.
kusumben dabhi

વ્યક્તિ વિશેષ – આંબેડકર વિચારધારાને વરેલા કુસુમબેન ડાભી આજની યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ

ખાસ દિન નિમિત્તે એક વિશેષ મહિલા વિશે વાત કરવી છે. જેમનું નામ છે કુસુમબેન ડાભી, જે વ્યવસાયે એક શિક્ષક અને સામાજિક કાર્યકર્તા છે, જે પોતાના વિચારો અને કાર્યો દ્વારા આજની સમગ્ર યુવા પેઢી માટે એક અનોખું ઉદાહરણ રૂપ બન્યા છે. લીમડી જેવા નાનાં શહેરથી આવતાં બહેન સોશિઅલ મીડિયામાં એમના સ્પષ્ટ અને પ્રગતિશીલ વિચારોથી પોતાના હજારો ફોલોઅર્સને દિશાનિર્દેશ કરે છે અને નવું વિચારવા સતત પ્રેરણા આપતા રહે છે. આવો, આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે જાણીએ એમની સાથે થયેલી કેટલીક અંગત વાતો..

kusumben dabhi

પ્રશ્ન –  કુસુમબેન, ગુજરાતના દલિત જાગૃતિ અને સામાજિક પ્રશ્નોના નિરાકરણમાં સક્રિય યોગદાન આપવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં યુવા સામાજિક કાર્યકર્તાઓમાં આપ એવું નામ છો જેને ભાગ્યે જ કોઈ ઓળખતું નહી હોય. પણ વ્યક્તિને આ ઉંચાઈએ પહોંચવાનો માર્ગ ક્યારેય સીધો સરળ નથી હોતો. આપ આપનો ટૂંકમાં પરિચય, શિક્ષણ અને વ્યવસાયિક અનુભવ તથા શરૂઆતની જીવનની થોડી માહિતી આપશો?

જવાબ –  મારું નામ કુસુમ ડાભી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લાના, લીંબડી તાલુકાના જાંબુ ગામમાં કુમાર પ્રાથમિક શાળામાં  મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું.  હું  PTC, M.A. B.ed ની ડીગ્રી ધરાવું છું. વર્ષ 2007 થી પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરી, એમ 11 વર્ષનો શિક્ષક તરીકે નો અનુભવ છે, તેમજ 2 વર્ષનો આચાર્ય તરીકેનો અનુભવ છે. હું ઘરમાં સૌથી નાની હોવાથી મને લાડ વધુ કરાવવામાં આવ્યાં છે, એવું કહી શકાય. મમ્મી પપ્પાએ અમારા ચાર ભાઈ બહેનોને શિક્ષણ અપાવવા માટે બહું મહેનત કરી છે. અમારી શિક્ષણ બાબત કોઈપણ માંગણી હોય, એમને વ્યાજે રૂપિયા લાવીને કે વધુ મહેનત કરીને પણ અમારી જરૂરિયાત પૂરી કરી છે. આર્થિક તકલીફો વચ્ચે જ શિક્ષણ મેળવ્યું છે, એટલે નાનપણથી જીવનમાં સંઘર્ષ તો બહું જ કર્યો છે. એ સંઘર્ષ 2500/-ની નોકરીમાં વિદ્યા સહાયક તરીકે ભરતી થયાં ત્યારે પણ રહ્યો જ. કારણ કે, 2500/- માં બહાર રહીને નોકરી કરવી સહેલી ન્હોતી. સ્વભાવમાં હું પહેલેથી જ આખા બોલી અને સ્પષ્ટવક્તા રહી છું. કોઈનું ખોટું સહન નહિ કરવાનું અને જે હોય એ સાચું કહી જ દેવાની આદત પહેલેથી છે.

પ્રશ્ન –  અચ્છા, મતલબ બાળપણથી જ તમે આખાબોલા ને સ્પષ્ટવકતા છો એમ..! આપનામાં આ આમ્બેડકરી વિચારધારાની સૌ પ્રથમ અસર તમને પોતાને ક્યારે અનુભવાઈ ? કે એવો કોઈ અનુભવ જેનાથી તમને એવું લાગ્યું હોય કે બાબાસાહેબની વિચારધારા જ અનુકરણીય છે.

જવાબ – બાબાસાહેબ સાથે તો નાનપણથી જ પરિચય હતો. એમના વિચારો વિશે ખ્યાલ નહોતો, પણ નાનપણમાં એમના પર બનેલી ફિલ્મ જોઈ હતી, જેમાં એમને ગાડાં પરથી ઉતારી દેવામાં આવે છે. કોઈ સ્પેશ્યલ ઘટના નથી બની જેનાં કારણે મારામાં આંબેડકરી વિચારધારાની શરૂઆત થઈ હોય. પરંતુ મારાથી મોટાભાઈ છે, એમણે ઘરમાં બાબાસાહેબના બધાં વોલ્યુમ લાવીને 1999/2000 માં  મૂકી દીધાં, જે એ પોતે વાંચતા અને મને વાંચનનો શોખ એટલે મે મોટાભાગના પુસ્તકો વાંચી નાખ્યા હતા.એવો કોઈ અલગ અનુભવ મને નથી થયો. હું સતત વિચારતી, ચિંતન કરતી વ્યક્તિ છું, એટલે સમય સાથે મારામાં બદલાવ થતો રહ્યો છે. હા, 2017ની ઉનાકાંડ ની ઘટનાને કારણે હું અંદરથી બહુ હચમચી ગઈ હતી. ઉના કાંડને કારણે મારામાં બહુ પરિવર્તન આવ્યું છે.

પ્રશ્ન – તમારું પોતાનું પારિવારિક કે સામાજિક પ્રેરણાસ્ત્રોત ખરું કોઈ?

જવાબ – કોઈ ચોક્કસ વ્યક્તિ બધી બાબતોમાં પ્રેરણા સ્રોત ન હોય શકે. હા, મારા મમ્મી પાસેથી ઘણું શીખી છું. સમજણ, પરિવાર સાચવવો,  સ્ત્રી સ્વાતંત્ર્ય વગેરે. ગમે તેવાં કપરાં સંજોગોમાં હિંમત ન હારવી એ પપ્પા પાસેથી શીખી છું. મધર ટેરેસા એ મને બહુ પ્રભાવિત કરી છે. બીજી તરફ બાબાસાહેબના વિચારો સ્વતંત્રતા, બંધુતા, વગેરે સામાજિક રાજકીય જાગૃતિ માટે કાંશિરામ સાહેબ અને શૈક્ષણિક જાગૃતિ સાવિત્રી બાઈ અને જ્યોતિબા ફૂલે ઉપરાંત બહું બધાં નામ છે. કારણ કે, પ્રત્યેક વ્યક્તિ પાસેથી કંઈક તો શીખીએ જ છીએ.

પ્રશ્ન – આંબેડકરવાદી વિચારધારાના ક્યાં એવા ગુણો છે જે તમને સૌથી વધુ ગમે છે? કે જાતે એને અનુસરો છો?

જવાબ – સમાનતા, બંધુતા, સ્વતંત્રતા એમાંય ખાસ સ્ત્રી સ્વતંત્રતા. ધર્મ અને જાતિથી મુક્ત વિચારો. હા, બિલકુલ હું મને જે વિચારો ગમે છે, યોગ્ય લાગે છે, તેને અનુસરું જ છું.

પ્રશ્ન –  તમારા પોતાનાં એવા ક્યાં સારાં ગુણો  છે જે તમે ઈચ્છો કે તમને અનુસરતાં કે આઇડીયલ માનતાં ભાઈ બહેનો પણ અનુસરે એ તમને ગમશે?

જવાબ – મને સાચું બોલવાની આદત છે, પોતાના સ્વાર્થ માટે હું ક્યારેય કોઈ કામ કરતી નથી, જે ભાઈઓ બહેનો મને આઇડીયલ સમજૂતા હોય એ મારા જેવા બને તો મને ગમશે. કારણ કે,સમાજને હાલ આવા લોકોની જ જરૂર છે.

પ્રશ્ન – તમારી  સાથે ઘટેલા જાતિવાદના એકાદ બે અનુભવો ?

જવાબ – આમ જોઈએ તો રોજ અનુભવ થતાં હોય, પણ  એવા કંઈ બહું અનુભવો મારી સાથે થયાં નથી. એક ઘટના યાદ છે, પ્રાથમિક શાળામાં ભણતી ત્યારે,  કહેવાતી ઉચ્ચ જાતિની મારી એક મિત્રએ અમારી સાથે ઝગડો થતાં જાહેર રસ્તા પર અમારી જાતિ વાચક શબ્દો અમને કહેલાં ત્યારે બહું લાગી આવેલું. એકવાર એક ગામમાં લગ્નમાં ગયેલાં, એક સગા અમને લીંબુ સોડા પીવડાવવા ગામની દુકાને લઈ ગયા. રસ્તામાં એમને યાદ આવ્યું કે, સોડા પીવા માટે એ લોકો એમનો ગ્લાસ નહિ આપે તેથી આપણે ઘરેથી લઈ જવો પડશે. મેં કહ્યું,” જો એમના ગ્લાસમાં સોડા આપે તો પીવી છે, નહિતર રહેવા દો.” અને એ દિવસે અમે સોડા પીધાં વગર જ પાછાં આવ્યા. હું મારી વાતમાં અડગ રહી હતી.

પ્રશ્ન – સ્ત્રીઓ માટે આપ પ્રેરણા છો, એક સ્ત્રી તરીકે  અનુભવેલા અન્યાયને આપે કેવી રીતે ટેકલ કરીને પોતાનો માર્ગ કંડાર્યો ?

જવાબ – સાચું કહું તો, સ્ત્રી તરીકે મને અન્યાય થયો હોય એવી કોઈ મોટી ઘટના મારી સાથે બની જ નથી. મને હંમેશા સપોર્ટ જ મળ્યો છે. ઘર હોય , કુટુંબ હોય કે મારા નોકરીના સ્થળોએ મારી સાથે સ્ત્રી હોવાના કારણે અમુક વર્તન થયું હોય એવું યાદ નથી.  હા, આચાર્ય તરીકે જોડાયા બાદ થોડાં જ સમયમાં મારે ગામની એક વ્યક્તિ સાથે થોડી તકલીફ ઊભી થયેલી, ત્યારે એવું લાગેલું કે, મહિલા આચાર્ય હોવાના કારણે મારી સાથે આવું વર્તન થઈ રહ્યું છે. પણ, આજે કોઈ ઈશ્યુ નથી. બધું ઓકે થઈ ગયું છે, તમારા કામની નોંધ લેવાય જ છે, વાર જરૂર લાગે છે.

પ્રશ્ન – આપ પોતે નાસ્તિક છો એવું કહો છો. તો આખો દિવસ ધાર્મિક કાર્યોમાં ને ભગવાન માતાજીમાં જ રચીપચી રહેતી બહેનો દીકરીઓ માટે આપનું શું કહેવું છે?

જવાબ – હું તો નાસ્તિક જ છું, અને હું તો કહું છું કે, દરેક સ્ત્રીઓએ આ ભગવાન માતાજી ને જેમ બને એમ ઝડપથી પોતાના જીવનમાંથી તિલાંજલિ આપી દેવી જોઈએ. કોઈ ભગવાન કે માતાજીએ ક્યારેય કોઈ બહેનો કે દીકરીઓનો ઉદ્ધાર નથી કર્યો, કરવાના પણ નથી. કારણ કે, એનું અસ્તિત્વ જ નથી. અને પોતાના ધર્મના નામે, માતાજી ભગવાનને માટે જે ખર્ચ કરતી હોય છે,  એનો જો હિસાબ કરીએ તો અઢળક રૂપિયો થાય જે બચાવી શકાય.  બહેનો આજીવન જે ખર્ચ કરે છે એટલાંમાં તો એ એક ખાનગી સંસ્થામાં ભણીને ડિગ્રી મેળવી શકે..

kusumben dabhi

પ્રશ્ન – ઘણાં લોકો સ્ત્રીઓ દ્વારા ખોટાં દહેજ કે બળાત્કારના કેસો કરવામાં આવે છે એવી દલીલ કરીને  આ કાયદાઓ કાઢી નાખવાની માંગણી કરતાં જોવા મળે છે, એ વિષે આપનું શું માનવું છે?

જવાબ – હા, મોટાભાગના કેસોમાં એવું બનતું જોવા મળતું હોય છે. બેય પ્રકારની બાબતો વિશે સમજવું જરૂરી છે. એક તરફ એવાં લોકો છે, જે પુરુષોને પરેશાન કરતા હોય છે, ખોટા કેસ કરીને આર્થિક લાભ લેતા હોય છે. અને બીજી તરફ એવાં બહેનો પણ હોય છે જેમની પાસે દહેજ માંગવામાં આવે છે. તેમનું શારીરિક શોષણ અને રેપ પણ થતાં હોય છે, પણ આ પીડિત મહિલાઓ તો આવાં લોકો સામે કેસ દાખલ કરી શકે એટલાં આર્થિક કે માનસિક રીતે મજબૂત જ નથી હોતાં. એવાં બહેનોએ તો બસ આખી જિંદગી સહન જ કરવું પડતું હોય છે. એટલે ખોટાં કેસો થતાં હોવાના કારણો આપીને આવા કાયદાઓ કાઢી નાખવાની માંગણી જ અયોગ્ય અને મૂર્ખામી ભરી છે. હકીકતમાં પ્રયત્નો એવાં થવા જોઈએ કે, દહેજ કે બળાત્કાર પીડિત મહિલાઓને ઝડપથી ન્યાય મળે, અને કોઈ છૂટી ન જાય. અને જો મહિલાઓ ખોટાં કેસ કરતી હોય તો એમણે પણ પુરુષો સાથે અન્યાય કર્યો કહેવાય. એટલે એમના માટે પણ કમસેકમ સામાન્ય સજાની જોગવાઈ હોવી જોઈએ, જેથી ખોટાં કેસ કરવાથી દૂર રહે મહિલાઓ.

પ્રશ્ન – આપે લગ્ન ના કર્યાનું કોઈ ખાસ કારણ કુસુમબેન ? લગ્નસંસ્થા ખાસ કરીને બહેનો માટે કેવી રીતે ઉપયોગી કે સારી અથવા ખરાબ છે? સ્ત્રી પુરુષ બંને માટે સ્વતંત્ર રહેવા વિશે અને જીવન જીવવા વિશે આપ શું માનો છો?

જવાબ – થોડો અઘરો સવાલ છે. મારા લગ્ન ન કરવાનું કારણ જ મારા વિચારો છે. હું મનુવાદી સ્ત્રી તરીકે જીવી જ ન શકું. મોટાભાગના સામાજિક રિવાજો અને રૂઢિઓ મને પસંદ જ નથી આવી, જેમાં બધું સ્ત્રીઓને જ ભોગવું પડતું હોય છે, મને કે કમને. લગ્ન સંસ્થા બહેનો અને ભાઈઓ માટે અમુક હદે ઉપયોગી છે, જો ભારતીય પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો. બાકી લગ્ન સંસ્થા સારી પણ છે અને ખરાબ પણ છે જ. હું તો કહું છું કે, સ્ત્રી અને પુરુષ બંને સ્વતંત્ર રહેવા જોઈએ, જીવન જીવવા માટે બન્નેની સ્વતંત્રતામાં સમાનતા હોવી જોઈએ.પણ ભારતની સમાજ વ્યવસ્થામાં બહુ અઘરું છે.

પ્રશ્ન –  આપ સતત ભાઈઓ સાથે જ કામ કરો છો તો આપણા એ ભાઈ કે સમગ્ર પુરુષ જાતિ માટે અમારા આ મીડિયા  પ્લેટફોર્મ દ્વારા આપ શું સંદેશો આપવા માંગશો?

જવાબ – હા, હું ભાઈઓ સાથે જ કામ કરતી જોવા મળી છું, કારણ કે, બહેનોનું પ્રમાણ જ બહુ ઓછું છે. અને બહેનો જે વર્ષોથી કામ કરે છે, એ પણ છૂટા છવાયા હોય છે એટલે સાથે રહીને બહું કામ કરી શકતાં નથી. પણ હવે બહેનો જોડાઈ રહી છે, થોડા વર્ષોમાં તમે અનુભવી શકશો આપણા ભાઈઓને તેમજ પુરુષ જાતિ માટે મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે, સ્ત્રીઓને દુઃખયારી, ગરીબડી કહેવાનું, સમજવાનું બંધ કરો. બીજું કે, બહેનો બહાર આવી રહી છે, એમને સાથ આપો, હિંમત આપો, પરંતુ ભૂલથી પણ આવી બહેનોનો દુરુપયોગ ન કરતાં. જેટલી સ્વતંત્રતા પુરુષોને છે એટલી જ સ્વતંત્રતા સ્ત્રીઓને પણ છે, એ તમારા મન મસ્તિષ્કમાં આજથી જ કોતરી દો.

જય ભીમ બોલવાથી કે આંબેડકરવાદી હોવાનું કહેવાથી કશુંય વળતું નથી. બાબાસાહેબે સ્ત્રી સ્વતંત્રતાને મહત્વ આપ્યું છે, એ જ સ્વતંત્રતાના વિચારો તમારાં પણ હોવાં જોઈએ અને જાહેર વર્તન વ્યવહારમાં દેખાવા જોઈએ. બાકી, હું ભાઈ કે બહેન વચ્ચે ભેદ નથી રાખતી એટલે હંમેશા બધાંની સાથે જ છું.

પ્રશ્ન – એક જાગૃત મહિલા તરીકે આપ આજની યુવા દીકરીઓને આને બહેનોને મહિલા દિન નિમિત્તે શું સંદેશ આપવા માગો છો?

જવાબ – જાગૃત મહિલા તરીકે મારે બધાને એ જ કહેવું છે કે, ધર્મનો આડંબર છોડી દો, જાતિવાદી માનસિકતા છોડી દો, અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી બહાર નીકળો,   પુરુષ પ્રધાન સમાજની માનસિકતા છોડી દો, અને એક તટસ્થ, સમજદાર, તાર્કિક સ્ત્રી બનો. ફકત ડીગ્રીઓ ન મેળવો પણ, સાચી દિશામાં શિક્ષિત બનો. ફકત કપડાં પહેરીને મોડર્ન ન બનો, વિચારોને મોર્ડન બનાવો. યાદ રાખો કે, કુટુંબ, રાજ્ય, અને દેશની મહિલાઓ જેટલી જાગૃત હશે એટલું જ એ કુટુંબ, રાજ્ય અને દેશ બેસ્ટ બની શકશે. અંતે તો બધું મહિલાઓના હાથમાં જ છે.

જયભીમ.

Interview By – ડો. મિતાલી સમોવા.

mitali samova

Leave a Comment