.
dr ridhi mehta

આખરે શું કામ સહન કરવું એક સ્ત્રીએ? – ડૉ.રિધ્ધી મહેતા

એક સ્ત્રી જ્યારે એક દીકરી તરીકે જન્મે છે ત્યારે આખો પરિવાર એને અનહદ પ્રેમ કરે છે. લાગણીનો વરસાદ કરે છે તો ક્યાંક દીકરાની આશા હોય ને ત્યાં બીજી કે ત્રીજી દીકરી તરીકે અવતરેલી એ લાડકીનાં જન્મતાં જ પરિવારજનોનું મોઢું વિલાઈ જાય છે. આખરે શા માટે ?? એ દીકરી તો ઠીક પણ એની માતાને પણ કેટલાંય મહેણાં મારવામાં આવે છે, પણ આખરે શા માટે ?? દીકરો કે દીકરી એનો આધાર સ્ત્રી પર નહીં પણ પુરૂષ પર રહેલો છે. એ જાણવાં છતાં સમાજ આંખ આડા કાન કરી રહ્યો છે.

આજે કહેવાય છે કે જમાનો બદલાયો છે. હવે કોઈને દીકરા દીકરી એવો કોઈ ભેદભાવ નથી રહ્યો. છતાં, હજું અંદર ઊંડે ઊંડે લોકોમાં એક દીકરા માટેની આશા હજુયે જીવંત દેખાય છે. બહારથી ઢંઢેરો પીટીને આડંબર કરતાં પરિવારજનોને મનમાં તો એક દીકરાની જ આશા હોય છે. આજે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ વધી છે. બધી જ જગ્યાએ એ પુરૂષો સાથે કદમથી કદમ મિલાવીને ચાલે છે. પરિવાર, સંતાનો અને જોબની બેવડી જવાબદારી બખૂબી નિભાવે છે‌. તો શા માટે એક સ્ત્રીએ પોતાની જાતને પાછળ માનવી જોઈએ ?? સ્ત્રીએ પોતાનાં સન્માન માટે જરૂર લડત આપવી જોઈએ. આજે પણ કહેવાતી ભણેલી ગણેલી નોકરી કરતી સ્ત્રીઓ પણ ઘણું સહન કરતી જોવાં મળે છે. પોતાનાથી ઓછું ભણેલાં કે કમાતાં એમનાં પતિ કે સાસરિયાંઓ એને વાતવાતમાં ઉતારી પાડતાં કે સ્વમાનને ઠેસ પહોંચાડે છે. આ બધાં સામે સ્ત્રીએ બોલવું પડશે..આખરે શું કામ સહન કરવાનું ??

મહિલા દિન એટલે એની સાચી ઉજવણી એ છે કે એક સ્ત્રી બીજી સ્ત્રીની સખી બનીને એને સમ્માન અપાવે. સન્માન અને સ્વતંત્ર જીવન જીવવાની હિંમત આપે. નહીં કે મોટાં મોટાં ફંકશનો કરીને બસ આમંત્રિત મહેમાનો દ્વારા ભાષણબાજી થાય ને ” રાત ગઈ બાત ગઈ” ની જેમ એ લોકો જ પોતે સ્ત્રીની કદર ન કરતાં હોય. આજે જરૂર છે ખાસ કે એકબીજાને સાચાં અર્થમાં સપોર્ટ કરવાની, નહીં કે  દીકરો વહુને અપમાનિત કરતો હોય અને સાસુ મનમાં ખુશ થઈને સાંભળી રહે..પણ એ સમયે એક મા તરીકે એણે પોતાની વહુનો પક્ષ લઈને દીકરાને ટકોર કરવી જોઈએ કે ભલે એની ભૂલ હોય પરંતુ શાંતિથી પણ સુલેહ કરી શકાય. આપણાં પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીની આગેકૂચ માટે સ્ત્રીએ જ બોલવું પડશે … સમય આવ્યે લડવું પડશે. જ્યાં સવારથી સાંજ સુધી પોતાની જાતને ભૂલીને કોઈ જ સ્વાર્થ વિના પરિવારની ફરજો નિભાવતી સ્ત્રીએ પોતાની જાત માટે પોતાનાં હક માટે, પોતાની દીકરીઓનાં હક માટે લડવું જ જોઈએ. તો જ આ મહિલાદિન કે એની થતી ઉજવણી કે ઢગલાબંધ ભાષણો સાચા અર્થમાં સાર્થક થશે.

છેલ્લે જ એટલું યાદ રાખીશું,

        ” જાગ નારી તારી જ છે લડાઈ,
                    બદલવી હોય સમાજની સૂરત,
                    ઝઝુમવાની કર તું જોમ તૈયારી,
                    તો ભવિષ્યમાં મળશે એક નારીને,
                    સમ્માન સાથે આઝાદીનું જીવતર. “.

 

  • ડૉ.રિધ્ધી મહેતા “અનોખી”

 

Leave a Comment