.

500/- દંડ આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ?

આફતને અવસર બનાવવાની કુશળતા સત્તાપક્ષ પાસે છે. પોતાના શાસનમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં તોફાનીઓએ ટ્રેનનો કોચ સળગાવી 59 કારસેવકોને જીવતા સળગાવી નાખ્યા; પોતાના શાસનમાં 24 સપ્ટેમ્બર 2002 ના રોજ, અક્ષરધામ મંદિર ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો; જેમાં 30 શ્રધ્ધાળુઓના મોત થયા; પોતાના શાસનમાં 26 જુલાઈ 2008 ના રોજ, અમદાવાદ શહેરમાં 21 સિરિયલ બોમ્બ બાસ્ટમાં 56 લોકોએ પોતાના જીવ ખોયા; આ બધાં શરમજનક બનાવોનો ઉપયોગ સત્તાપક્ષે એવી રીતે કર્યો કે દિલ્હીની ગાદી કબજે કરી લીધી ! આફતને અવસરમાં પલટાવી નાખી ! આફતને અવસરમાં પલટાવી નાખવાનું ગુજરાત મોડલ દિલ્હીમાં પણ અમલી બનાવ્યું છે. ચીની સૈનિકોએ ભારતના 20 સૈનિકોની હત્યા કરી; આ શરમજનક આફત વેળાએ દેશની ઈમેજની ચિંતા કરવાને બદલે PMને તો પોતાની ઈમેજની ચિંતા છે ! આફત તો ઈમેજ ચમકાવવાનો શુભ અવસર છે ! ગોદી પત્રકાર રજત શર્મા પોતાના બ્લોગમાં 28 જુલાઈ 2020 ના રોજ લખે છે : “કૈસે PMને ચીન કો એક સાથ કઈ મોર્ચો પર ઘેરા ! જબ ચાઈનાને ભારત સે ટકરાને કા પ્લાન બનાયા થા તો ઉસે ન તો ચોકીદાર કી મજબૂતી કા ખ્યાલ થા ઔર ન ભારત કી ફોજ કી તાકાત કા અંદાજા. અબ જબ દોનો બાતે પતા ચલ ગઈ તો ચીન ઈસ ટકરાવ સે પીછે હટને કા એસા રાસ્તા ઢૂંઢ રહા હૈ કિ ઈજ્જત ભી બની રહે ઔર મુસીબત સે છૂટકારા ભી મિલે !” આપણા 20 સૈનિકો ગુમાવ્યા; છતાં ‘કઈ મોર્ચો પર ઘેરા’ની પિપૂડી જ વગાડ્યા કરવાની ! PM તો ચીનનું નામ લેતા ડરે છે ! ચીની સૈનિકો ભારતની ભૂમિમાં આવ્યા નથી, એવું PM સર્ટિફિકેટ આપે છે ! ચીન પાછળ હટી રહ્યું છે; તેવો ઢોલ ગોદી મીડિયા પીટે છે. પેરોડી માસ્ટર ભગતરામજીએ તો ચોપડાવી દીધું કે “ચીન પાછળ હટતા-હટતા એટલું પાછળ હટી ગયું કે ચીનમાંથી બહાર નીકળીને મંગોલિયામાં ઘૂસી ગયું !”

દુ:ખ એ વાતનું છે કે આફતને અવસર બનાવવાની મનોવૃત્તિનો ભયંકર ચેપ ફેલાયો છે ! કોરોના વાયરસને કાઢવાના બહાને 1 ઓગષ્ટ 2020 થી જો કોઈ નાગરિક માસ્ક પહેર્યા વિના મળશે તો 200 રુપિયાને બદલે 500 રુપિયાનો દંડ પોલીસ/મ્યુનિસિપલ ઓથોરિટી વસૂલ કરશે ! સરકારને રોજે એક કરોડથી વધુ આવક તો માસ્કભંગમાંથી મળી જશે ! જુલાઈ 2020ના માસમાં, જિલ્લા/શહેર વાઈઝ કેટલો દંડ માસ્ક માટે કરવામાં આવ્યો છે; તેની RTI હેઠળ માહિતી માંગવાનાં આવે તો સરકારી લૂંટનો ખ્યાલ આવી શકે ! શું આફત લૂંટનો શુભ અવસર છે?.

mASK DAND 500

કોરોના મહામારીનો સામનો કરવા સખત પગલાં ભરવા જ પડે; લોકો દંડના ભય વિના માસ્ક ધારણ કરતા નથી; એ પણ સાચું છે. ભય બિના પ્રિત નહીં ! પરંતુ કીડીને કોશનો ડામ ન દેવાય ! ચીભડાના ચોરને ફાંસીની સજા ન કરાય ! લોકડાઉન/આર્થિક મંદીના કારણે લોકોની કમર તૂટી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં આખો દિવસ તડકે શ્રમ કરે ત્યારે 200 રુપિયા શ્રમિકને મળે છે. કોઈ શ્રમિકને 500 રુપિયા દંડ પોલીસ કરશે તો તે કેવી રીતે ભરશે? શ્રમિક પાસે 500 રુપિયા હોય તો દંડ ભરશે ને? એનો વિચાર સરકારે/તંત્રએ કર્યો હોય તેવું લાગતું નથી ! રાજ્યના પોલીસ વડા માસ્કભંગનો દંડ વસૂલ કરવા ચોક્કસ ટાર્ગેટ આપે ત્યારે પોલીસે ટાર્ગેટ પૂરો કરવા શિકાર શોધવાનો ને? સમાચાર છે કે કોઈએ પાણી પીવા માસ્ક હટાવ્યું તો પોલીસે તેને 200 રૂપિયાનો દંડ ફટકારી દીધો ! માસ્ક મોઢા ઉપર છે, પણ નાક ઉપર નથી; એમ કહીને પોલીસ દંડ વસૂલ કરે છે ! જો લોકો દંડ નહી ભરે તો પોલીસ જાહેરનામાના ભંગ સબબ કેટલાને પકડશે? તેમને લોકઅપમાં જમવાનું આપી શકશે? એમના કેસોનો ભરાવો કોર્ટ સહન કરી શકશે? આ બધા મુદ્દાઓનો વિચાર કરવાનો કે નહીં? આફતને લૂંટનો શુભ અવસર માની લોકો ઉપર તૂટી જ પડવાનું? શરમ જેવું છે કે નહીં?

~ આ લેખ નિવૃત IPS અધિકારી રમેશ સવાણી દ્વારા લખાયો છે.

Leave a Comment