શિષ્યો તો નીકળી પડ્યા! – ફા. નિલેશ વાય મેકવાન એસ.જે

હમણા થોડા વખત પહેલા બનેલી આ નાની ઘટના છે. વાત તો જોકે નાની છે પરંતુ એક મોટો સંદેશ આપણ સૌને માટે લઇ આવે છે. વાત છે બીજા વિશ્વ યુદ્ધની. બીજુ વિશ્વ યુદ્ધ એ વૈશ્વિક લશ્કરી સંઘર્ષ હતો કે જેમાં વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રોનો સમાવેશ થતો હતો. વિશ્વના આ રાષ્ટ્રો  એક્બીજાની વિરુધ્ધ લશ્કરી જોડાણોમાં જોડાઇ ગયા હતા. એક મિત્ર રાષ્ટ્રો તો સામે શત્રુ રાષ્ટ્રો. આ યુદ્ધમાં લશ્કરના ૧૦ કરોડથી પણ વધુ સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે ઇતિહાસનું સૌથી વધુ વ્યાપક પ્રમાણમા ફેલાયેલુ યુદ્ધ બન્યું. આ યુદ્ધમાં ૭ કરોડથી વધારે લોકો મરાયા હતા અને તેમાંથી મોટા ભાગના નાગરિકો હતા. આમ, માનવ ઇતિહાસનો સૌથી ભયંકર સંઘર્ષ એટલે બીજુ વિશ્વ યુદ્ધ.

આ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, સૈનિકોનું એક નાનું જૂથ એક ખાસ મિશન પર હતું.  માર્ગમા  ઓચીંતુ જ આ જુથને બીજા એક જુથ સાથે ટકરાવમા ઉતરવાનુ થયુ. આ ટકરાવમા તેમના એક સાથી મિત્રનું લડાઇ દરમ્યાન થયેલા ઘાવથી મૃત્યુ થયું. આ જુથને પોતાનો સાથી મિત્ર ખુબ જ વ્હાલો હતો.  તેઓ પોતાના મિત્રને કોઇ યોગ્ય કબરમાં દફનાવવા માંગતા હતા. નજીકમા ક્યાક કોઇક ગામ હોય અને તેમના સાથી મિત્રને દફનાવાય તેવી યોગ્ય જગ્યાની શોધમા તેઓ ઘણી જગ્યાએ ભટક્યા.  શોધની અંતમા તેમને એક ગામમા એક નાનું કબ્રસ્તાન ધરાવતું એક દેવળ(ચર્ચ) મળ્યું. આ કબ્રસ્તાન એક લોખંડની તારની વાડથી ઘેરાયેલું હતું.

જુથના સૈનિકોએ દેવળના પુરોહિતને મળી પોતાના સાથીમિત્ર માટે કબ્રસ્તાનમાં જગ્યાની માંગણી કરી. જુથના સૈનિકોએ દેવળના પુરોહિતને પરવાનગી માંગતા પૂછ્યું, “શું તેઓ મ્રુત પામેલા તેમના સાથી સૈનિકને દેવળના આ કબ્રસ્તાનમાં દફનાવી શકે ?”  દેવળના પુરોહિતે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરતા જુથના સૈનિકોને પૂછ્યું, “શું તેમનો મ્રુત પામેલો સાથી-સૈનિક કેથોલિક છે ?”  જુથના સૈનિકોએ દેવળના પુરોહિતને  કહ્યું, “ના તે કેથોલિક નથી.” પુરોહિતે પોતાની દિલગીરી વ્યક્ત કરતા કહ્યુ, “આ કબ્રસ્તાન ફક્ત દેવળના  સભ્યો માટે જ અનામત છે. નિયમ મુજબ તે તેમને જગ્યા આપી શકે તેમ નથી.” પુરોહિતની વાત સાભળી જુથના સૈનિકો નિરાશ બની ત્યાથી વિદાય લેવાની તૈયારી બતાવી. તેઓ ચાલવા જતા હતા ત્યા જ પાછળથી તેમને પુરોહિતનો અવાજ સભળાયો. પાછા વળીને જોતા  જુથના સૈનિકોને તે પુરોહિતે કહ્યું, “ તમે તમારા આ પ્રિય મિત્રને તારની વાડ બહાર દફનાવી શકો છો. હુ તે કબરની વ્યક્તિગત રીતે બીજી કબરોની જેમ જ કાળજી લઇશ.”  સૈનિકોએ પુરોહિતની વાત સાભળી એક સંતોષની લાગણી અનુભવી. તેઓએ તેમના મિત્રને વાડની બીજી બાજુ કબ્રસ્તાનની બહાર દફનાવી દીધો. પુરોહિતનો આભાર માની તેઓએ ત્યાથી વિદાય લીધી.

ઇસુ

છેવટે, યુદ્ધ પૂરું થયું.  યુધ્ધમા સંકળાયેલા સૈનિકો ઘરે પરત ફર્યા. સૈનિકોનુ આ જુથ પણ પોતાના ઘરે પરત ફર્યુ.  થોડાક વર્ષના અંતે આ સૈનિકો ભેગા મળ્યા. તેઓએ થોડા વર્ષો પહેલા યુધ્ધમા મ્રુત્યુ પામેલા તેમના મિત્રની કબરની મુલાકાત લેવાની યોજના બનાવી. તેઓ તે ગામમા ગયા કે જ્યા તેમના સાથીમિત્રને દફનાવવામા આવ્યો હતો. આટલા સમય બાદ પણ ગામ એટલુ કાઇ બદલાયું ન હતુ. તેઓ સરળતાથી ગામના એ દેવળને શોધી શક્યા કે જ્યા દેવળની બાજુમા જ આવેલા કબ્રસ્તાનમા તેમના સાથીમિત્રની કબર હતી. ઘણી શોધખોળ પછી પણ તેઓ તેમના મિત્રની કબરને શોધી શક્યા નહીં.  તેવામા જ દેવળના પુરોહિત આવ્યા. પુરોહિતે ભુતકાળમા આવેલા તે સૈનિકોને ઓળખી કાઢ્યા અને તેમને શુભેચ્છા પાઠવી. વાતચીતને અંતે નિરાશ વદને સૈનિકોએ પુરોહિતને જણાવ્યુ કે તેઓએ પોતાના મ્રુત સાથીમિત્રના કબરની ઘણી જ શોધ ચલાવી પરંતુ તેઓ તેમના મિત્રની કબરને શોધી શક્યા નહી.  પુરોહિતે તેમને બધાને બેસાડીને એક જ વાક્યમા જવાબ આપતા જણાવ્યુ, “વ્હાલા મિત્રો મને તમારા મ્રુત સાથી સૈનિકને વાડની બહાર દફનાવવાનું યોગ્ય લાગ્યુ નહિ.”  પુરોહિતનો જવાબ સાભળી બેબાકળા બનેલા સાથીમિત્રોએ તરત જ પુરોહિતને કહ્યુ,”તો શુ તમે તેની કબરને અહિયાથી ખસેડી નાખી ?”  સૈનિક મિત્રોના પ્રશ્નનો ઉત્તર આપતા પુરોહિતે જણાવ્યુ, “ના”  થોડુ મૌન રાખ્યા પછી પુરોહિતે કહ્યુ, “મેં આ કબ્રસ્તાનની વાડ જ  ખસેડી નાખી કે જેથી કરીને તમારો મિત્ર આ કબ્રસ્તાનમા સ્થાન પ્રાપ્ત કરી શકે.”

ઇશ્વર ઇચ્છે છે કે પ્રુથ્વી ઉપરના બધા જ સ્ત્રી-પુરુષો તેમના રાજ્યના ભાગીદાર થાય. ઇશ્વરના રાજ્યમાં સર્વ લોકોને ભાગીદાર બનાવવા માટેનુ આમંત્રણ પાઠવવાનુ કાર્ય આપણ દરેકને  સોંપવામાં આવ્યું છે. જરુર છે વિશાળ દીલની કે જે દરેકને ઉદારતાથી સ્વીકારતુ હોય. ઇસુએ શિષ્યોને કહ્યુ, “તમે દુનિયામાં બધે જઈ આખી સૃષ્ટિને શુભસંદેશ સંભળાવો.” આમ શિષ્યો સાથે વાત કર્યા પછી પ્રભુ ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા અને તેઓ પરમેશ્વરને જમણે હાથે બિરાજમાન થયા. પણ શિષ્યો તો નીકળી પડ્યા, અને સર્વત્ર શુભસંદેશની ઘોષણા કરવા લાગ્યા. અને પ્રભુ તેમના કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા.

આધુનિક આ દુનિયામા કોવિડ -૧૯ ની બિમારી છપ્પનિયો દુકાળ કે બીજા વિશ્વ યુદ્ધથી કાઇ કમ નથી. ચારે તરફ સ્વજનો માટે હોસ્પીટલ, ઓકસીજન અને દવાઓ માટે લોકોએ સવારથી સાંજ આંધળી દોટ લગાવવી પડતી હોય છે. આવામા કોઈ નિકટના વ્યક્તિના મૃત્યુ પછીની અંતિમવિધિ કુટુંબીજનો માટે હંમેશાં દુઃખદાયક હોય છે. રડતા વિલાપ કરતા એ લોકોને જોઈએ ચોક્કસ આપણી આંખો ભરાઈ આવે છે. ઘણી વખતે આ દફનવિધિ કે અગ્નિદાહ એટલો દુખદાયક હોય છે કે ત્યાંથી પાછા વળવા માટે પગલામાં એક અધીરાઈ હોય છે. જ્યા ત્રણ કે ચાર કલાક ગાળવા પણ મુશ્કેલ હોય ત્યા જ્યારે દિવસો સુધી અગ્નિદાહની બાજુમા ખડેપગે ઉભા રહેવાનુ થાય ત્યારે તે ખરેખર મુશ્કેલ હોય છે.

હમણાં જ બીબીસી ન્યુઝ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. રાજકોટના વિલિયમ ડિસોઝા પોતાના સાથી મિત્રો દ્વારા આવેલી હાકલને પડકારી લઈ સ્મશાનગૃહમાં મદદ માટે પહોંચી ગયા. જે વ્યક્તિ પ્રથમ વખત પોતાની આંખ સામે મૃતદેહ સળગતો જુએ તેના માટે આ વિધીમા ભાગ લેવો કંઈ સહેલું કામ હોતુ નથી અને તે પણ વળી બાર કલાકનું કામ. તેઓ સવારના સાત થી સાંજના સાત વાગ્યા સુધી ખડે પગે સ્મશાનગૃહમાં ઊભા રહે છે. વિલિયમ આ સેવા છેલ્લા સાત દિવસથી આપી રહ્યા છે. તેઓ કહે છે તેમને તેમના પત્ની અને માતા દ્વારા આ કાર્યમાં પૂરતો સહકાર મળી રહ્યો છે. તેઓ આખો દિવસ દહન માટે જરૂરી લાકડા અને વસ્તુઓ તેમજ આખી વિધિ પુરી થાય ત્યાં સુધી હાજર રહી લોકોને બનતી મદદ પૂરી પાડે છે. અને ચોક્કસ સુતા પહેલા ઈશ્વરને પ્રાર્થના કે આ મહામારીનો અંત આવે. તેમની એક વાત મને સ્પર્શી ગઇ. વિલિયમ પોતાની વાતચીતમાં કહે છે કે જ્યારે હું અહીં આવ્યો ત્યારે  પહેલાં તો મને હિંમત જ નહોતી કે હું આ બધું કરી શકીશ. પણ અહીં આવ્યા પછી અને લોકોની પરિસ્થિતિ જોયા પછી મને અંદરથી હિંમત આવી ગઈ. અને આમ કામગીરીની શરુઆત થઇ.

યાદ છે ઇસુનો કાલવારી તરફનો એ કંટકછાયો માર્ગ. માર્ગમાં કુરેને ગામનો વતની સિમોન ઇસુને ક્રુસ ઉપાડવામાં મદદ કરે છે. ઇસુની કરુણ હાલત સિમોનને ઇસુનો ક્રુસ ઉપાડવા પ્રોત્સાહિત કરે છે. જમીન ઉપર ફસડાઇ પડેલા એ  ઇસુને સિમોન હાથ આપી ઉભા કરે છે કારણ તેને અંદરથી એક હિંમત આવી. આજે ઇસુની કાલવારીની એ યાત્રા રાજકોટમા આવીને અટકી કે જેમા વિલિયમ પોતાના હિંદુ સાથીમિત્રોનુ દુખ જોઇ તેમની મદદે દોડી ગયા.  અને આજ તો ઇસુએ આપણને સોપેલુ કાર્ય છે, “તમે દુનિયામાં બધે જઈ આખી સૃષ્ટિને શુભસંદેશ સંભળાવો.”

શિષ્યો તો નીકળી પડ્યા, અને સર્વત્ર શુભસંદેશની ઘોષણા કરવા લાગ્યા. અને પ્રભુ તેમના કાર્યમાં સહાય આપતા અને ચમત્કારો દ્વારા સંદેશનું સમર્થન કરતા રહ્યા. આમીન

જય ઈસુ
ફા. નિલેશ વાય મેકવાન એસ.જે.
ન્યુમન હોલ, સેન્ટ ઝેવિયર્સ કોલેજની સામે,
નવરંગપુરા,  અમદાવાદ – ૩૮૦૦૦૯
ગુજરાત.  મોબાઇલ : 8469491502 

તમારે તો તમારા પરમપિતા જેવા પ્રેમાળ છે તેવા પ્રેમાળ બનવાનું છે (માથ્થી ૫.૪૮)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *