સરકારને આખરે સંવેદના કોના માટે? : કાજલ ચૌહાણ

દેશમાં જળ સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે, દેશમાં કુલ પાણીના જથ્થામાંથી માત્ર 2% આસપાસ પાણી પીવાલાયક છે. ચોમાસામાં વરસાદનું કરોડો-અબજો લિટર પાણી દરિયામાં વહી જાય છે. આ પાણીને બચાવવા માટે સેન્ટ્રલ વોટર કમિશને પાણીને સ્ટોરેજ કરવાની હિમાયત કરી હતી. અને એ જ નકશે કદમ પર ચાલીને કેન્દ્ર સરકાર દ્વારા 2022-23ના બજેટમાં નદી જોડાણ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.

જેના ઊંડાણમાં જઈએ તો, સૌ પ્રથમવાર 1982માં નદીઓના જોડાણ વિશે રજૂઆત થઇ હતી. જ્યારે 1999-2004 દરમિયાન અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન આ યોજના પર કામગીરી હાથ ધરાઈ. 2009માં સર્વે શરૂ થયો હતો. 2010માં ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારત સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. યોજના અંતર્ગત ગુજરાત અને મહારાષ્ટ્રના 6 બંધ ઝેરી, પૈખડ, ચાસમંડવા, ચિક્કાર, દાબદર, કેલવાનની ક્ષમતા અને મજબુતાઈ વધારીને તમામ બંધને એક બીજા સાથે જોડવામાં આવશે.

Tapi narmada

જે અંતર્ગત ગુજરાત સરકાર દક્ષિણ ગુજરાતની સાત નદીઓને જોડીને પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેકટ શરૂ કરી રહી છે. આ પ્રોજેકટ હેઠળ દક્ષિણ ગુજરાતની સાત નદીઓને એકબીજા સાથે જોડી દેવાશે. નદીઓનું પાણી દરિયામાં જતું અટકાવવા મહારાષ્ટ્ર, દાદરાનગર હવેલી અને દીવ દમણમાંથી વહેતી 131 કિમી લાંબી નદી દમણ-ગંગા સાથે તાપી અને નર્મદાને સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી આ નદીઓની આસપાસ આવતી અન્ય સાત મોટી નદીઓ પણ પાણીથી છલકાઈ જશે. જેમાં દરેક નદીઓ પર એક ડેમ બાંધવામાં આવશે અને તમામ સાત નદીઓને જોડીને જે પાણી સંગ્રહાશે તે તમામ ડેમનું પાણી ઉકાઇ જળાશયમાં ઠલવાશે. ઉકાઇ ડેમથી એક કેનાલ બનાવીને તેને સરદાર સરોવર સાથે જોડવામાં આવશે. ચોમાસામાં વરસાદથી નર્મદા અને ઉકાઈ ડેમ ભરાઈ ગયા બાદ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે તેનો સંગ્રહ એક બીજા બંધમાં નહેર દ્વારા પાણી પહોંચાડીને ભરવામાં આવશે. ગુજરાતના બંધ ભરાઇ ગયા બાદ વધતુ પાણી મહારાષ્ટ્રને આપવામાં આવશે.

પાર-તાપી-નર્મદા યોજનાથી સમુદ્રમાં દર વર્ષે વહી જતું 1300 એમસીએમ પાણીને અટકાવી લઈ વર્ષે એક લાખ લોકોને મીઠું પાણી આપી શકાશે. પાર-તાપી-નર્મદા યોજનાથી સૌરાષ્ટ્રમાં કુલ 3 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી આપી શકાશે. સાથે નવસારી, સુરત, ડાંગ અને ભરૂચ જિલ્લામાં 0.50 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે.

Tapi Narmada

આ યોજના અંતર્ગત પાણીનો સંગ્રહ થતાં વીજ ઉત્પન્ન કરી શકાશે. જેના માટે 6 પાવર હાઉસ બનશે, જે 25થી 30 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરશે. જેથી આવનારા સમયમાં હવે વીજળીની સમસ્યાથી પણ રાજ્યને રાહત મળશે. વિદ્યુત ઉત્પાદન થકી 55 કરોડની આવક થશે. આ યોજનાથી વર્ષે 618.24 કરોડની આવકનું લક્ષ્ય છે જેમાં સિંચાઈથી 563 કરોડ અને વિદ્યુત ઉત્પાદન દ્વારા 55 કરોડની આવક થશે. હાલ આ પ્રોજેકટ નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી સંભાળી રહી છે.
——
હવે વાત કરીએ લોભામણી નદી જોડાણ યોજનાની કહેવાતી આકર્ષિત વાતો અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. તાપી-નર્મદા લિંક યોજના હેઠળ વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા, વડોદરા તેમડ ડાંગના કુલ 288 ગામોના લગભગ 4.50 લાખ આદિવાસી અસરગ્રસ્ત થવાના છે, જેમાં કુલ 10,559.70 હેક્ટર જમીન આદિવાસીઓ પાસેથી સરકાર સંપાદિત કરીને આંચકી લેવાની છે. સમગ્ર યોજનાથી હજારો આદિવાસી પરિવારોની પેઢીઓ ફરી એક વાર મુસીબતના મુખમાં ધકેલાશે, જેનું અગાઉ પણ પુનરાવર્તન થઈ ચૂક્યું છે.

યોજનાનો હેતુ અને વાસ્તવિકતા એટલે વિપરીત દેખાય છે કારણ કે હવે નદીઓમાં પાણી જ નથી તો બંધો કઈ રીતે ભરાશે..!! કહેવાતી બારમાસી નદીઓ પણ હવે ચોમાસા સિવાય નદીઓ સૂકી થઈ છે અને સહાયક નદીઓ મરવા પડી છે. છેલ્લા ઘણા વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલા પરિવર્તનોના કારણે નર્મદા સહિતના બંધોમાં પાણી પણ ઓછું આવે છે.
અગાઉ પણ ગુજરાતના મોટા બંધ આદિવાસી વિસ્તારમાં બન્યા છે. તે વિસ્તારની પ્રજાને તો સિંચાઈના નામે કે પીવાનું પાણી આજે પણ મળતું નથી. જે બંધો બન્યા છે અથવા બની રહ્યા છે તેમાં ભોગ લેવાયો છે ત્યાં રહેતા એ આદિવાસી લોકો જેમણે જંગલને પોતાનું ઘર સમજવાની ભૂલ કરી છે અને તેનું પરિણામ તેઓ ભોગવી રહ્યા છે. આદિવાસીઓના હક્નું પાણી સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મોટા મહાનગરોમાં પહોંચી રહ્યું છે.
ફરી એક આવી જ ભયાનક યોજના બની રહી છે. ફરી એક વખત વિસ્થાપન જેવી રોજિંદી બની ગયેલી ઘટનાઓનું પુનરાવર્તન થશે અને ફરી ક્યાંક સરકારના વળતરમાંથી અનેક કુટુંબો બાકાત રહી જશે અથવા તો ફરી દર વખતની જેમ એવી દૂર જગ્યાએ ખસેડવામાં આવશે કે જ્યાં તેમને રોજગારીના ફાફાં પડે અથવા રોજગારીનું સાધન જ નવું ઉભું કરવું પડે.

નર્મદા નહેરો બનાવવામાં ભાજપના સમયમાં અનેક ભ્રષ્ટાચાર થયા છે, નબળી ગુણવત્તા બહાર આવી છે, 250 સ્થળે નર્મદા નહેરો ફાટી છે અને સાબરકાંઠામાં તો 2017માં નહેર ફાટતા તબાહી પણ સર્જાઈ હતી. જેમાં સ્પષ્ટ ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે નર્મદાના નામે વધુ એક યોજના મૂકીને ભ્રષ્ટાચાર થવાનો છે. એ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અગાઉ નર્મદાના નામે સુજલામ સુફલામ અને સૌની યોજના મૂકી છે તે પણ નિષ્ફળ થઈ છે. સૌની યોજના પણ લીંક યોજના છે અને તેમાં નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થવાની હતી. આજે ત્યાં એક હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થતી નથી. તેથી તાપી-પાર લીંક યોજના પણ રાજકીય બની જશે, તેનાથી મત મેળવાશે અને સરવાળે નિષ્ફળ જશે. આ તમામ યોજના માટે સરકાર રૂ.1.25 લાખ કરોડનો ખર્ચ કરી ચૂકી છે. હવે તાપી-નર્મદા લીંક યોજનામાં બીજા રૂ.25થી 30 હજાર કરોડ ખર્ચી નાંખશે. જેનું કોઈ આર્થિક કે સામાજિક રીતે કંઈ જ વળતર મળવાનું નથી.

ત્યારે માણસ તરીકે સવાલ થવો સ્વાભાવિક છે કે સંવેદનશીલ સરકારને આખરે સંવેદના કોના માટે છે ?????

( ક્રમશ : ) – ૧

– કાજલ ચૌહાણ

Leave a Reply

%d bloggers like this: