઓળખવામાં આવતા. તેઓ જમીનથી વેંત ઊંચા ચાલતા ! 25 વરસની અંદર, એક પછી એક એમ 113 એન્કાઉન્ટર કર્યા ! 2006માં તેણે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનની ગેંગના રામનારાયણ ગુપ્તાનું એન્કાઉન્ટર કર્યું; જે તપાસ દરમિયાન ફેઈક નીકળ્યું ! પ્રદીપ શર્માને એરેસ્ટ કરવામાં આવ્યો. તેને સાડા 3 વર્ષની કેદ થઈ. સરકારે 2008માં પ્રદીપ શર્માને ડિસમિસ કર્યો. 2013માં ઉપલી અદાલતે એને છોડી મૂક્યો. 2017માં પોલીસમાં ફરી લેવામાં આવ્યો. 2019માં તેણે VRS- Voluntary Retirement Scheme હેઠળ રાજીનામું આપ્યું. શિવસેનામાં જોડાયો. નાલાસોપારા વિધાનસભા બેઠક ઉપર ચૂંટણી લડ્યો અને હારી ગયો.

આ પણ વાંચો : ફાધર્સ ડે : બાપુ રોટલો જ લાવ્યા…! – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.

સવાલ એ છે કે પ્રદીપ શર્માને શામાટે એરેસ્ટ કરેલ છે? 25 ફેબ્રુઆરી 2021 ના રોજ, મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડી મળી હતી. જેમાં 20 જિલેટીન સ્ટિક અને ધમકીભર્યો પત્ર હતો. સ્કોર્પિયો ગાડી મનસુખ હિરેનની હતી. પુરાવાનો નાશ કરવાના હેતુથી મનસુખની હત્યા થઈ અને તેની લાશ 5 માર્ચના રોજ મળી. એન્ટિલિયા અને મનસુખની હત્યા; એમ બન્ને કેસોની તપાસ દરમિયાન NIAએ મુખ્ય આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વઝેને 15 માર્ચના રોજ, અટક કરેલ. પ્રદીપ શર્મા અને સચિન વઝે મિત્રો છે. ઉપરાંત મનસુખ હિરેન મર્ડરમાં એરેસ્ટ થયેલ પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે પણ પ્રદીપ શર્માની નજીક છે. NIAએ શોધી કાઢ્યું છે કે સચિન વઝેએ વિસ્ફોટક પ્લાન્ટ કરવાનું જે કાવતરું કરેલ તેમાં પ્રદીપ શર્મા સામેલ હતો; તેમણે એન્ટિલિયા કેસના પુરાવા નાશ કરવાની ભૂમિકા ભજવી હતી ! એવું કહેવાય છે કે “Crime doesn’t pay ! Crime never rewards criminal ! Criminal do not get profit from crime ! ક્રિમિનલને હંમેશા તેના ગુના માટે સજા મળે છે !” સવાલ એ છે કે ‘સુપર કોપ’ની ઈમેજ માટે કે ત્રાહિત હેતુથી કરતા ફેઈક એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનારાઓનો શો વાંક? વિસ્ફોટક પ્લાન્ટ કરી કેસને ખોટી રીતે સોલ્વ કરી વાહવાહી મેળવવામાં નિર્દોષોનો ભોગ લેવાય જાય તેનું શું?rs

Leave a Reply

%d bloggers like this: